Charchapatra

નાઇજરમાં લશ્કર દ્વારા થયેલા બળવા પાછળ રશિયાનો દોરીસંચાર છે?

આફ્રિકના દેશો પશ્ચિમી ગુલામીમાંથી મુક્ત થયા તે પછી પશ્ચિમના દેશો રિમોટ કન્ટ્રોલ વડે તેના પર રાજ કરીને તેમની કુદરતી સંપત્તિની લૂંટ ચલાવી રહ્યા છે. આફ્રિકાનો નાનકડો દેશ તેના યુરેનિયમના ભંડારો માટે જાણીતો છે. નાઇજરના યુરેનિયમનું વેચાણ કરીને ફ્રાન્સની કંપનીઓ અબજો ડોલર કમાય છે, પણ નાઇજરનાં લોકોને તેમાં નાનકડો હિસ્સો પણ મળતો નથી. નાઈજરમાં તાજેતરમાં લશ્કરે બળવો કર્યો છે. સૈનિકોએ આ બળવાની જાહેરાત નેશનલ ટી.વી. પર કરી હતી. સૈન્યે નાઇજરના બંધારણના વિસર્જનની જાહેરાત કરીને તમામ સંસ્થાઓને સ્થગિત કરી દીધી.

આ બળવા પછી દેશની તમામ સરહદો બંધ કરી દેવામાં આવી હતી. કહેવાય છે કે આ બળવો રશિયાના ઇશારા પર કરવામાં આવ્યો છે. યુક્રેન યુદ્ધ પછી રશિયાની તાકાત વધી ગઈ છે અને અમેરિકા તેમ જ યુરોપના દેશો નબળા પડ્યા છે તેની આ નિશાની છે. હવે દુનિયામાં સત્તાનાં નવાં સમીકરણો પ્રસ્થાપિત થઈ રહ્યાં છે, જેમાં રશિયા અને ચીન અમેરિકાને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે સાઉદી અરેબિયા જેવા દેશો અમેરિકાનો સાથ છોડીને રશિયાની નજીક સરકી રહ્યા છે.

તેમાં હવે નાઇજરનો પણ ઉમેરો થયો છે. જો કે નાઇજર માટે આ પહેલી વારનો બળવો નથી. વર્ષ ૧૯૬૦માં ફ્રાન્સથી આઝાદી મળ્યા બાદ અહીં ચાર વખત બળવો થયો છે. નાઈજર પહેલાં તેના બે પાડોશી દેશો માલી અને બુર્કિના ફાસોમાં ગત વર્ષોમાં જેહાદી વિદ્રોહ બાદ બળવો થયો હતો અને હવે આ નાના દેશમાં તખ્તાપલટથી દુનિયાની ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને અમેરિકા અને ફ્રાન્સની સમસ્યાઓ સૌથી વધુ વકરી છે, કારણ કે તેઓ યુરેનિયમ માટે નાઇજર પર નિર્ભર છે. નાઇજરમાં જે કિંમતી યુરેનિયમ નીકળે છે તેનો ૮૫ ટકા નફો ફ્રાન્સની કંપનીઓ લઈ જાય છે, જ્યારે માંડ ૧૫ ટકા હિસ્સો નાઇજરની સરકારને ભાગે આવે છે. નાઇજરના ફ્રાન્સતરફી શાસકોએ ભ્રષ્ટાચાર આચરીને ગરીબ પ્રજાને લૂંટવામાં કાંઇ બાકી રાખ્યું નથી.

લશ્કરી બળવાને ટેકો આપતા હજારો લોકોએ ભૂતપૂર્વ વસાહતમાં ફ્રેન્ચ પ્રભાવ સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો, જેના પરિણામે ફ્રેન્ચ દૂતાવાસની સામે તંગ અને હિંસક દૃશ્યો સર્જાયાં હતાં. દૂતાવાસને નિયુક્ત કરતી તકતી કેટલાક વિરોધીઓ દ્વારા નષ્ટ કરવામાં આવી હતી, જેમણે પાછળથી તેના પર રશિયન અને નાઇજીરિયન ધ્વજ ફરકાવ્યો હતો. લોકો દ્વારા “ડાઉન વિથ ફ્રાન્સ,”“લોંગ લિવ પુટિન”અને “રશિયા લાંબુ જીવો”ના નારાઓ લગાવવામાં આવ્યા હતા. દેશના લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા પ્રમુખ મોહમ્મદ બઝૌમને મુક્ત કરવાની ક્રેમલિનની વિનંતી છતાં બળવાતરફી વિરોધીઓ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનનું નામ બોલતાં જોવા મળ્યા હતા.

