Columns

USAID દ્વારા મળતી સહાયનો ઉપયોગ ગરીબ દેશોને બરબાદ કરવા માટે થાય છે?

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે કેટલાક તળિયાઝાટક નિર્ણયો લીધા છે તેમાં વિશ્વ આરોગ્ય સંસ્થા અને પર્યાવરણ માટેની પેરિસ સમજૂતીમાંથી નીકળી જવાના નિર્ણય ઉપરાંત વિશ્વના ગરીબ દેશોને ખેરાતની વહેંચણી કરતી સંસ્થા USAID ને બંધ કરવાની જાહેરાત કરી છે. આ એજન્સી વિશ્વભરમાં અબજો ડોલરની સહાયનું વિતરણ કરે છે, જેમાં ભારત સહિત વિશ્વના ઘણા દેશોનો સમાવેશ થાય છે. USAID વિશ્વભરમાં NGO, સહાય જૂથો અને બિનનફાકારક સંસ્થાઓને અબજો ડોલરની સહાય પૂરી પાડે છે. USAID ની સ્થાપના ૧૯૬૧ માં તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ જોન એફ કેનેડી દ્વારા કરવામાં આવી હતી. વિશ્વભરમાં તેના લગભગ ૧૦,૦૦૦ કર્મચારીઓ છે અને તેનું વાર્ષિક બજેટ લગભગ ૪૦ અબજ ડોલર છે, જ્યારે અમેરિકન સરકારનું વિદેશી સહાય માટેનું કુલ બજેટ ૬૮ અબજ ડોલર છે. હાલમાં USAID યુક્રેન, ઇથોપિયા, જોર્ડન, કોંગો, સોમાલિયા, યમન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, નાઇજીરીયા, દક્ષિણ સુદાન અને સીરિયાને સહાય પૂરી પાડે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ટોચના સલાહકાર એલોન મસ્ક USAID ના કઠોર ટીકાકાર રહ્યા છે.

સોમવારે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે એજન્સી કટ્ટરપંથી ડાબેરી પાગલો દ્વારા ચલાવવામાં આવી રહી છે. તેઓ મોટા પાયે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રમાં સરકારી ખર્ચ ઘટાડવા માટે રચાયેલા વિભાગના બિનસત્તાવાર વડા એલોન મસ્કે પણ USAID બંધ કરવાની વાત કરી હતી. એલોન મસ્કે USAID સામે ભ્રષ્ટાચાર અને નાણાંકીય અનિયમિતતાના આરોપો ઉપરાંત ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. તેમના માલિકીના સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ X પર મસ્કે USAID ને દુષ્ટ અને ગુનાહિત સંગઠન અને કટ્ટરપંથી ડાબેરી રાજકીય મનોવૈજ્ઞાનિક અભિયાન ગણાવ્યું હતું. અહીં સવાલ એ થાય છે કે જો USAID આટલું મોટું ષડયંત્ર હતું તો તેની પાસેથી અબજો ડોલરની સહાય લેનારા ભારત સહિતના દેશો શા માટે અમેરિકાના આ ષડયંત્રનો ભોગ બન્યા હતા?

USAID ભારતને આરોગ્ય, શિક્ષણ, રસીકરણ, પર્યાવરણ, સ્વચ્છ ઊર્જા, શિક્ષણ, પાણી અને સ્વચ્છતા જેવાં ક્ષેત્રોમાં મદદ કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન મુજબ આ બધી સહાય ડાબેરી પાગલોનું કાવતરું છે. USAID ની મદદથી ભારતમાં ૮ કૃષિ યુનિવર્સિટીઓ અને ૧૪ એન્જિનિયરિંગ કોલેજોની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત, દેશની પ્રથમ ભારતીય ટેકનોલોજી સંસ્થા IIT ખડગપુરની સ્થાપના પણ USAID ની મદદથી કરવામાં આવી હતી. ૨૦૦૪ માં સુનામી દરમિયાન ભારતની તત્કાલીન ડો. મનમોહન સિંહની સરકારે શરતી વિદેશી સહાય સ્વીકારવાની નીતિમાં ફેરફાર કર્યો, ત્યાર બાદ USAID તરફથી ભારતને મળતી સહાય પ્રમાણમાં ઘટી ગઈ હતી.

