Comments

દોરડામાં સાપને જોવો સત્તા પક્ષની પ્રકૃતિ હોય છે કે નિયતિ?

એક-બે નહીં, પચીસ પુસ્તકોને પ્રતિબંધિત કરાયાં છે. અગાઉ જમ્મુ અને કાશ્મીરને કેન્‍દ્રશાસિત પ્રદેશનો દરજ્જો અપાયા પછી અહીંના ગૃહ વિભાગ તરફથી 5 ઓગસ્ટે આ મુજબનો એક આદેશ બહાર પાડ્યો છે. કાશ્મીર અંગે લખાયેલાં આ પચીસ પુસ્તકો પર કાશ્મીરના યુવાઓને ‘ગેરમાર્ગે દોરવાનો અને તેમને ‘હિંસા તેમજ ત્રાસવાદમાં ભાગ લેવા માટે ભડકાવવાનો’ આક્ષેપ છે. સરકારી આદેશ અનુસાર: ‘આ સાહિત્ય ફરિયાદ, ભોગ બનવાને અને ત્રાસવાદને વીરતા માનવાની યુવાઓની માનસિકતા પર ઘેરી અસર કરશે.’ આ પુસ્તકોનાં લેખકોમાં અરુંધતી રોય, એ.જી.નૂરાની, ક્રિસ્ટોફર સેડન, હાફ્સા કંજવાલ, અનુરાધા ભસીન, ડેવિડ દેવદાસ જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાનો, પત્રકારોનો સમાવેશ થાય છે.

આ પ્રતિબંધ કેટલો વાજબી છે કે કેમ એની વાતને બદલે પ્રતિબંધ પાછળની માનસિકતાની વાત કરવા જેવી છે, કેમ કે, પુસ્તકો પર આપણા દેશમાં મૂકાયેલો આ પહેલવહેલો પ્રતિબંધ નથી. અગાઉની સરકારોએ પણ આ શસ્ત્રનો ઉપયોગ કરેલો છે. પુસ્તકો યા ફિલ્મ જેવા સાંસ્કૃતિક માધ્યમ પર પ્રતિબંધ મૂકવાનું વલણ અસલમાં અંગ્રેજ સરકાર દ્વારા આરંભાયેલું. કારણ બહુ સ્વાભાવિક છે. તેઓ વિદેશથી અહીં કેવળ રાજ કરવા આવેલા. રાજની વિરુદ્ધમાં જઈ શકે, એવી લાગણી ભડકાવી શકે એવી નાનામાં નાની ગતિવિધિ તેમની જાણ બહાર હોય એ તેમને પોસાય નહીં. આથી તેઓ દૂધના દાઝ્યા ન હોવા છતાં છાશ ફૂંકી ફૂંકીને પીવાનું વલણ ધરાવતા હતા. એકાદ બે ઉદાહરણથી આ વાત વધુ સ્પષ્ટ થશે.

મોહનદાસ ગાંધી હજી ‘ગાંધીજી’ નહોતા બન્યા એવે સમયે તેમણે એક પુસ્તક લખેલું. ‘હિંદ સ્વરાજ’ નામના આ પુસ્તકમાં ગાંધીજીએ જાણે કે સ્વાધીન હિન્દુસ્તાનનો નકશો કંડાર્યો હતો. 1910માં પ્રકાશિત આ પુસ્તક પર અંગ્રેજી સરકાર દ્વારા પ્રતિબંધ મૂકાયો, કેમ કે, તેમને આ પુસ્તક રાજવિરોધી જણાયું. વધુ એક ઘટના. હજી ફિલ્મઉદ્યોગ ભારતમાં પા-પા પગલી માંડી રહ્યો હતો એવે સમયે દ્વારકાદાસ સંપટ દ્વારા નિર્મિત અને અભિનીત ફિલ્મ ‘ભક્ત વિદુર’ની રજૂઆત 1921માં થઈ. મહાભારતના પાત્ર પર આધારિત પૌરાણિક કથાવસ્તુ હોવા છતાં આ ફિલ્મને પ્રતિબંધિત કરવામાં આવી, કેમ કે, તેના મુખ્ય પાત્ર ભક્ત વિદુરે ફિલ્મમાં ખાદીનો પોશાક પહેર્યો હતો. સરકારને તે ગાંધીજીએ આરંભેલી સ્વદેશી ચળવળના પ્રતીકરૂપ જણાયું અને ફિલ્મને પ્રતિબંધિત કરાઈ.

એ જ રીતે, 1943માં રજૂઆત પામેલી ‘બોમ્બે ટોકિઝ’ની ફિલ્મ ‘કિસ્મત’ પણ અંગ્રેજી સરકારના રડારમાં આવી, કેમ કે, તેનું એક ગીત ‘દૂર હટો એ દુનિયાવાલોં, હિન્‍દુસ્તાન હમારા હૈ’ બહુ લોકપ્રિય બની ગયું હતું. અંગ્રેજી સરકારે ગીતના શબ્દો વિશે તપાસ કરાવતાં માલૂમ પડ્યું કે ગીતકાર- કવિ ‘પ્રદીપે’ તેમાં અંગ્રેજોના દુશ્મન એવા જર્મન અને જાપાનીઓને ઉદ્દેશીને પંક્તિ લખેલી: ‘તુમ ન કિસી કે આગે ઝૂકના, જર્મન હો યા જાપાની.’ જો કે, તેમાં છુપાયેલો સંદેશ લોકો પામી ગયેલા, પણ દેખીતી રીતે અંગ્રેજ સરકાર એમાં કશું કરી શકે એમ નહોતી.

