Columns

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ કરાવવા શું પાકિસ્તાન મધ્યસ્થી કરી રહ્યું છે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતને વિશ્વગુરુ બનાવવા મહેનત કરી રહ્યા છે, પણ વર્તમાન ઈરાન યુદ્ધમાં ભારતે લીધેલા અમેરિકાતરફી વલણને કારણે ભારત જગતના ચોકમાં એકલું પડી ગયું છે અને ભારતનો કોઈ ભાવ પણ પૂછતું નથી. બીજી બાજુ ભારતના પડોશી દેશ પાકિસ્તાનની લોકો ઠેકડી ઉડાડતા હતા, પણ તેના ભાવ રાજનીતિની બાબતમાં અચાનક ઊંચકાઈ ગયા છે.

યુદ્ધવિરામ માટે ઈરાન અને અમેરિકા વચ્ચે કોઈ વાટાઘાટો થાય તેવી સંભાવના બહુ પાંખી છે, પણ જો વાટાઘાટો થશે તો પાકિસ્તાન તેમાં મધ્યસ્થી કરશે, તેવા નિર્દેશો મળી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને વાટાઘાટો શરૂ કરવા પાંચ દિવસનો સમય આપ્યો હતો, તે પાંચ દિવસની મુદ્દત શુક્રવારે પૂરી થઈ છે, પણ ઈરાન તરફથી કોઈ ઉત્સુકતા બતાડવામાં આવી નથી. દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેઓ ઈરાનમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા કોઈ નેતા સાથે ખાનગીમાં વાતચીત કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ નેતાનું નામ આપવાનો ઇનકાર કર્યો છે, પણ તેઓ પાકિસ્તાનની મધ્યસ્થી સાથે પાછલા દરવાજે વાટાઘાટો કરી રહ્યા હોવાનું જણાય છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે મંત્રણા માટે પાકિસ્તાનનું નામ સંભવિત યજમાન તરીકે ઉભરી આવ્યું છે, ત્યારથી ભારતની વિપક્ષી પાર્ટીઓએ મોદી સરકારની વિદેશ નીતિ પર પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. વિપક્ષે આને સરકારની રાજદ્વારી હાર ગણાવી છે. કોંગ્રેસ સહિત ઘણા વિરોધ પક્ષો કહે છે કે ભારત તકનો લાભ લેવામાં નિષ્ફળ રહ્યું અને પાકિસ્તાને આ મામલે આગેવાની લીધી છે. જોકે, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક દિવસોથી ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે સતત સંપર્કમાં છે અને વિદેશ પ્રધાન એસ. જયશંકર પણ ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીના સંપર્કમાં છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ૨૪ માર્ચે  નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો, પરંતુ કેટલાક નિષ્ણાતો પીસ ટોકમાં પાકિસ્તાનના નામના ઉલ્લેખને ભારત માટે ફટકો માની રહ્યા છે. આ બાબતમાં બંધબારણે જરૂર કાંઈક રંધાઈ રહ્યું છે. છેલ્લા ૭૨ કલાકમાં પાકિસ્તાની નેતાઓએ ઈરાન અને અમેરિકાના રાષ્ટ્રપતિઓ સાથે ફોન પર વાત કરી છે. વ્હાઇટ હાઉસે પુષ્ટિ આપી હતી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર વચ્ચે વાતચીત થઈ હતી.  બીજી તરફ, વડા પ્રધાન શાહબાઝ શરીફે પણ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે ફોન પર વાત કરી હતી અને વાતચીત અને રાજદ્વારી પ્રયાસો દ્વારા તણાવ ઘટાડવા પર ભાર મૂક્યો.

વિશ્લેષકો કહે છે કે પાકિસ્તાનના અમેરિકા અને ઈરાન બંને સાથે ગાઢ સંબંધો છે અને આના કારણે પાકિસ્તાન મજબૂત મધ્યસ્થી બની ગયું છે. ઈરાનમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદૂત આસિફ દુર્રાની આ મત સાથે સંમત છે. તેમનું કહેવું છે કે ઈરાન અને અમેરિકા બંને પાકિસ્તાન પર વિશ્વાસ કરે છે. આ પ્રદેશના બીજા કયા દેશના ઈરાન સાથે સારા સંબંધો છે? ઈરાનના ગલ્ફ દેશો સાથેના સંબંધો તણાવપૂર્ણ છે. આવી સ્થિતિમાં, ફક્ત પાકિસ્તાન જ વધુ સારો મધ્યસ્થી બની શકે છે. ભારત આ વાટાઘાટોમાં નિષ્પક્ષ મધ્યસ્થી તરીકે કામ કરી શકે નહીં, કારણ કે ઈરાન પર હુમલાના બે દિવસ પહેલાં જ મોદી ઇઝરાયલમાં હતા.

ઈરાનનાં નિવેદનો સ્પષ્ટપણે દર્શાવે છે કે તેને અમેરિકા પ્રત્યેનો અવિશ્વાસ છે, કારણ કે ગયાં વર્ષે જૂન અને ડિસેમ્બરમાં કતાર અને ઓમાનની મધ્યસ્થી હેઠળ ઈરાન સાથે વાટાઘાટો થઈ હતી, પરંતુ બંને વખત ઈરાન પર હુમલાઓને કારણે વાટાઘાટો અટકી ગઈ હતી. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે શું પાકિસ્તાન આ વાતચીતને કોઈ અંતિમ નિષ્કર્ષ પર લઈ જઈ શકશે?