તેનો મતલબ એ થયો કે ૨૦૦૪ સુધી ભારતને મળેલી તમામ સહાય શરતી હતી, જેની પાછળ અમેરિકાનો સ્વાર્થ હતો અને ભારતનાં હિતોને નુકસાન હતું. અમેરિકન સરકારના ફોરેન આસિસ્ટન્સ પોર્ટલ અનુસાર ભારતને છેલ્લાં ચાર વર્ષમાં મોદી રાજમાં જ ૬૫ કરોડ ડોલરની સહાય મળી છે, જ્યારે ૨૦૦૧ થી અત્યાર સુધીમાં ભારતને ૨.૮૬ અબજ ડોલરની સહાય મળી છે. પોર્ટલ અનુસાર, ભારતને ૨૦૨૨ માં USAID તરફથી ૨૨.૮૨ કરોડ, ૨૦૨૩ માં ૧૭.૫૭ કરોડ અને ૨૦૨૪ માં ૧૫.૧૯ કરોડ ડોલરની સહાય મળી હતી.

USAID તરફથી સહાય મેળવવાની બાબતમાં ભારત ત્રીજા ક્રમે છે. USAID એ ૨૦૨૩ માં જણાવ્યું હતું કે તેણે COVID-19 રોગચાળાનો સામનો કરવા માટે ભારતને ૨૦ કરોડ ડોલર ફાળવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન મુજબ આપવામાં આવતી સહાય ડાબેરીઓનું કાવતરું હોય તો માનવું પડશે કે COVID-19 પણ કાવતરું હતું. ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વધ્યા પછી, USAID દ્વારા મદદ પણ વધી છે. USAID એ ભારતમાં સ્વચ્છ ઊર્જા, સ્વચ્છ પાણી અને સ્વચ્છતા અને આરોગ્ય ક્ષેત્રે સરકાર સાથે મળીને ઘણા કાર્યક્રમોને પ્રોત્સાહન આપ્યું છે. જૂન ૨૦૨૩ માં ભારત સરકાર અને USAID વચ્ચે એક મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેથી ભારતીય રેલવે ૨૦૨૩ સુધીમાં નેટ ઝીરો કાર્બન લક્ષ્યને પ્રાપ્ત કરી શકે.

USAID દ્વારા આપવામાં આવતી તમામ સહાયમાં ઉપરછલ્લી રીતે દેશને ફાયદો થતો જણાતો હતો, પણ સરવાળે દેશના સમાજકારણ, અર્થકારણ, ધર્મ, સંસ્કૃતિ અને પ્રજાને ભારે નુકસાન થતું હતું. USAID દ્વારા રસીકરણ અને આરોગ્યના ક્ષેત્રમાં જે સહાય આપવામાં આવે છે, તેનો લાભ એલોપથી દવાઓનું ઉત્પાદન કરતી મલ્ટીનેશનલ ફાર્મા કંપનીઓને થાય છે. USAID દ્વારા શિક્ષણ માટે જે સહાય આપવામાં આવે છે તેનાથી દેશમાં નાસ્તિકતા ફેલાય છે અને સ્વચ્છ પાણી માટે આપવામાં આવતી સહાયનો ઉપયોગ પાણીનું વેપારીકરણ કરવા માટે થાય છે.

