Comments

ISIના ભૂતપૂર્વ વડા અમેરિકાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની સજા ભોગવી રહ્યા છે?

પાકિસ્તાનમાં ચૂંટાયેલી સરકાર અને સૈન્ય કરતાં પણ તેના જાસૂસી તંત્ર પાસે વધુ સત્તા હોવાનું માનવામાં આવે છે. પાકિસ્તાની જાસૂસી સંસ્થા ઈન્ટર સર્વિસ ઇન્ટલિજન્સ (આઈએસઆઈ) ના વડાઓ પાકિસ્તાનની નહીં પણ અમેરિકી વિદેશ ખાતાના આદેશ હેઠળ કામ કરતા હોય છે, એવી પણ માન્યતા છે. જો તેઓ કોઈ કારણે અમેરિકાના રિમોટ કન્ટ્રોલના પ્રભાવમાંથી બહાર નીકળી જાય તો તેની સજા ભોગવવા તેમણે તૈયાર રહેવું પડે છે.

આનું નવીનતમ ઉદાહરણ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ફૈઝ હમીદ છે, જેમની સામે પાકિસ્તાન આર્મી એક્ટના ઉલ્લંઘન માટે કોર્ટ માર્શલની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ફૈઝ હમીદ ૨૦૧૯ થી ૨૦૨૧ સુધી ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના કાર્યકાળ દરમિયાન ISIના વડા હતા. તેમના પુરોગામી જનરલ અસીમ મુનીર હતા, જેઓ હવે પાકિસ્તાનના આર્મી ચીફ છે. રાજકીય અને સંરક્ષણ નિષ્ણાતો ફૈઝ હમીદની ધરપકડને સેનાના તાજેતરના ઈતિહાસમાં અસામાન્ય ઘટના ગણાવી રહ્યા છે. તેમના મતે આનાથી સેના અને દેશના રાજકારણ પર ઊંડી અસર પડશે.

પાકિસ્તાન આર્મીના ઈતિહાસમાં આંગળીના વેઢે ગણી શકાય એવા અધિકારીઓ બે અલગ અલગ કોર્પ્સના કમાન્ડર હતા. છેલ્લાં ૭૫ વર્ષોમાં ફક્ત ૧૧ લેફ્ટનન્ટ જનરલોએ એકથી વધુ કોર્પ્સની કમાન્ડ કરી છે અને બલૂચ રેજિમેન્ટના લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ તેમાંથી એક છે. આજની વિપક્ષી પાર્ટી તહરીક-એ-ઈન્સાફ અને તેના સ્થાપક ઈમરાન ખાન પૂર્વ આઈએસઆઈ ડીજી મેજર જનરલ ફૈઝલ નસીર પર રાજકીય દખલગીરી અને તહરીક-એ-ઈન્સાફ વિરુદ્ધ કાર્યવાહી અને હિંસાનો આરોપ લગાવી રહ્યા છે. એવી જ રીતે મુસ્લિમ લીગ (નવાઝ શરીફ જૂથ) ને મેજર જનરલ ફૈઝ હમીદ સામે લગભગ સમાન ફરિયાદો હતી, જેઓ ૨૦૧૭ થી ૨૦૧૯ સુધી ISI ના ડીજી હતા. આ સમય દરમિયાન તેમના પર રાજકીય વેરની વસૂલાત કરવાનો અને વિપક્ષી નેતાઓની ધરપકડનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ વિપક્ષી નેતાઓ હવે સત્તા પર છે, માટે ઇમરાન ખાનના સમર્થક ફૈઝ હમીદ પર દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો છે.

