આમ આદમી પાર્ટીનો જન્મ અણ્ણા હઝારેના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનમાંથી થયો હતો. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન વગેરે નેતાઓએ દિલ્હીની જનતાને એક ભ્રષ્ટાચારથી મુક્ત નવી રાજવ્યવસ્થા પૂરી પાડવાની આશા આપી હતી. આ આશામાં દિલ્હીનાં મતદારોએ તેમને ખોબા ભરીને મતો આપ્યા હતા અને સત્તા પર બેસાડ્યા હતા. આમ આદમી પાર્ટીએ સત્તા પર આવીને શિક્ષણ, આરોગ્ય, વહીવટ વગેરે બાબતોમાં નવા પ્રયોગો કરવા માંડ્યા ત્યારે લાગ્યું હતું કે તેમનો ઇરાદો સમાજમાં પરિવર્તન લાવવાનો છે.
તેમણે મફત વીજળી અને મફત પાણીની લહાણી કરી તેથી દિલ્હીનાં ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોને ખરેખર રાહત થઈ હતી. દેશભરનાં લોકો અરવિંદ કેજરીવાલને વૈકલ્પિક રાજનીતિના નાયક તરીકે જોવા લાગ્યાં હતાં. દિલ્હી પછી તેમણે પંજાબ જેવા રાજ્યમાં સત્તા હસ્તગત કરી હતી. પરંતુ ભ્રષ્ટાચારનો વિરોધ કરીને સત્તા પર આવેલા નેતાઓ જ ભ્રષ્ટાચારમાં લીન થઈ ગયા હતા. કદાચ ચૂંટણી જીતવા માટે અને સત્તામાં રહેવા માટે ધનની જરૂર હતી; પણ તે માટે ભ્રષ્ટાચાર આચરીને આમ આદમી પાર્ટીના નેતાઓએ પોતાના જ પગ પર કુહાડો માર્યો હતો.
હવે પરિસ્થિતિ એવી છે કે આમ આદમી પાર્ટીના મોટા ભાગના પ્રધાનો તેમના મુખ્ય પ્રધાન સહિત જેલમાં છે. આમ આદમી પાર્ટીનું સપનું પંજાબ અને દિલ્હીની તમામ લોકસભાની બેઠકો કબજે કરવાનું હતું; પણ હવે તે સપનું દિવાસ્વપ્ન સમાન ભાસી રહ્યું છે. આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયા વગર ચૂંટણીનો પ્રચાર ફિક્કો લાગી રહ્યો છે. અધૂરામાં પૂરું અરવિંદ કેજરીવાલના જે સાથીઓ જેલની બહાર છે તેમના પર પણ ઇડીની લટકતી તલવાર છે. તાજેતરમાં અરવિંદ કેજરીવાલના સહયોગી અને દિલ્હી સરકારમાં કેબિનેટ મંત્રી રાજકુમાર આનંદે આમ આદમી પાર્ટીના સભ્યપદ અને હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. જો આ રીતે નેતાઓ રાજીનામાં આપશે તો આમ આદમી પાર્ટી ખતમ જ થઈ જશે.
રાજકુમારે આમ આદમી પાર્ટીમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ રાજકુમાર આનંદે કહ્યું કે તેઓ થોડા સમયથી પાર્ટીમાં ગૂંગળામણ અનુભવી રહ્યા હતા, પરંતુ દિલ્હી હાઈકોર્ટના નિર્ણયથી તેમને અહેસાસ થયો કે ક્યાંક કંઈક ખોટું થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘‘મેં અરવિંદ કેજરીવાલ સાથે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તે સમયે તેમણે કહ્યું હતું કે રાજકારણ બદલાશે તો દેશ પણ બદલાશે. આજે દુ:ખ સાથે કહેવું પડે છે કે રાજનીતિ બદલાઈ નથી પરંતુ રાજકારણીઓ બદલાયા છે.’’ રાજકુમાર આનંદની ભાષા પરથી લાગે છે કે તેઓ ભાજપની સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે કે ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે.
રાજકુમાર આનંદ ઉત્તર ભારતમાં રેક્સિનના મોટા બિઝનેસમેન છે. ગયા વર્ષે નવેમ્બરમાં EDએ રાજ આનંદના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. નાણાંકીય અનિયમિતતાઓ ઉપરાંત તેમના પર હવાલા મારફતે ચીન પૈસા મોકલવાનો પણ આરોપ છે. આ દરોડો દિલ્હીની રદ કરાયેલી દારૂની નીતિથી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પાડવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ અમારા મંત્રીઓ અને ધારાસભ્યોની તોડફોડ કરવા માટે ED અને CBI જેવી કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે. EDએ રાજકુમારને ૧૨ એપ્રિલ માટે સમન્સ જારી કર્યા છે. રાજકુમાર આનંદ જેવા વેપારી ઇડી માટે સોફ્ટ ટાર્ગેટ છે, કારણ કે દરોડાને કારણે તેમનું આર્થિક સામ્રાજ્ય ખતમ થઈ જાય તેમ છે. રાજકુમાર જ્યારે રાજીનામાની જાહેરાત કરી રહ્યા હતા ત્યારે અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયાના નજીકના ગણાતા રત્નેશ ગુપ્તા પણ તેમની નજીક બેઠા હતા. રત્નેશ ગુપ્તા પણ ભયભીત છે અને તેઓ છેલ્લા કેટલાક સમયથી પાર્ટીથી સલામત અંતર જાળવી રહ્યા છે.