ભારતમાં બાળમૃત્યુ દર ઘટાડવાનો પડકાર હજુ પણ રહે છે. ભારત હજુ પણ શિશુ મૃત્યુ દર ૧,૦૦૦ જન્મ દીઠ ૨૦ થી નીચે લાવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. USAID માતા અને બાળક પોષણ કાર્યક્રમો પર સરકાર સાથે કામ કરે છે. શિશુ મૃત્યુદર ધીમે ધીમે ઘટ્યો છે, પરંતુ તે હજુ પણ ૨૦ થી ઉપર છે. USAID એ શિશુ અને માતા મૃત્યુ દર ઘટાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ સમસ્યા પોષણ સાથે સંબંધિત છે. કુપોષણનાં વિવિધ પરિમાણો જેમ કે રૂંધાયેલો વિકાસ, ઊંચાઈ, વજન, રોગપ્રતિકારક શક્તિ વગેરેના આધારે, મોટી સંખ્યામાં બાળકો હજુ પણ કુપોષણથી પીડાઈ રહ્યાં છે. હકીકતમાં USAID શિશુ મૃત્યુ દર ઘટાડવાના નામે બાળકોનાં રસીકરણને પ્રોત્સાહન આપે છે, જેના કારણે દેશની વસતિમાં ઘટાડો થઈ શકે છે. USAID દ્વારા ચાલતાં પોષણના કાર્યક્રમો દ્વારા શાળાએ જતાં બાળકોમાં માંસાહારનો પ્રચાર કરવામાં આવે છે.

USAIDનો દાવો છે કે તેની મદદથી ચલાવવામાં આવતા ટી.બી. નાબૂદી કાર્યક્રમો દ્વારા છેલ્લા બે દાયકામાં ભારતમાં ૭૦ લાખ લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. ભારતમાંથી હજુ પણ ટી.બી. નાબૂદ થયો નથી. ભૂતકાળમાં ટી.બી.ના કેસોમાં ઘટાડો થયો હતો, પરંતુ એમ કહેવું ખોટું નહીં હોય કે તે ફરીથી વધી રહ્યો છે. USAIDએ એઇડ્સ નિવારણમાં અગ્રણી ભૂમિકા ભજવી હોવાનો દાવો કર્યો છે.

હકીકતમાં વિશ્વના દેશોમાં એઈડ્સનો હાઉ ઊભો કરીને રક્તદાનમાં આવતું તમામ રક્ત એચઆઈવી માટે ચેક કરવાનો કાયદો જ મોટું કૌભાંડ છે. તેના નામે બ્લડ બેન્કો રીતસર લોહીનો વેપાર કરે છે. એચઆઈવી ચેક કરવાની કિટ જે કંપનીઓ બનાવે છે, તેમને તેના થકી અબજો ડોલરનો ફાયદો થાય છે. આ રૂપિયા લોહી લેતાં ગરીબ દર્દીના ખિસ્સામાંથી સેરવી લેવામાં આવે છે. હકીકતમાં એઈડ્સ પોતે જ મોટું કૌભાંડ છે. ભારત USAID ના સહયોગથી સ્થાનિક સ્તરે અને સબ-સહારન આફ્રિકાના ગરીબ દેશોમાં ખાદ્ય સુરક્ષા કાર્યક્રમો ચલાવે છે.

હકીકતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દાયકાઓથી ચાલતી ત્રણ ઇન્ટરનેશનલ એજન્સીમાંથી ખસી જવાનો જે નિર્ણય કરવામાં આવ્યો તે USAID, વિશ્વ આરોગ્ય સંસ્થા અને જળવાયુ પરિવર્તનના કાર્યક્રમો કૌભાંડ હતાં તેમ સાબિત કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા આપણા આરોગ્યનું રક્ષણ કરવાના નામે દેશમાં અને દુનિયામાં એલોપથી પદ્ધતિનો પ્રચાર કરવાનું અને આપણી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિનો નાશ કરવાનું ષડયંત્ર ચલાવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા મલ્ટીનેશનલ ફાર્મા કંપનીઓના દલાલની ભૂમિકા ભજવે છે. તેને કારણે આપણી સમગ્ર આરોગ્ય વ્યવસ્થા પર ફાર્મા કંપનીઓ દ્વારા કબજો કરવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની પાસેથી બોધપાઠ લઈને ભારતે વિદેશી સહાયથી ચાલતા તમામ પ્રોજેક્ટો દેશના હિતમાં બંધ કરી દેવા જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top