શિવસેના (ઉદ્ધવ ઠાકરે) ના નેતા સંજય રાઉતે સોમવારે ખૂબ જ સનસનાટીભર્યું નિવેદન આપ્યું. રાઉતે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની મુલાકાત લીધી હતી અને RSS વડા મોહન ભાગવતને તેમની નિવૃત્તિ યોજનાઓ વિશે માહિતી આપી હતી. રાઉતના નિવેદન બાદ પીએમ મોદીના રિટાયરમેન્ટ અંગે ચર્ચા ઉઠી છે.
રાઉતે પોતાના નિવેદનમાં કહ્યું કે કદાચ તેઓ (વડાપ્રધાન મોદી) તેમની નિવૃત્તિ અરજી સબમિટ કરવા માટે ત્યાં (સંઘના મુખ્યાલય) ગયા હતા. મારી જાણકારી મુજબ મોદીજી છેલ્લાં 10 થી 11 વર્ષમાં ક્યારેય RSS મુખ્યાલયની મુલાકાત લીધી નથી. આ વખતે તે મોહન ભાગવતને કહેવા ગયા કે તેઓ હવે જઈ રહ્યા છે.
પત્રકારો સાથે વાત કરતી વખતે રાજ્યસભા સાંસદ રાઉતે એવો પણ દાવો કર્યો હતો કે RSS દેશના આગામી વડા પ્રધાનની પસંદગી કરશે. રાઉતે કહ્યું કે RSS હવે રાષ્ટ્રીય સ્તરે નેતૃત્વમાં પરિવર્તન ઇચ્છે છે. હવે સંઘ આગામી પ્રધાનમંત્રીની પસંદગી કરશે અને તે મહારાષ્ટ્રમાંથી હશે. મને RSS વિશે બે વાત સમજાઈ છે. પ્રથમ સંગઠન દેશના નેતૃત્વમાં પરિવર્તન ઇચ્છે છે અને બીજું, મોદીજીનો સમય પૂરો થઈ ગયો છે અને હવે તેઓ પોતે પરિવર્તન ઇચ્છે છે.
નોંધનીય છે કે પીએમ મોદીએ રવિવારે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લીધી હતી જેના એક દિવસ પછી રાઉતે આ નિવેદન આપ્યું છે. રવિવારે સૌ પ્રથમ પીએમ મોદીએ સ્મારક સ્મૃતિ મંદિર પહોંચીને સંઘના સ્થાપક કેશવ બલિરામ હેડગેવાર અને બીજા સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકરને શ્રદ્ધાંજલિ આપી હતી.
માધવ નેત્રાલયના નવા ભવનનો શિલાન્યાસ કરતી વખતે પીએમ મોદીએ સંઘના કાર્યની પ્રશંસા કરી અને કહ્યું કે 100 વર્ષ પહેલાં સંઘના રૂપમાં વાવેલો રાષ્ટ્રીય ચેતનાનો વિચાર આજે એક મહાન વડના વૃક્ષના રૂપમાં વિશ્વની સામે છે. આજે તે ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ચેતનાને સતત ઉર્જા આપી રહ્યું છે. સ્વયંસેવક માટે સેવા એ જીવન છે. આપણે દેવથી દેશ, રામથી રાષ્ટ્રના મંત્ર સાથે આગળ વધી રહ્યા છીએ.
