હાલમાં પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરેલા હવાઇ હુમલામાં ત્રણ ક્રિકેટરના મોત થઇ ગયા છે. આ મામલાએ સમગ્ર વિશ્વનું બંને દેશો વચ્ચે લાંબાસમયથી ચાલતા વિવાદ તરફ ધ્યાન ખેંચ્યું છે. ભારતે પાકિસ્તાન પર હવાઇ હુમલો કર્યો તે ફક્ત પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી પૂરતો જ મર્યાદિત રહે તેનું ધ્યાન રાખ્યું હતું પરંતુ પાકિસ્તાનનો અફઘાનિસ્તાનના નાગરિકો પર હવાઇ હુમલો કરી રહ્યું છે. ત્યારે આ વિવાદ જેના કારણે થઇ રહ્યો છે તે સીમાનું નામ ડુરંડ લાઇન છે. આ સમયે આ લાઇન શું છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને અલગ કરતી સીમાને ડુરંડ લાઇન કહેવામાં આવે છે. પરંતુ અફઘાનિસ્તાન આ સીમારેખાને નથી સ્વીકારતું. પાકિસ્તાન તેને ડુરંડ લાઇન નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સીમા કહે છે.
તેમનું કહેવું છે કે આ બૉર્ડરને આંતરરાષ્ટ્રીય માન્યતા હાંસલ છે. બ્રિટિશ સરકારે તત્કાલીન ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગો પર નિયંત્રણ મજબૂત કરવા માટે 1893માં અફઘાનિસ્તાન સાથે 2,640 કિલોમીટર લાંબી સીમા રેખા ખેંચી હતી. આ સમાધાન બ્રિટિશ ઇન્ડિયાના તત્કાલીન વિદેશ સચિવ સર મૉર્ટિમર ડુરંડ અને અમીર અબ્દુર રહમાન ખાન વચ્ચે કાબુલમાં થયું હતું. પરંતુ અફઘાનિસ્તાન પર ભલે કોઈનુંય રાજ કેમ ન હોય, ડુરંડ લાઇન પર સર્વસંમતિ નથી. કોઈ અફઘાન તેને આંતરરાષ્ટ્રીય સીમા નથી ગણતું.
વર્ષ 1923માં કિંગ અમાનુલ્લાથી માંડીને અત્યારના શાસન સુધી ડુરંડ લાઇન વિશે કંઈક આવી જ ધારણા છે.1947માં પાકિસ્તાનના જન્મ બાદ કેટલાક અફઘાન શાસકોએ તો ડુરંડ સમાધાનની માન્યતા પર જ સવાલ ઉઠાવ્યા. પાકિસ્તાનનો દૃષ્ટિકોણ એ અંગે ઘણો સ્પષ્ટ છે. મેજર જનરલ ઇફ્તિખારે વર્ષ 2022માં કહ્યું હતું કે, અમે તેને ડુરંડ લાઇન નથી કહેતા. એ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સીમા છે, જેને વિશ્વે માન્યતા આપી છે. વર્ષ 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી બાદ વર્ષ 2022માં ફરી એક વાર બંને દેશો વચ્ચે ડુરંડ લાઇન અંગેનો વિવાદ જાગૃત થયો હતો.
એ દરમિયાન બંને દેશો વચ્ચે સરહદે પાકિસ્તાન દ્વારા પાથરાયેલી કાંટાળ તારની વાડને તાલિબાનના લડવૈયાઓએ ઘણી જગ્યાઓએ ઉખાડી ફેંકી હતી. પાકિસ્તાનની સરકારે તાલિબાન સમક્ષ માંગ કરી છે કે “અફઘાનની ધરતી ઉપર કાર્યરત આતંકવાદી સમૂહોને તત્કાળ અટકાવવામાં આવે. પાકિસ્તાને કહ્યું છે કે જો આવા હુમલા ચાલુ રહ્યા, તો ‘પોતાના આત્મવિશ્વાસના અધિકાર હેઠળ’ તે જવાબી કાર્યવાહી કરશે. આ દાવાની હજુ સુધી સ્વતંત્ર પુષ્ટિ નથી થઈ શકી.
તાલિબાનના પ્રવક્તાનું કહેવું છે કે આઈએસઆઈએસના વડા પાકિસ્તાનમાં છે અને આ સંગઠન ખૈબર-પખ્તૂનખ્વા તથા બલૂચિસ્તાનમાં સક્રિય છે. સાઉદી અરેબિયાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના બૉર્ડર ક્ષેત્રોમાં ચાલી રહેલા તણાવ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને તમામ પક્ષોને સંયમ જાળવવાની અને તણાવ ઓછું કરવાની અપીલ કરી છે. તેમજ, કતારે પણ તણાવ અંગે ચિંતા વ્યક્ત કરતા બંને પક્ષોને અપીલ કરી છે અને કહ્યું છે કે આ મામલાનું વાતચીત અને કૂટનીતિ દ્વારા સમાધાન કરાય. આમ, આ ઘર્ષણના કેન્દ્રમાં વારંવાર એક નામ જોવા મળી રહ્યું છે, અને એ છે ડુરંડ રેખા.