નાઇજર વિશ્વના સૌથી મોટા યુરેનિયમ ઉત્પાદકોમાંનું એક છે. વર્લ્ડ ન્યુક્લિયર એસોસીએશનના જણાવ્યા મુજબ નાઇજર વિશ્વનું સાતમું સૌથી મોટું યુરેનિયમ ઉત્પાદક છે. રેડિયોએક્ટિવ મેડલ યુરેનિયમ અનામત ધરાવતા આ દેશમાં રાજકીય ઉથલપાથલને કારણે તણાવ વધશે. યુરેનિયમનો ભંડાર ધરાવતા આ નાનકડા દેશ પર અમેરિકા સહિત સમગ્ર વિશ્વની નજર છે. ડબ્લ્યુએનએ અનુસાર નાઇજર પાસે આફ્રિકામાં સૌથી વધુ સમૃદ્ધ કાચું યુરેનિયમ છે.

દેશમાં વર્ષ ૨૦૨૨ માં ૨૦૨૦ મેટ્રિક ટન યુરેનિયમનું ઉત્પાદન થવાની ધારણા હતી, જે વિશ્વના કુલ યુરેનિયમ ઉત્પાદનના લગભગ ૫% છે. એટમબોમ્બ અને પરમાણુ ઊર્જા ઉપરાંત તેનો ઉપયોગ દવા, સંરક્ષણ સાધનો, ફોટોગ્રાફી તેમ જ તબીબી ઉપકરણો સહિત ઘણાં ક્ષેત્રોમાં થાય છે. નાઈજર યુરોપિયન યુનિયનને યુરેનિયમનું મુખ્ય સપ્લાયર છે. યુરાટોમ સપ્લાય એજન્સી અનુસાર વર્ષ ૨૦૨૧માં નાઈજરે યુરોપિયન યુનિયનને ૨,૯૦૫ થર્મલ યુનિટ યુરેનિયમ સપ્લાય કર્યું હતું.

નાઇજર નામ નાઇજર નામની નદીના નામ પરથી ઉતરી આવ્યું છે. નાઇજરનો અર્થ થાય છે, વહેતું પાણી. કેટલી કમનસીબી છે કે આ દેશની નદીઓમાં વહેતું પાણી પણ મોટા ભાગની જગ્યાએ સંપૂર્ણપણે સુકાઈ ગયું છે. દેશનો લગભગ ૮૦ ટકા વિસ્તાર રણમાં ફેરવાઈ ગયો છે. પરિણામે, નાઇજરના અર્થતંત્રના આધારસ્વરૂપ કૃષિ, પશુધન વગેરે પર તેની હાનિકારક અસર સમજી શકાય તેવી છે. નાઈજરમાં થયેલા બળવાને મીડિયાના એક વર્ગે મુસ્લિમ દેશની ઘટના તરીકે લીધો છે. અમેરિકા પણ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરનાર પ્રથમ દેશોમાં સામેલ છે. નાઈજરમાં અમેરિકાના બે ડ્રોન બેઝ છે. આ બેઝ સાથે જોડાયેલા તેના લગભગ ૮૦૦ સૈનિકો પણ ત્યાં તૈનાત છે. આમાંના કેટલાક સૈનિકો સ્પેશ્યલ ફોર્સના છે જે નાઈજર આર્મીને ટ્રેનિંગ આપી રહ્યા છે.

