Charchapatra

શું સંગઠિત થવાથી આદિવાસી દૂર છે?

આદિવાસીઓ આજે રાજકીય વિચારધારામાં સમાજ તરીકે ઘણો નબળો છે. જેના કારણો આર્થિક સામાજિક ધાર્મિક અને રાજકીય માળખામાં રસ રૂચી ન લેતા પોતાના જીવન જીવવા માટે સંઘર્ષ કરતો રહ્યો છે. સામાજિક માળખાની રચના પોતાના કબિલા વ્યવસ્થા પૂરતી જ રાખી છે. જ્યાં સામાજિક ન્યાય મળે તેવું મંચ આદિવાસી આયોગમાં વરિષ્ઠ અને પોતાના સમાજના પારદર્શક નાગરિકો બેસાડવા જોઈએ નાની-મોટી ધર્મ મંડળીના નિયમો બાજુ પર મૂકી પોતાની આગવી ઓળખ આપવા માટે સાથે જમવું જોઈએ તેવા મંચ પર ભેગા થવા માટે શેતાન, ચુડેલ, ભૂતાડો જેવી માન્યતા દૂર રાખી આદિવાસી ઉભરતી જાગૃતિ અને શિક્ષણનું મહત્વ શેરીમાં ગલીએ ગલીએ ચર્ચા કરવી જોઈએ. આજની પહેલ આવતીકાલ માટે આધાર બનશે. સામાજિકતાની વાતમાં થોડું ઘણું વડીલોની ખારાપણું જતું કરીને યુવાઓએ એકતાનાં તાંતણે બંધાવું જોઈએ. કલા સંસ્કૃતિ એ જ આપણી જીવનશૈલી છે.
તાપી    – ચૌધરી હરીશ કુમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

એ સમય હવે યાદ આવી રહ્યો છે
નાના હતા ત્યારે સ્કૂલે જાતે ચાલતા જતા કારણકે બસમાં કે સાયકલ પર લેવા મૂકવા જવાનો કોઈ રિવાજ જ નહોતો. માતાપિતા કોઈ દિવસ ચિંતા કરતા નહીં કે સ્કૂલે મોકલ્યા પછી કંઈક સારું થશે કે ખરાબ. પાસ કે ફેલ એટલું જ અમને ખબર ટકા સાથે કોઈ લેવા દેવા નહોતી. કોઈ ટ્યુશન જાય તો ટ્યુશન જતા હોવાની કબૂલાત કરવી પણ શરમની વાત લાગતી. અમે માનતા હતા કે પીપળાના પાન કે મોરપીંછ પુસ્તકમાં રાખવાથી બુદ્ધિ વધી જશે. કપડાની થેલીમાં કે એલ્યુમિનિયમની પેટીમાં અમે પુસ્તકો અને નોટબુક સરસ રીતે ગોઠવતા. 

દર વરસે પુસ્તકો અને નોટને બ્રાઉન પેપર ચડાવવું, વરસને અંતે પુસ્તકો વેચી દેવાં અને નવા વરસે સેકન્ડ હેન્ડ પુસ્તકો લઈ આવતા. આપણા માતાપિતાને કદી લાગ્યું જ નહી કે અભ્યાસ એક બોજ છે. કાન ખેંચાઈને લાલ થવા કે અંગુઠા પકડવા આ બધામાં સ્વાભિમાન કદી દુખ્યું નોહતું. દિવાળીએ ફટાકડાની લડીઑ તોડી એક એક ફટાકડો ફોડવો એ કદી શરમજનક લાગતું નહોતું આપણે કદી માતાપિતાને કહીં ના શક્યા નહી કે આપણે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ કારણ કે “ આઈ લવ યુ” બોલતા આવડતું જ નહોતું. આજે દુનિયાના કોઈ પણ ખૂણે હોઈએ પણ સત્ય છે કે આપણે સાચી દુનિયામાં ઉછર્યા અને હકીકતોનો સામનો કર્યો. 
કાલીપુર, સુરત        – અબ્બાસભાઈ કૌકાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top