શું ભારતમાં શિક્ષણ મેળવવું એ સૌનો અધિકાર છે તેમ શિક્ષણ આપવું તે સૌનો અધિકાર છે? ના ….આમ તો આપણે આ પ્રશ્ન કદી વિચાર્યો જ નથી. પણ, જ્યારથી દેશમાં ખાનગીકરણની હવા ચાલી છે ત્યારથી સરકારો શિક્ષણની ખાનગી સંસ્થાઓને મંજૂરી આપી રહી છે.આઝાદીનાં ૫૦ વર્ષ બાદ અચાનક સરકારોને જ્ઞાન થયું છે કે જેને પોતાના રૂપિયે શિક્ષણ સંસ્થા શરૂ કરવી હોય તેને શા માટે ના પાડવી ? અને જેને આ સંસ્થામાં વધુ રૂપિયા આપીને ભણવું હોય એને ભણતાં શા માટે રોકવાં?
ભારતમાં પહેલા બે પ્રકારની શિક્ષણ સંસ્થાઓ ચાલતી હતી. એક સમ્પૂર્ણ સરકાર હસ્તક અને બીજી સરકારી ગ્રાન્ટથી ચાલતી.જે સંપૂર્ણ સરકાર હસ્તક હતી તે સ્કૂલોમાં બિલ્ડીંગથી માંડીને શિક્ષકો સુધી તમામનો આર્થિક બોજો સરકારના માથે રહેતો. આ સંસ્થાઓનું સંચાલન પણ સરકાર દ્વારા થતું અને સાથે સાથે સરકારે શિક્ષણને વેગ મળે તેનો પ્રચાર પ્રસાર થાય તે માટે ટ્રસ્ટોને શિક્ષણ સંસ્થાઓ ચલાવવાની મંજૂરી આપી જેમાં સંસ્થાના મેદાન બિલ્ડીંગ કહો કે ઇન્ફ્રાસ્ટ્રકચરની માલિકી અને જાળવણીનો ખર્ચ જે તે ટ્રસ્ટના માથે રહે તો સરકાર આ મિલકતનો નિભાવ ખર્ચ ગ્રાન્ટ પેટે આપતી અને સમય જતાં સરકારે આ સંસ્થાઓમાં કામ કરતાં કર્મચારીઓના પગારની ગ્રાન્ટ પણ આપવાનું શરૂ કર્યું.
આજે ગ્રાન્ટ in એઇડ શિક્ષણ સંસ્થાઓમાં કામ કરતાં શિક્ષકો અને અધ્યાપકો વહીવટી કર્મચારીઓ કે સેવકોના પગાર સરકાર કરે છે પણ એ મૂળભૂત રીતે ટ્રસ્ટના કર્મચારીઓ છે.સરકાર ગ્રાન્ટ ટ્રસ્ટને આપે છે. આ ગ્રાન્ટના બે પ્રકાર છે. એક નિભાવ ગ્રાન્ટ અને બીજી પગાર ગ્રાન્ટ…..શરૂઆતમાં પગાર ગ્રાન્ટ પણ રોકડ અપાતી પછી તે ડિરેક્ટ ખાતામાં જમા થવા લાગી. સમય જતાં પગારો વધ્યા. સરકાર માટે પગારોનો બોજો વધવા લાગ્યો એટલે સરકારે સ્કૂલોની મંજૂરી અને સ્કૂલોમાં શિક્ષકોની મંજૂરી આપવાનું ઓછું કરવા માંડ્યું અને શિક્ષણજગતમાં એક પ્રકારની અછત ઊભી થઇ.