ઇમરાન ખાનની તહરીક-એ-ઈન્સાફની સેન્ટ્રલ કમિટીના સભ્ય અને ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) નઈમ ખાલિદ લોધી માને છે કે પાકિસ્તાનના રાજકારણમાં ભૂતકાળમાં કોઈ ને કોઈ સ્વરૂપે સેનાની દખલગીરી થતી રહી છે, પણ આ વખતે મામલો જરા જુદો હતો. જનરલ ફૈઝ હમીદના શાસનકાળ દરમિયાન રાજકીય હસ્તક્ષેપ ખૂબ જ જાહેર અને કંઈક અંશે બેશરમ થવા લાગ્યો હતો. શેરીઓમાં અને જાહેર વર્તુળોમાં ISIની ભૂમિકાની ચર્ચા થવા લાગી હતી. પહેલાં આ બધું છૂપી રીતે થતું હતું, પરંતુ હવે બધું ખુલ્લેઆમ થઈ રહ્યું છે.

આઈએસઆઈના વડા તરીકે જનરલ ફૈઝ હમીદે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકોની હકાલપટ્ટી અને અફઘાન તાલિબાન સાથેની વાટાઘાટોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકો પાછા ખેંચાયા પછી, જનરલ ફૈઝ હમીદ કાબુલની એક હોટલની લોબીમાં વિદેશી પત્રકારો સાથે ટૂંકી વાત કરતા જોવા મળ્યા હતા. તેમની એક તસવીર પણ સામે આવી છે, જેમાં જનરલ ફૈઝ હમીદની પાછળ આઈએસઆઈના એક મેજર જનરલ પણ હાજર હતા, પરંતુ તેમણે માસ્ક પહેર્યું હતું.

મિડિયામાં આ તસવીર જાહેર થયા બાદ દેશમાં એવી ટીકા થઈ રહી હતી કે ગુપ્તચર એજન્સીના વડાએ આ રીતે જાહેરમાં આવવું જોઈએ કે નહીં. જ્યારે નવા ISI ચીફની નિમણૂકનો મુદ્દો સામે આવ્યો ત્યારે તત્કાલીન વડા પ્રધાન ઇમરાન ખાન ઇચ્છતા હતા કે જનરલ ફૈઝ હમીદ આ પદ પર થોડો વધુ સમય કામ કરે. ખુદ ઈમરાન ખાને આ વાત કહી હતી. જો કે લેફ્ટનન્ટ જનરલ નદીમ અંજુમની આઈએસઆઈના નવા વડા તરીકે નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ વડા પ્રધાન ગૃહમાંથી નિમણૂકને મંજૂરી આપવામાં વિલંબ થયો હતો, જેને સેના અને તહરીક-એ-ઈન્સાફ વચ્ચેના તણાવ તરીકે પણ જોવામાં આવ્યો હતો.

ઘણાં વર્તુળોમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને તેમની પાર્ટીને લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદની કારકિર્દી સાથે સંબંધિત વિવાદો માટે પણ દોષી ઠેરવવામાં આવે છે. કેટલાક નિષ્ણાતોના મતે વડા પ્રધાન ઇમરાન ખાન અને તહરીક-એ-ઇન્સાફના કાર્યકરોએ જનરલ ફૈઝ હમીદના પાત્રનો અસાધારણ હદ સુધી પ્રચાર કર્યો હતો, જેના કારણે તેમનું નામ એક જ પાર્ટી સાથે જોડાયેલું રહ્યું હતું. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને એક વખત જાહેરમાં કહ્યું હતું કે તેમને પદભ્રષ્ટ કરવામાં અમેરિકાનો હાથ છે. જનરલ ફૈઝ હમીદ ઇમરાન ખાનને વફાદાર હોવાના કારણે તેઓ પણ અમેરિકાના રિમોટ કન્ટ્રોલની અસરમાંથી બહાર નીકળી ગયા હતા. ઇસ્લામાબાદમાં સત્તાપલટો કરાવીને, પોતાની કઠપૂતળી જેવી સરકારની સ્થાપના કરીને, હવે અમેરિકાના ઇશારા પર જ જનરલ ફૈઝ હમીદ સામે કોર્ટ માર્શલની કામગીરી થઈ રહી છે.

