મોટાભાગના વહિવટીતંત્રમાં ચોરી-ભ્રષ્ટાચાર-લૂંટફાટ, સત્યોને દફનાવવા જેવા અઢળક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. ખોટા વાયદાઓ કરીને સરકારી તિજોરીઓના નાગરિકોના નાણાંના બેસુમાર અને બીનજરૂરિયાતના ખર્ચાઓ કર્યે જાય છે. રંગરોગાનો કરાવી, ફક્તને ફક્ત દેખાડાના અખાડા અને ઠઠારા..કરી કરાવીને સત્તાના જોરે રૂપિયા વેરીને એકઠી કરાતી લોકટોળી અને વગર કામના સભા સરઘસો કરી રસ્તાઓ જામ કરવાના આરોપ સહન કરતી સાંપ્રત સમયની સત્તાધારી સરકાર, આજે દેશભરમાં પાણીની ચોરી માટીની ચોરી, માનવ તસ્કરી, નશીલા પદાર્થની હેરાફેરી, પક્ષપલટાની આંટીઘૂંટી. મતોની ચોરી – મતદાતાની હેરાફેરીના પુનરાવર્તન થઈ રહેલ છે.. ત્યારે દેશની જનતાને હવે, અત્ર તત્ર સર્વત્ર એક જ પ્રશ્ન મનોમન વાગોળ્યા કરે છે કે શું થવા બેઠુ છે? આ, દેશ કઈ દિશામાં પ્રયાણ કરતો થયો છે? તાજેતરનો પણ જે સરકારી શાળાના શિક્ષકો અને કર્મચારીઓ પોતાની ફરજ પરની સેવા ઉપરાંત વધારાની ચૂંટણીઓ લક્ષી કામગીરીથી હેરાન પરેશાન થઇ રહેલ છે ત્યારે તો એઓ આત્મઘાતી પગલાં ભરી મોતને ભેટી જાય છે.
સોનીફળિયા-સુરત -પંકજ શાંતિલાલ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
નિયમ નહીં અપવાદ છે
દેશનું પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા જુઠા વિમર્શ બનાવે છે. જેમ કે થોડા સમય પહેલા યુવાનોને આવતા હાર્ટ એટેકની વાત ચાલેલી. જ્યાં જુઓ ત્યાં આ જ સમાચાર. પછી વાત એટલે હદે બગડી કે યુવાનોને નહીં કોઈને પણ એટેક આવે તોંય સમાચાર બનતા! પેપરમાં રોજ બે ત્રણ કોલમનાં સમાચાર બને કે ફલાણી ફલાણી જગ્યાએ આટલા લોકોને એટેક આવ્યો. અંદર વિગતે વાંચીએ તો ખબર પડે કે મરણ જનાર કોઈ ૬૨ કોઈ ૭૦ કે કોઈ ૮૦ વર્ષનું હતું. આ એટેકને કોરોનાની રસી સાથે જોડવામાં આવેલા. કોઈ વેજ્ઞાનિક પ્રમાણ નહીં, કોઈ સરકારી ખુલાસો નહીં કે કોઈ જ સાબિતી નહીં તો ય એટેક આવ્યો હોય તેણે કોરોનાની રસી લીધી હતી તે અલગથી લખવામાં આવતું.
બિહારનાં પોણા આઠ કરોડ લોકોનાં નામ SIRનાં કારણે મતદારયાદીમાં રહ્યા હતા. સમગ્ર બિહારમાં SIRનાં કારણે કોઈએ આપઘાત નહોતો કર્યો. અને “દસ કરોડની” વસ્તીવાળા પ.બંગાળમાં “બે લોકો” SIRનાં કારણે મતદાર નહીં રહેવાય કે નાગરિકતા નહીં રહે તેવા ડરનાં કારણે આપઘાત કર્યો! સ્યુસાઇડ નોટ હતી? જવાબ છે ના. કોણે કહ્યું કે SIRનાં કારણે આપઘાત કર્યો તો કહે એ તો એવું જ હોય ને! અત્યારે SIR ચાલે છે એટલે એમ જ હોય ને! આવા જુઠાણા મીડિયા ચલાવી રહ્યું છે. દેશનાં કરોડો મતદારો કે લાખો કર્મચારીઓમાં બે-ચાર-પાંચ સાથે બનતી કોઈ ઘટના એ નિયમ નથી અપવાદ છે.
ધામડોદ રોડ, બારડોલી -કેદાર રાજપૂત– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.