પ્રોફેસર મોહમ્મદ શોએબ કહે છે કે પાકિસ્તાન આ પ્રક્રિયા કે કોઈપણ કરારની ગેરંટી આપશે નહીં, પરંતુ મધ્યસ્થી તરીકે પક્ષકારો વચ્ચે સંપર્ક વધારશે અને ખાતરી કરશે કે બંને દેશો તેમનાં વચનોનું પાલન કરે. એટલે કે, કોઈપણ ઉલ્લંઘનની સ્થિતિમાં પણ તે મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે. ભૂતપૂર્વ પાકિસ્તાની રાજદ્વારી આસિફ દુર્રાની પણ માને છે કે પાકિસ્તાન કંઈપણ ગેરંટી આપી શકતું નથી. તેના બદલે તે ઈરાન અને અમેરિકાને તેની ધરતી પર વાતચીત દ્વારા વિવાદનો  ઉકેલ લાવવાની તક આપી રહ્યું છે.

પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે મધ્યસ્થી તરીકે પાકિસ્તાન શું પ્રાપ્ત કરવા માંગે છે. વિશ્લેષકો માને છે કે પાડોશી દેશ હોવાને કારણે પાકિસ્તાન પણ ઈરાનમાં યુદ્ધથી પ્રભાવિત થઈ રહ્યું છે અને તણાવમાં ઘટાડો તેને આર્થિક રાહત આપી શકે છે. પાકિસ્તાનના ખાડી દેશો સાથે પણ સારા સંબંધો છે અને સાઉદી અરેબિયા સાથે સંરક્ષણ કરાર છે. આ યુદ્ધની શરૂઆતથી ઈરાને અનેક ખાડી દેશોમાં અમેરિકન લશ્કરી થાણાંઓને નિશાન બનાવ્યા છે. તણાવ ઓછો થવાના કિસ્સામાં અખાતના દેશોની અર્થવ્યવસ્થાઓ પર દબાણ પણ ઘટશે, જ્યાંથી પાકિસ્તાન મહત્તમ વિદેશી હૂંડિયામણ મેળવે છે.

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે મંગળવારે સાંજે X પર પોસ્ટ કર્યું હતું કે પાકિસ્તાન મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને વાતચીત દ્વારા સમાપ્ત કરવાના ચાલી રહેલા પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપે છે, જેથી આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત થઈ શકે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ શાહબાઝ શરીફના આ નિવેદનને ટ્રુથ સોશિયલ પર શેર કર્યું હતું, જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કદાચ અમેરિકા પણ પાકિસ્તાનની મધ્યસ્થી હેઠળ વાતચીત માટે તૈયાર છે. દરમિયાન, મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમે પણ પાકિસ્તાનની પ્રશંસા કરી અને કહ્યું  કે અમે અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીતનું આયોજન કરવાની પાકિસ્તાનની પહેલની પ્રશંસા કરીએ છીએ. ભારતની રાજદ્વારી ક્ષમતા અંગે વધી રહેલા પ્રશ્નો વચ્ચે લોકસભામાં બોલતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ કહ્યું  કે આ મુદ્દા પર ભારતનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે.

અમે શરૂઆતથી જ આ સંઘર્ષ પર અમારી ચિંતા વ્યક્ત કરી છે. મેં પશ્ચિમ એશિયાના તમામ નેતાઓ સાથે વાત કરી અને દરેકને તણાવ ઓછો કરવા અપીલ કરી છે. અમે નાગરિકો અને પરિવહન અને ઉર્જા ક્ષેત્રો પર હુમલાઓનો વિરોધ કર્યો છે. વડા પ્રધાને મંગળવારે માહિતી આપી હતી કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને ફોન કર્યો હતો અને બંનેએ ગલ્ફમાં ચાલી રહેલા તણાવ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે મોદીને ફોન કર્યો હતો તે હકીકત છે, પણ તેનાથી ભારતે બહુ હરખાઈ જવાની જરૂર નથી. ચાલાક ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથેના યુદ્ધમાં જ્યાં જરૂર જણાય ત્યાં મોદીનો ઉપયોગ કરી રહ્યા છે.

દરમિયાન, મોદી સરકારે ઈરાન યુદ્ધથી ઉભી થયેલી પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે ૨૫ માર્ચે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, જેમાં વિપક્ષે સરકાર પાસે પોતાનું વલણ સ્પષ્ટ કરવાની માંગણી કરી હતી. પાકિસ્તાન દ્વારા શાંતિ મંત્રણાના સંભવિત આયોજનનો ઉલ્લેખ કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ  કહ્યું હતું કે દેશની વિદેશ નીતિ સાથે ચેડાં કરવામાં આવ્યાં છે. મોદી ફક્ત તે જ કરે છે, જે અમેરિકા અને ઇઝરાયલ તેમની પાસેથી કરાવવા માંગે છે.

મોદી ક્યારેય ભારતના હિતમાં નિર્ણયો લઈ શકતા નથી. ઈરાન યુદ્ધની શરૂઆતથી જ મોદી સરકારની વિદેશ નીતિનો બચાવ કરી રહેલા કોંગ્રેસના સાંસદ શશી થરૂરે પણ આ વખતે સરકાર પર નિશાન સાધ્યું કે જો પાકિસ્તાનમાં શાંતિ મંત્રણા થાય છે, તો ભારતને તેની સાથે શું લેવાદેવા છે? હું ત્રણ અઠવાડિયાંથી કહી રહ્યો છું કે ભારતે અમેરિકા અને ઈરાન સાથેના તેના સારા સંબંધોનો લાભ લેવો જોઈએ અને આ મામલે અગ્રણી વલણ અપનાવવું જોઈએ, પરંતુ પાકિસ્તાને તે કર્યું છે. આપણે બધા શાંતિ ઇચ્છીએ છીએ, પરંતુ ભારતને કોઈ શ્રેય મળશે નહીં, જ્યારે પાકિસ્તાન બધો શ્રેય લઈ જશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top