Editorial

ઇઝરાયેલની બસોમાં બ્લાસ્ટ કરવામાં જેનો હાથ માનવામાં આવે છે તે અલ કાસમ બ્રિગેડ છે શું?

ગઇકાલે એટલે કે શુક્રવારે ઇઝરેયેલના તેલ અવીવ શહેરમાં ત્રણ બસોમાં જબરદસ્ત બોમ્બ ધડાકા થયા હતા અને બે બસોમાંથી બોમ્બ પકડી પાડવામાં આવ્યા. આ બ્લાસ્ટ ઇઝરાયેલે લેબનોનમાં કરેલા પેજર બ્લાસ્ટનો જવાબ માનવામાં આવે છે. ઇઝરાયેલા આ  બ્લાસ્ટના જવાબમાં વેસ્ટ બેન્કમાં વળતો હુમલો શરુ કરી દીધો છે. ઇઝરાયેલનું લશ્કર હુમલાખોરોને શોધવા માટે વેસ્ટ બેન્કમાં ત્રાટક્યુ છે.  આ ઉપરાંત ઇઝરાયેલે લેબનોનમાં હવાઈ હુમલા પણ કર્યા હોવાનું લેબનોનના સત્તાવાળાઓએ જણાવ્યું હતું. ઇઝરાયેલ પર આ હુમલો  હમાસના કબ્જામાંથી ચાર બંધકોના મૃતદેહો પરત ફરતા આખા દેશમાં ગમગીનીભર્યુ વાતાવરણ હતુ ત્યારે કરવામાં આવ્યો છે. સદનસીબે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઇઝરાયેલ આ બાબતને એક ચમત્કાર માને છે. આ હુમલો હમાસની એક શાખા કાસમ બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યો હોવાનું મનાય છે.

જો કે, હજી સુધી અલ કાસમ બ્રિગેડે તેની સીધી જાહેરાત કરી નથી. પરંતુ યાહ્યા સિનવાર વર્ષો સુધી જેનો મુખિયા રહ્યો હતો તેના દ્વારા જ આ બ્લાસ્ટ કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે આ સંગઠન છે શું તેની વાત કરીએ તો અલ-કાસમ બ્રિગેડ જેને ઇઝ અલ-દિન અલ-કાસમ બ્રિગેડ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેનું નામ ઇઝ અદ-દિન અલ-કાસમના નામ પરથી રાખવામાં આવ્યું છે. તે પેલેસ્ટિનિયન રાષ્ટ્રવાદી સુન્ની ઇસ્લામવાદી સંગઠન હમાસની લશ્કરી પાંખ છે. 2024 ના રોજ મોહમ્મદ દેઈફના મૃત્યુ સુધી તેમણે આ સંગઠનનું નેતૃત્વ કર્યુ હતું.  અલ-કાસમ બ્રિગેડ તાજેતરના વર્ષોમાં ગાઝા પટ્ટીમાં કાર્યરત સૌથી મોટી અને શ્રેષ્ઠ સજ્જ લશ્કર છે. તેની સ્થાપના

1991ના મધ્યમાં કરવામાં આવી હતી. ૧૯૯૪ થી ૨૦૦૦ સુધી, અલ-કાસમ બ્રિગેડ્સે ઇઝરાયલીઓ સામે અનેક હુમલાઓ કરવાની જવાબદારી સ્વીકારી છે . અલ-કાસમ બ્રિગેડ્સે ગાઝા પટ્ટીના પશ્ચિમ કાંઠે અનેક સેલ ઊભા કર્યા છે. હમાસે ગાઝા પટ્ટીમાં એક મજબૂત પકડ જાળવી રાખી, જેને સામાન્ય રીતે તેનો ગઢ માનવામાં આવે છે. ફેબ્રુઆરી 2017 થી ઓક્ટોબર 2024 સુધી ગાઝા પટ્ટીમાં હમાસના રાજકીય નેતા યાહ્યા સિનવર ઇઝરાયલ-હમાસ યુદ્ધ દરમિયાન ગાઝામાં બ્રિગેડમાં મુખ્ય લશ્કરી નેતા હતા. તેમની હત્યા પછી તેમના ભાઇ મોહંમદે આ બ્રિગેડની કમાન સંભાળી છે.

યુરોપિયન યુનિયન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઇજિપ્ત અને યુનાઇટેડ કિંગડમે આ કાસમ બ્રિગેટને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. અલ-કાસમ બ્રિગેડનું નામ ઇઝ્ઝ-અદ-દીન અલ-કાસમના નામ પરથી રાખવામાં આવ્યું છે જેઓ એક મુસ્લિમ ઉપદેશક અને મુજાહિદ હતા. તેમણે સીરિયા, લિબિયા અને પેલેસ્ટાઇનમાં લડાઈ લડી હતી. 1930માં તેમણે બ્લેક હેન્ડની સ્થાપના કરી હતી જે એક આતંકવાદી સંગઠન હતું. આ સંગઠન ઝિઓનિઝમ અને લેવન્ટમાં બ્રિટીશ અને ફ્રેન્ચ શાસનનો વિરોધ કરતું હતું. 1935 માં પેલેસ્ટાઇન પોલીસ ફોર્સ સાથે ગોળીબારમાં મૃત્યુ પામતા પહેલા , અલ-કાસમએ તેમના અનુયાયીઓને શહીદી સ્વીકારવા અને છેલ્લી ગોળી સુધી લડવા માટે પ્રોત્સાહિત કર્યા, જેના કારણે તેઓ પેલેસ્ટિનિયન રાષ્ટ્રવાદીઓ માટે એક આદર્શ બની ગયા હતા.

Most Popular

To Top