પ્રાથમિક શિક્ષણમાં તો તોય ખાનગી સ્કૂલો ચાલતી હતી પણ માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને કોલેજો માટે તો ખૂબ બધી ભૌતિક સુવિધા જોઈએ અને એમાંય વ્યવસાય કોલેજો જેવી કે બી.એડ, મેડિકલ કે એન્જિનિયરીંગ કોલેજો માટે ખૂબ મોટું ઇન્ફ્રાસ્ટ્રકચર જોઈએ અને આ ભૌતિક સુવિધાઓ ઊભી કરવા માટે ખૂબ બધું મૂડીરોકાણ કરવું પડે.આપણે ત્યાં શિક્ષણ સંસ્થાની મંજૂરી સરકાર હસ્તક છે માટે જેને પણ આવી સંસ્થાઓ ખોલવી હોય એણે સરકારના જે તે વિભાગમાં આ માટે આરજી કરવી પડે છે. સરકારે ખાનગીકરણ અપનાવાયું ત્યારથી જે શિક્ષણસંસ્થાઓ ખોલવા માંગે છે તેને ગ્રાન્ટ નહિ લેવાની શરતે મંજૂરી આપવાનું શરૂ કર્યું છે અને આ મંજૂરીના નિયમોમાં જો ધ્યાનથી જોઈએ તો જેની પાસે સંપત્તિ છે તે જ શિક્ષણ સંસ્થા ખોલી શકે છે કારણકે સ્કૂલ કે કોલેજ ખોલવા માટે મેદાન જોઈએ, જગ્યા જોઈએ, બિલ્ડીંગ જોઈએ, પુસ્તકો જોઈએ, સાધનો જોઈએ અને આ બધું ખરીદવા માટે રૂપિયા જોઈએ.
આપણી શિક્ષણ સંસ્થાઓને મંજૂરી આપવાની પ્રક્રિયામાં શિક્ષક હોવાની શરત છે પણ પાયાની શરત નથી. જો કોઈ માણસ પાસે જમીન છે, બિલ્ડીગ છે, સંસાધનો છે તો તમે શિક્ષકો રાખજો એવી શરતે સ્કૂલની મંજૂરી આપવામાં આવે છે અને વ્યક્તિ સ્કૂલની કોલેજની મંજૂરી મળી છે એમ બતાવી વિદ્યર્થીઓનાં એડમિશન મેળવી શકે છે અને આ જ મજૂરીના કાગળો પર શિક્ષકો રોકી શકે છે. બેંકો પાસેથી લોન મેળવી શકે છે. હવે આનાથી જુદું જો થોડાંક સારાં શિક્ષકો સરકાર પાસે મંજૂરી માંગે કે અમને સ્કૂલ ચલાવવાની મંજૂરી આપો તો સરકાર પૂછશે કે બિલ્ડીંગ ક્યાં છે. સરકાર એમ નહિ કહે કે લો, આ મંજૂરી અને તમે બિલ્ડીંગ કે સાધનો વસાવજો અને શિક્ષકો આ મંજૂરીપત્ર સાથે સમાજમાં ફરીને કહી શકતા નથી કે અમને સ્કૂલ ચલાવવાની મંજૂરી મળી છે તો બિલ્ડીંગ ભાડે આપો. સાધનો લાવવાની લોન આપો.એક ડોક્ટર પોતાનું દવાખાનું ખોલી શકે છે.
એક વકીલ પોતાની ટર્મ શરૂ કરી શકે છે પણ એક કે થોડાં શિક્ષકો ભેગાં થઇ એક સ્કૂલ ચલાવી શકતા નથી.આપણે ત્યાં શિક્ષણ સંસ્થા કેન્દ્રી અને સંસ્થાઓ હવે ધનિકો વેપારીઓના હાથમાં કેન્દ્રિત થયેલું છે માટે વેપારીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેનું શોષણ કરી શકે છે. શોપિંગ સેન્ટરમાં સ્કૂલો ચાલી શકે છે. શિક્ષક કે અધ્યાપક વગરની શિક્ષણ સંસ્થાઓ ચાલી શકે છે કારણકે આ સંસ્થાઓની મંજૂરીમાં આ જ શિક્ષક હોય એ ફરજીયાત નથી. ખાનગીકરણનાં આટલાં વર્ષો પછી પણ આપણે આપણા સ્કૂલ કોલેજોની મંજૂરીના કાયદા બદલ્યા નથી માટે શિક્ષણનું ખાનગીકરણ થવાને બદલે વેપારીકરણ થઇ ગયું છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.