પશ્ચિમ આફ્રિકામાં લગભગ ૨.૫ કરોડની વસ્તી ધરાવતો દેશ નાઈજર ગુરુવારે અચાનક ચર્ચામાં આવ્યો હતો. નાઇજરમાં આર્મી અધિકારીઓએ લાઈવ ટી.વી. ઉપર બળવાનો દાવો કર્યો હતો. પ્રારંભિક અહેવાલો અનુસાર રાષ્ટ્રપતિ મોહમ્મદ બેઝોમના અંગરક્ષકોએ જ તેમને અને તેમના પરિવારને રાષ્ટ્રપતિ ભવનમાં બંધક બનાવ્યા હતા. બળવાના નેતા કમાન્ડર અમ્દોઉ અબ્રાહમિ લાઇવ ટી.વી. પર દેખાયા હતા. તેમણે લગભગ એક ડઝન ગણવેશધારી અધિકારીઓ સાથે બળવાની અને દેશમાં લશ્કરી શાસનની જાહેરાત કરી હતી.

તેમણે દાવો કર્યો કે અમે વર્તમાન સરકારને હટાવી દીધી છે અને હવે સમગ્ર શાસન અમારા હેઠળ છે. વર્ષ ૨૦૨૦ થી અત્યાર સુધીમાં આફ્રિકન ક્ષેત્રમાં લગભગ ૭ દેશોમાં તખ્તાપલટો થઈ ચૂક્યા છે અને નાઈજર પણ આ યાદીમાં સામેલ થઈ ગયું છે. જે સાત દેશોમાં ગત ત્રણ વર્ષમાં બળવાઓ થયા છે તેમાં સુદાન,માલી, ચાડ, બુર્કિના ફાસો વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ દેશોમાં યુરોપ અને અમેરિકાની કઠપૂતળી જેવા ભ્રષ્ટ શાસકોને હટાવીને લશ્કરી અધિકારીઓ દ્વારા સત્તા હસ્તગત કરવામાં આવી હતી. નાઇજરના પદભ્રષ્ટ કરાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ બેઝોમે તેમના સૈન્ય કાર્યકાળ દરમિયાન નાઇજરમાં અલ-કાયદા અને તેની સાથે જોડાયેલાં સંગઠનો પર કડક કાર્યવાહી કરી હતી.

નાઈજર પશ્ચિમ આફ્રિકામાં એક એવો દેશ છે, જેને યુરોપ તેમ જ પશ્ચિમી દેશોનો સમર્થક માનવામાં આવે છે. નાઈજર આફ્રિકા ખંડમાં આતંકવાદ વિરુદ્ધ ચાલી રહેલી લડાઈમાં અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રની મદદ કરી રહ્યું છે. આફ્રિકન દેશ નાઈજરમાં તખ્તાપલટના સમાચાર આવ્યા બાદ પશ્ચિમ આફ્રિકન દેશોએ તખ્તાપલટના નેતાઓ પર આર્થિક અને મુસાફરીના પ્રતિબંધો લાદી દીધા છે. પશ્ચિમ આફ્રિકન દેશોએ જો દેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ બેઝોમને એક અઠવાડિયામાં પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે તો બળનો ઉપયોગ કરવાની ધમકી આપી છે.

આફ્રિકાના ૧૫ દેશોના બનેલા ઇકોનોમિક કમ્યુનિટી ઓફ વેસ્ટ આફ્રિકન સ્ટેટ્સ (ECOWAS) પ્રાદેશિક બ્લોકે રવિવારે નાઇજીરીયામાં આયોજિત કટોકટી પરિષદની બેઠકમાં બાઝૌમને એક સપ્તાહની અંદર પુનઃસ્થાપિત કરવાની હાકલ કરી હતી. નાણાંકીય દંડ લાદવાની સાથે, ECOWAS એ બ્લોક પરના તમામ વ્યાપારી અને નાણાંકીય વ્યવહારો પર પણ પ્રતિબંધ મૂક્યો છે. વિશ્વના સૌથી ગરીબ દેશોમાંનો એક નાઇજર સંયુક્ત રાષ્ટ્રના માનવ સૂચકાંકમાં ઘણી વાર સૌથી છેલ્લે આવે છે.  રવિવારે લશ્કરી બળવાને ટેકો આપનારા હજારો લોકોએ ફ્રેન્ચ પ્રભાવ સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને ફ્રેન્ચ દૂતાવાસ પર હુમલો કર્યો હતો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top