Columns

સરહદ પાર કરીને આવેલી સીમા હૈદર પ્રેમદિવાની છે કે પાકિસ્તાની જાસૂસ?

આ દિવસોમાં પાકિસ્તાની મહિલા સીમા ગુલામ હૈદર અને તેના ભારતીય પ્રેમી સચિન મીનાની રહસ્ય અને રોમાંચથી ભરપૂર લવસ્ટોરીની ભારત સહિત દુનિયાભરમાં ચર્ચા છે. સીમા હૈદર તેના પ્રેમી સચિન સાથે લગ્ન કરવા માટે ગેરકાયદેસર રીતે અનેક આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરીને તેનાં ચાર બાળકો સાથે ભારત આવી હતી. સીમા હૈદર જે રીતે ભારત આવી તે અંગે અનેક સવાલો ઊઠી રહ્યા છે. બંને PUBG રમતી વખતે પ્રેમમાં પડ્યા હતા. પછી પ્રેમ એટલી હદે ખીલ્યો કે સીમા હૈદર પહેલાં દુબઈ અને પછી નેપાળ થઈને ૧૩ મેના રોજ ગ્રેટર નોઈડાના રાબુપુરા ગામ પહોંચી. તેણે ચીકન, માંસ અને માછલી ખાવાનું છોડીને હિંદુ ધર્મ અપનાવ્યો છે.

સીમા હૈદર પોતાની સાથે ચાર બાળકોને પણ લાવી છે. આ મામલો ત્યારે સામે આવ્યો છે જ્યારે પોલીસે તેની ભૂતકાળમાં ભારતમાં ગેરકાયદેસર રીતે રહેવાના આરોપમાં ધરપકડ કરી હતી. હાલ બંને જામીન પર બહાર છે. હવે સવાલ એ છે કે સીમાનું શું થશે? શું તેને પાકિસ્તાન પરત જવું પડશે? હાલમાં કેટલાક લોકો પ્રેમ ખાતર પાકિસ્તાનથી આટલા દૂર આવવાના તેનાં પગલાંની પ્રશંસા કરી રહ્યા છે, તો ઘણાં લોકો તેને પાકિસ્તાનની જાસૂસ પણ માની રહ્યાં છે. ગુપ્તચર એજન્સીઓ તેના દસ્તાવેજો પણ સ્કેન કરી રહી છે.

સીમા હૈદર અને સચિનની લવસ્ટોરીએ હવે નવો વળાંક લીધો છે. પાકિસ્તાનના ડાકુઓએ ભારત અને તેમના દેશમાં રહેતા હિંદુઓને જાહેરમાં ધમકી આપી છે કે જો સીમા હૈદરને તેના દેશમાં પાછી નહીં મોકલવામાં આવે તો ત્યાં રક્તપાત થશે. બલૂચ ડાકુઓના એક જૂથે પાકિસ્તાન તરફથી એક વિડિયો જાહેર કર્યો છે. તેઓએ ધમકી આપી છે કે જો સીમા હૈદરને તેમના દેશમાં પરત નહીં મોકલવામાં આવે તો તેઓ પાકિસ્તાનમાં રહેતી હિંદુ મહિલાઓ પર બળાત્કાર કરશે અને મારી નાખશે. વાઈરલ વિડિયોમાં માસ્ક પહેરેલા અને રાઈફલ ધારણ કરેલા પુરુષો હિંદુ વસ્તીને ધમકાવતા દેખાય છે.

પૂછપરછ દરમિયાન પાકિસ્તાનના સિંધ (હાલમાં-કરાચી)ની વતની સીમા હૈદરે જણાવ્યું કે તેણે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવાના રસ્તાઓ શોધવા માટે યુટ્યુબ બ્રાઉઝ કર્યું હતું. જ્યારે તેને વધુ સમજ ન પડી ત્યારે તેણે ટ્રાવેલ એજન્ટ મારફતે દુબઈની ટિકિટ બુક કરાવી. આ પછી તે દુબઈથી નેપાળ અને ત્યાંથી નોઈડા પહોંચી અને સચિનને ​​મળી હતી. સીમાનો પતિ હાલમાં સાઉદી અરેબિયામાં છે અને ત્યાં નોકરી કરે છે. પોલીસે કહ્યું કે તેઓ કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ સાથે કેસની તમામ વિગતો શેર કરવાની પ્રક્રિયામાં છે.