ED દ્વારા નિશાન બનાવવામાં આવેલા આમ આદમી પાર્ટીના નેતાઓના સંકટ દરમિયાન તેમના ઘણા સાંસદો ગાયબ છે. કેજરીવાલની ધરપકડ બાદ પાર્ટીએ અનેક વિરોધ પ્રદર્શનો કર્યાં પરંતુ પાર્ટીના મોટા ભાગના સાંસદો આ પ્રદર્શનમાં ગેરહાજર રહ્યા હતા. જામીન પર બહાર આવેલા સંજય સિંહ ઉપરાંત સંદીપ પાઠક અને એન.ડી. ગુપ્તા પાર્ટીના ત્રણ રાજ્યસભા સાંસદ છે, જેઓ ભૂતકાળમાં સક્રિય જોવા મળ્યા છે. આમ આદમી પાર્ટીના એકમાત્ર લોકસભા સાંસદ સુશીલકુમાર રિંકુ તાજેતરમાં જ ભાજપમાં જોડાયા હતા. આ સિવાય પાર્ટીના રાજ્યસભાના સાંસદો પણ આ સમગ્ર મામલે સક્રિય દેખાતા નથી. આમ આદમી પાર્ટીના જે સાંસદો ઇડીના કે સીબીઆઈના દરોડાના ડરથી સક્રિય નથી દેખાતા તેમાં રાઘવ ચઢ્ઢા, સ્વાતિ માલીવાલ, હરભજન સિંહ, અશોકકુમાર મિત્તલ, સંજીવ અરોરા, બલબીરસિંહ અને વિક્રમજીત સિંહનાં નામો સામેલ છે.
આમ આદમી પાર્ટીના ગુમ સાંસદો પૈકી રાઘવ ચઢ્ઢા આંખનું ઓપરેશન કરાવવા લંડન ગયા હતા. માર્ચના અંતમાં તેઓ પરત આવવાના હતા, પરંતુ પરત આવ્યા ન હતા. ફિલ્મી અભિનેત્રી પરિણીતી ચોપરા સાથે લગ્ન કર્યા પછી રાઘવ ચઢ્ઢા જાહેરમાં બહુ ઓછા દેખાય છે. રાઘવ સોશ્યલ મિડિયા પર એક્ટિવ જોવા મળે છે. જો સૂત્રોનું માનીએ તો રાઘવ ડોકટરોની સલાહ પર બહાર નથી જઈ રહ્યા જેથી સૂર્યપ્રકાશ તેની આંખો પર અસર ન કરે.
સ્વાતિ માલીવાલ અમેરિકામાં છે અને તેની બહેન સાથે છે, જેની સારવાર ચાલી રહી છે. સ્વાતિ સોશ્યલ મિડિયા પર પણ એક્ટિવ જોવા મળે છે. ક્રિકેટર કમ સાંસદ હરભજનસિંહ આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં ભાગ્યે જ જોવા મળે છે. કેજરીવાલની ધરપકડ બાદ પણ હરભજનસિંહ શાંત દેખાતા હતા. સોશ્યલ મિડિયા પર હરભજનસિંહની પોસ્ટ IPL વિશે દેખાય છે, પરંતુ AAP વિશે નથી. હરભજનસિંહને પૂછ્યું કે શું તેઓ પાર્ટીના વિરોધ પ્રદર્શનમાં સામેલ થશે? હરભજનસિંહે તેનો જવાબ ‘ના’માં આપ્યો હતો.
લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના સ્થાપક અશોક મિત્તલ પાર્ટીની ગતિવિધિઓમાંથી ગાયબ જણાય છે. મિત્તલે કહ્યું કે AAPના વિરોધ પર બોલવું મારા અધિકાર ક્ષેત્રમાં નથી. પાર્ટી હેડક્વાર્ટર અમને જણાવશે કે શું કરવામાં આવશે. મિત્તલે દાવો કર્યો હતો કે તેમને પાર્ટીના વિરોધ પ્રદર્શનમાં પણ આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજીવ અરોરાએ કહ્યું કે તેઓ ૨૪ માર્ચે કેજરીવાલની પત્નીને મળ્યા હતા. જો કે, તેમણે સ્વીકાર્યું કે ઇન્ડિયા જોડાણ વિરોધમાં ભાગ લેશે નહીં. સંજીવે કહ્યું કે પાર્ટીએ મને લુધિયાણામાં કેટલીક જવાબદારીઓ આપી છે. હું એન.ડી. ગુપ્તાજીના સતત સંપર્કમાં છું. જો મને બોલાવવામાં આવશે, તો હું ચોક્કસ જઈશ.
આમ આદમી પાર્ટીના અન્ય સાંસદ બલબીર સિંહ પર્યાવરણીય મુદ્દાઓ પર પણ કામ કરે છે, પરંતુ તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં તેઓ જોવા મળ્યા ન હતા. તેમણે કહ્યું કે હું ધર્મનું પાલન કરતો વ્યક્તિ છું, જો કોઈ યોજના હશે તો જણાવવામાં આવશે. કેજરીવાલની ધરપકડ હોય કે આમ આદમી પાર્ટીનો વિરોધ; વિક્રમજીત સિંહ ક્યાંય દેખાતા નથી. સોશ્યલ મિડિયા પર તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથેની વાતચીતનો વિડિયો શેર કર્યો છે. વિક્રમજીત સાથે જોડાયેલાં સૂત્રોનું કહેવું છે કે તેમણે ઘણી વખત કહ્યું છે કે તેઓ બિનરાજકીય છે અને તે પંજાબના મુદ્દાઓ પર ખૂલીને બોલતા રહ્યા છે. અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે આમ આદમી પાર્ટી દ્વારા દેશભરમાં જે વિરોધ પ્રદર્શનો યોજવામાં આવ્યાં હતાં તેનો ધબડકો થયો છે. હવે તો આમ આદમી પાર્ટીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જ ઝઝૂમવું પડશે.