આમ, અંગ્રેજ સરકારને આવી બાબતોમાં રાજદ્રોહની આશંકા જણાય તો એ કંઈક વાજબી ઠરે છે. સ્વાતંત્ર્યોત્તર ભારતમાં ‘રાજદ્રોહ’ જેવો મુદ્દો સાવ અસ્થાને બની રહે છે. આપણો દેશ લોકશાહી મૂલ્યોનો દેશ છે, જેમાં નાગરિકને બંધારણીય રીતે તમામ પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. સત્તાપલટો લોકશાહીનું આવશ્યક અને અનિવાર્ય પરિમાણ છે. આમ છતાં, વખતોવખત જે તે સરકાર અંગ્રેજ શાસનકાળના આ શસ્ત્રનો ઉપયોગ કરતી આવી છે. આનો ભોગ વિવિધ ફિલ્મકારો, ચિત્રકારો, પત્રકારો, કાર્ટૂનિસ્ટો, કવિઓ કે લેખકો બનતાં આવ્યાં છે.

આ સઘળાં કળાકીય અભિવ્યક્તિનાં માધ્યમો છે. તેનો એક પ્રભાવ અવશ્ય હોય છે, પણ ભારત જેવા દેશમાં તેનો એટલો પ્રભાવ ઊભો થાય કે જે સત્તાપલટો લાવવામાં કારણભૂત બની શકે એમ વિચારવું જરા વધુ પડતું છે. ઘડીભર ધારીએ કે સત્તાપલટો આવ્યો તો પણ એ છેવટે તો ચૂંટણી થકી આવશે. આપણા દેશની લોકશાહીનાં મૂલ્યોને અનુરૂપ એ પલટો અહિંસક રહેવાનો. અને જે તે સમયે સત્તાસ્થાને રહેલા કોઈ પણ પક્ષે સત્તાપરિવર્તનની નિયતિ સ્વીકારવી જ રહી.

આની સામે એ પણ હકીકત છે કે સત્તાસ્થાને બેઠેલામાં એ સ્વીકારવા કે સમજવા જેટલી પુખ્તતા હોતી નથી, અને તે એમ જ ઈચ્છે છે કે પોતાનું શાસન સદાકાળ ટકે. બસ, આ લાલસા છેવટે ‘પ્રતિબંધ’ જેવા હથિયારના ઉપયોગ તરફ દોરી જાય છે. તેનો ખરો આશય તો એ કૃતિના સર્જકને પાઠ ભણાવવાનો કે ધોંસ જમાવવાનો હોય છે, કેમ કે, આપણા દેશની બંધારણીય લોકશાહીનાં મૂલ્યોનો પાયો એટલો તકલાદી નથી કે તે આવી કોઈ કૃતિથી ડગમગી જાય. પણ પોતાની વિરુદ્ધ કશું સર્જાય એ સત્તાપક્ષને ગમતી વાત નથી.

કાશ્મીરમાં પ્રતિબંધિત કરાયેલાં પુસ્તકો બાબતે પણ આમ જ સમજવું. ભિન્ન મતનો આદર કરવામાં ગર્વ અનુભવવાની આપણી સંસ્કૃતિથી સાવ વિપરીત આ કૃત્ય છે. સરકારને એ બાબતનો પૂરો ખ્યાલ છે કે આ પુસ્તકોથી કાશ્મીરના યુવાનો કંઈ ગેરમાર્ગે દોરાવાના નથી. સાદા તર્કથી વિચારીએ તો અંગ્રેજીમાં લખાયેલાં આ પુસ્તકો વાંચનારાં કેટલાં? એ વાંચીને, એનાથી પ્રભાવિત થઈને સરકાર સામે કોઈ કાર્યવાહી કરવામાં પ્રવૃત્ત થઈ જાય એ શક્યતા કેટલી?

પણ આ પ્રતિબંધ મૂકાતાંની સાથે પોલીસે પુસ્તકોની વિવિધ દુકાનોએ છાપો માર્યો અને પુસ્તકોની નકલો જપ્ત કરી. જે દેશમાં કરોડોની કિંમતનું નશીલું દ્રવ્ય ધરાવતાં આખાં ને આખાં કન્‍ટેનર છાશવારે પકડાતાં હોવાના સમાચારથી ટેવાઈ જવાય, ત્યાં પુસ્તકોની દુકાન પર છાપા મારીને પ્રતિબંધિત પુસ્તકોની નકલો જપ્ત કરાવવાનાં આવાં પગલાંનો હેતુ અગાઉ લખ્યું એમ ધોંસ જમાવવાનો જ હોય એ સ્પષ્ટ જણાઈ આવે છે. સત્તાપક્ષ દોરડામાં સાપ જુએ તો એ એની પોતાની અસલામતીની ભાવનાનું પ્રતિબિંબ છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top