સીમા પાસેથી ઘણા દસ્તાવેજો મળી આવ્યા છે અને ટૂંક સમયમાં આ મામલાને કોર્ટમાં લઈ જશે. ડીસીપીએ કહ્યું કે અમે મહિલા અને તેનાં બાળકોના લગ્નનું પ્રમાણપત્ર, પાકિસ્તાની પાસપોર્ટ, પાકિસ્તાની નાગરિકતા કાર્ડ અને જન્મ પ્રમાણપત્રો પણ રિકવર કર્યા છે. પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશેલી સીમા હૈદર પર પાકિસ્તાની જાસૂસ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. યુટ્યૂબના ઘણા યુઝર્સે સીમા હૈદર પાકિસ્તાની જાસૂસ હોવાની આશંકા વ્યક્ત કરી છે.

સીમાના લગ્ન ગુલામ હૈદર સાથે થયા છે, જે હાલમાં સાઉદી અરેબિયામાં કામ કરે છે. બંનેને ચાર બાળકો છે. તેમનાં પ્રથમ બાળકનો જન્મ વર્ષ ૨૦૧૫ માં થયો હતો. ગુલામ હૈદર સાથે લગ્ન કર્યા પછી સીમા કરાચીમાં શિફ્ટ થઈ ગઈ હતી. આ દરમિયાન ગુલામ હૈદર સાઉદી ગયો અને છેલ્લાં કેટલાંક વર્ષોથી તે સતત ત્યાં રહેતો હતો. સીમાના કહેવા પ્રમાણે તેના અને તેના પતિ વચ્ચે ઘણી વખત ઝઘડા થયા છે.

વર્ષ ૨૦૧૯ થી સીમા તેના પતિથી અલગ રહેતી હતી. તેનાં ચાર બાળકો તેની સાથે હતાં. ૨૦૧૯ થી PUBG રમતી વખતે સીમા અને સચિનની વાતચીત વધી ગઈ ત્યારે તેઓ એક બીજા સાથે WhatsApp અને Instagram પર ચેટ કરવા લાગ્યા. આ સિલસિલો સમગ્ર કોરોના સમયગાળા દરમિયાન ચાલ્યો. મિત્રતા હવે પ્રેમમાં બદલાઈ ગઈ હતી. રાહ માત્ર એકબીજાને મળવાની હતી. વર્ષ ૨૦૨૩ સુધીમાં બંનેએ નક્કી કર્યું કે હવે તેઓ વધુ સમય સુધી અલગ નહીં રહી શકે.

આ સમયગાળા દરમિયાન સીમા હૈદરે વારંવાર ભારતના વિઝા માટે અરજી કરી કારણ કે તે સચિનને ​​મળવા માંગતી હતી. જ્યારે આ વિઝા અપીલ નકારી કાઢવામાં આવી ત્યારે સીમાએ બીજી પદ્ધતિ અપનાવી. હવે તેણે નેપાળનો રસ્તો અપનાવ્યો. સીમા અને સચિન માર્ચ ૨૦૨૩માં નેપાળમાં મળ્યાં હતાં અને બંને લગભગ સાત દિવસ સાથે રહ્યાં હતાં. બંનેએ કાઠમંડુના પશુપતિનાથ મંદિરમાં લગ્ન કર્યા હતા અને કાયમ સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી.