લશ્કરી પરંપરાઓમાં એક અલિખિત પરંપરા પણ છે કે જો કોઈ અધિકારીને કોઈ ટાર્ગેટ અથવા સોંપણી આપવામાં આવે છે, તો તે તેની જવાબદારી વ્યાવસાયિક રીતે જ નિભાવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. જો આપણે પાકિસ્તાનના ઈતિહાસની મહત્ત્વની ઘટનાઓ અને ભૂતકાળનાં ઉદાહરણો પર નજર કરીએ તો એક કરતાં વધુ વખત એવું બન્યું છે કે જ્યારે સૈન્ય અધિકારીઓ તેમની વ્યાવસાયિક ફરજો નિભાવતી વખતે મૂળભૂત નિયમોની બહાર ગયા હોય. રશિયા સામે અફઘાન યુદ્ધ દરમિયાન અને પછી ઘણા અધિકારીઓ ઉગ્રવાદીઓમાં લોકપ્રિય બન્યા હતા.

ભૂતપૂર્વ DG ISI જનરલ હમીદ ગુલ તેમના કાર્યકાળ દરમિયાન અને પછી એક અલગ વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા હતા. તેમને પણ વહેલી તકે સેના છોડવી પડી હતી. ભૂતપૂર્વ ડીજી આઈએસઆઈ જનરલ જાવેદ નાસિરને પણ આવી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો અને તેઓ પણ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા ન હતા. અમેરિકાના ૯/૧૧ પછી જનરલ મુશર્રફની ટીમના મુખ્ય સભ્ય અને તત્કાલીન આઈએસઆઈ વડા જનરલ મહમૂદ અહેમદ તેમની વ્યાવસાયિક જવાબદારીઓ અને તેમના વિચારોને સંતુલિત કરી શક્યા નહોતા અને તેમણે સેના છોડવી પડી હતી. હવે આ યાદીમાં જનરલ ફૈઝ હમીદનું નામ પણ ઉમેરાઈ ગયું છે.

ભૂતપૂર્વ ગવર્નર મુહમ્મદ ઝુબૈરના જણાવ્યા મુજબ એંસીના દાયકામાં અફઘાન યુદ્ધ અને ૯/૧૧ પછી પાકિસ્તાની સેનાના ઘણા અધિકારીઓ તેને ઇસ્લામની લડાઈ માનીને પોતાની રીતે આતંકવાદને મદદ કરવાની બાબતમાં ખૂબ આગળ વધી ગયા હતા. એ જ રીતે,  ઈમરાનખાનના શાસનકાળમાં પણ કેટલાક અધિકારીઓ તાલિબાનને મદદ કરવાની બાબતમાં સંસ્થાની મર્યાદાની બહાર ગયા હતા અને તેનો એક ભાગ બન્યા હતા. તેને પરિણામે તાલિબાનની તાકાત એટલી વધી ગઈ હતી કે અમેરિકાને છેવટે તેની સાથે સમાધાન કરવું પડ્યું હતું. 

પાકિસ્તાનના તાજેતરના ઈતિહાસમાં આઈએસઆઈના ઘણા વડાઓએ સેવા દરમિયાન કે પછી તપાસનો સામનો કરવો પડ્યો છે. ભૂતપૂર્વ ISI ચીફ અસદ દુર્રાની ૧૯૯૦ની ચૂંટણીમાં ધાંધલધમાલને લઈને અસગર ખાન કેસમાં સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા અને પછી મેહરાન બેંક કૌભાંડમાં તેમની સંડોવણી સ્વીકારીને કોર્ટમાંથી બહાર નીકળી ગયા હતા. ૧૨ ઓક્ટોબર ૧૯૯૯ ના રોજ ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની સરકાર વિરુદ્ધ જનરલ પરવેઝ મુશરફ દ્વારા લશ્કરી બળવો થયો હતો અને નવાઝ શરીફ દ્વારા આર્મી ચીફ તરીકે નિયુક્ત કરાયેલા  ISIના વડા લેફ્ટનન્ટ જનરલ ઝિયાઉદ્દીન બટ્ટની ધરપકડ કરવામાં આવી હતી. આઈએસઆઈના વડાઓની નિમણૂકમાં પણ અમેરિકાનો પ્રભાવ કામ કરતો હોય છે.

Most Popular

To Top