વાર્તા અહીં સમાપ્ત થવાની નહોતી, કારણ કે ખરી ચિંતા સીમા અને તેનાં ચાર બાળકોને સુરક્ષિત રીતે ભારત લાવવાની હતી. ત્યાર બાદ સચિન ત્યાંથી ભારત પાછો આવ્યો અને સીમા તેનાં બાળકો સાથે થોડો સમય ત્યાં રહી. જ્યારે ખબર પડી કે જો કોઈ વ્યક્તિ નેપાળથી ભારતીય સરહદે આવે છે તો તેને વિઝાની જરૂર નથી. આવી સ્થિતિમાં સીમા તેનાં બાળકો સાથે નેપાળથી ગોરખપુર અને ત્યાંથી નોઈડા પહોંચી. અહીં નોઈડામાં એક કરિયાણાની દુકાનમાં કામ કરતા સચિન મીનાએ સીમા અને તેનાં બાળકોને ભાડે રૂમ રાખ્યો.

સચિનના પરિવારને આ વિશે ખબર હતી, પરંતુ કોઈને અંદાજ નહોતો કે મામલો અહીં સુધી પહોંચશે. બંનેએ નેપાળના મંદિરમાં લગ્ન કર્યા હતા, પરંતુ તેઓ ભારતમાં પણ કાયદેસર રીતે લગ્ન કરવા માંગતા હતા. આવી સ્થિતિમાં સચિને વકીલનો સંપર્ક કર્યો, લગ્નની પ્રક્રિયા શરૂ થઈ, પછી ખબર પડી કે સીમા પાકિસ્તાની નાગરિક છે. વકીલના માધ્યમથી જ પોલીસને આ અંગે જાણ થઈ અને સંપૂર્ણ ખુલાસો થઈ શક્યો. સીમા અને સચિનની ૪ જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. સીમા વિરુદ્ધ ગેરકાયદેસર રીતે ભારતમાં જાણ કર્યા વિના પ્રવેશ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. મામલો કોર્ટમાં પહોંચ્યો, ત્યાર બાદ તેમને જામીન મળી ગયા અને કોર્ટના આદેશ બાદ જ બંનેને સાથે રહેવા દેવામાં આવ્યા હતા. સીમા પહેલાં તેનાં બાળકો સાથે અલગ રહેતી હતી, પરંતુ હવે તે નોઈડામાં જ સચિનના ઘરે તેના પરિવાર સાથે રહે છે.

સીમા હૈદરનો પાકિસ્તાની પતિ ગુલામ હૈદર પણ આ વાર્તામાં એક મહત્ત્વપૂર્ણ પાત્ર છે, જેના વિશે અત્યાર સુધી ઓછી વાત કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૯માં ગુલામ હૈદર કામ માટે સાઉદી અરેબિયા પહોંચ્યો હતો. સીમાના જણાવ્યા અનુસાર ત્યારથી તેનો તેના પતિ સાથેનો સંપર્ક ઘણો ઓછો થઈ ગયો હતો. ગુલામ હૈદર અને સીમા હૈદર ટી.વી.ની ચેનલ પર સામસામે આવ્યા, જ્યાં સીમાએ ખુલાસો કર્યો કે તેણે છૂટાછેડા લીધા છે. ગુલામ હૈદરે ખુલાસો કર્યો કે તેણે સીમાને છેલ્લા અઢી મહિનામાં બે થી ત્રણ લાખ રૂપિયામાં વેચી દીધી છે, એટલું જ નહીં સીમા પોતાનું ઘર વેચીને ભારત પહોંચી ગઈ છે.

જો કે સીમાએ એવો પણ દાવો કર્યો હતો કે આ ઘર તેના નામે છે, તેથી તેણે તેને વેચી દીધું છે. સીમા હૈદર લગભગ ૧૨ લાખ રૂપિયા જમા કરીને દુબઈ થઈને નેપાળ પહોંચી છે. ભારત આવતાં પહેલાં જ તેણે પોતાનું ઘર વેચી દીધું હતું. સીમાએ વિઝા, પેપરવર્ક, ટિકિટ અને બીજી બધી બાબતોમાં બેદરકારીપૂર્વક પૈસા ખર્ચ્યા હતા. હવે ભારત આવ્યા બાદ સીમાએ સ્પષ્ટ કર્યું છે કે તેણે હિંદુ ધર્મ અપનાવ્યો છે અને તે હંમેશા સચિન સાથે ભારતમાં રહેવા માંગે છે.

Most Popular

To Top