Columns

ઓનલાઇન ગેમિંગ પરકાયદાથી પ્રતિબંધ શક્ય છે?

ઓનલાઈન પ્લેટફોર્મ પર રૂપિયાની લેતીદેતી ધરાવનારી ગેમ્સ રમાતી હતી તેના પર સંપૂર્ણપણે સરકાર પ્રતિબંધ લાદી દીધો છે. આ પ્રતિબંધ લાદવાની જોગવાઈ ‘ધ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઑફ ઓનલાઈન ગેમિંગ બિલ, 2025’ દ્વારા મૂકવામાં આવી છે. આ બંને ગૃહમાં આ બિલ પસાર થઈ ચૂક્યું છે અને હવે રાષ્ટ્રપતિ તેને મંજૂરી આપશે એટલે ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ લદાઈ જશે. ‘મની ગેમિંગ’નો પ્રશ્ન અનેક વર્ષોથી ચર્ચાઈ રહ્યો હતો અને તેમાં યુવાનો સહિત ઉંમરલાયક લોકો પણ પોતાનો પૈસો અને સમય વેડફતા હતા. જેમ-જેમ તેના જોખમો વધતા ગયા તેમ તેના પર પ્રતિબંધ લાવવો અનિવાર્ય થઈ પડ્યો હતો, તેમ છતાં કેન્દ્ર સરકારે ઘણો સમય લીધો અને હવે ફાઈનલી લોકોના હિતમાં બિલ આવ્યું છે. આપણા દેશમાં ઇ-ગેમિંગનો વ્યાપ એટલો વધી ચૂક્યો હતો કે તેની એડવર્ટાઇઝમેન્ટ કરવામાં અચ્છા-અચ્છા સુપરસ્ટાર અને ક્રિકેટસ્ટાર મેદાને ઊતરી ચૂક્યા હતા. શાહરૂખ ખાન, રિતીક રોશન, આમીર ખાન, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને સૌરવ ગાંગુલી પણ ઓનલાઇન ગેમિંગની જાહેરાત કરી ચૂક્યા છે. ઓનલાઇન ગેમિંગના નુકસાન સેલિબ્રિટિઝ ન જાણતા હોય તેવું ન બને. પરંતુ તેમ છતાં તેઓ બિન્દાસપણે આ ગેમ રમવા માટે પ્રોત્સાહન આપતા હતા. સેલિબ્રિટીઝ આ રીતે ગેરમાર્ગે દોરે છે તેને લઈને બિહારના તમન્ના હાશ્મી નામના સામાજિક કાર્યકરે બિહારના મુઝ્ઝફરપુર કોર્ટમાં એક જાહેર હિતની અરજી પણ દાખલ કરી હતી. આ અગાઉ પણ ‘ડ્રિમ 11 ટીમ’નામની ગેમિંગ એપ પર રાજસ્થાન હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી થઈ હતી પણ તે અરજી રદ કરવામાં આવી હતી. આવી અનેક જાહેર હિતની અરજી થઈ હોવા છતાં ઓનલાઈન ગેમિંગના પ્રમોશનનો દોર ચાલતો રહ્યો.

હવે પહેલાં તો એ સમજી લઈએ કે આ ઇ-ગેમિંગના માર્કેટમાં આપણા દેશમાં મુખ્ય પ્લેટફોર્મ કયા હતા. તેમાં સૌથી ચર્ચાતું એક નામ આવે છે તે ‘ડ્રિમ 11’નું છે.આ ગેમિંગ કંપનીના વેબસાઇટ પર જઈએ તો ત્યાં પ્રમોશનર તરીકે ઇન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા દેખાશે. બાજુમાં લખ્યું છે કે ‘વર્લ્ડ્સ લાર્જેસ્ટ ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ’. આ કંપનીના CEO હર્ષ જૈનનો દાવો છે કે લોકો વિવિધ સ્પોર્ટ્સમાં વિચારશીલ બને તેવો ઉદ્દેશ રાખ્યો છે. આ કંપનીના પાર્ટનર જોઈને ખ્યાલ આવી શકે કે આ કંપનીની ઇ-ગેમિંગનો વ્યાપ કેટલો વિસ્તરી ચૂક્યો હશે. પાર્ટનર કંપનીઓમાં ‘BCCI’, ‘NBA’, ‘TNPL’, ‘ન્યૂઝિલેન્ડ ક્રિકેટ’ અને ‘WPL’ છે. ‘ડ્રિમ-11’ની શરૂઆત 2008માં થઈ હતી અને ધીરે ધીરે કરતાં આજે તેની સાથે જોડાયેલા લોકોની સંખ્યા 24 કરોડ સુધી પહોંચી છે. આ કંપનીની ઓફિસ મુંબઈ ખાતે આવેલી છે. ઓનલાઇન ગેમિંગથી બેશક નુકસાન થાય છે, પરંતુ જ્યારે તેનું પ્રમોશન જોઈએ ત્યારે ખ્યાલ આવે કે આ ગેમિંગને કોઈ આ રીતે પણ પ્રમોટ કરીને તેની વાહવાહી લઈ શકે છે. એક એડમાં અલગ-અલગ ધર્મના લોકો સાથે વિવિધ ગેમ રમી રહ્યા છે તેવા દૃશ્યો દેખાય છે, જ્યારે બીજી તરફ વોઇસઓવરમાં શબ્દો છે : ‘અજનબીઓ કો દોસ્ત બના દે, જાતપાત ઔર ધર્મ ભૂલા દે, અમીર-ગરીબ કા તર્ક હો, યા ભાષા-ભાષા ફર્ક હો, પચપન કો બચપન બના દે, ખેલ મેં હૈ વો જાદૂ, ખેલ મેં હૈ જાદૂ, શોર કો સંગીત બના દે, દિનભર કી થકાન મિટા દે, માસ્ટરજી કો મેસી ઔર ચાચાજી કો ચાણક્ય બના દે.’– આ એડવર્ટાઇઝમેન્ટ ખૂબ ઇમ્પ્રેસિવ લાગે છે, પરંતુ આખરે તો આ ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝ તમામને ગેમ રમવા માટે પ્રેરીને ઓનલાઇન ગેમિંગમાં ધકેલે છે. હવે આ કંપની આવું બધું કરી શકે છે તેનું મુખ્ય કારણ તેણે માર્કેટમાં જમાવેલી જગ્યા છે. 2023ના વર્ષમાં આ કંપનીની રેવન્યૂ સાડા છ હજાર કરોડની આસપાસ હતી અને તેમાં નફાનો હિસ્સો બસ્સો કરોડ હતો. ‘ડ્રિમ 11’માં આટલી રેવન્યૂ માટે કામ કરતા કર્મચારીઓની સંખ્યા 800 માત્ર છે.
આવી બીજી કંપની ઓનલાઈન ગેમિંગ માટે જાણીતી છે તે ‘મોબાઇલ પ્રિમિયર લીગ’[એમપીએલ]. બેંગ્લોર સ્થિત આ કંપનીની શરૂઆત 2018માં શ્રીનિવાસ કિરન અને શુભમ મલ્હોત્રાએ કરી હતી. હાલમાં આ કંપની અંદાજે 60થી વધુ ગેમ્સને પોતાના પ્લેટફોર્મ પર રમાડે છે. જોકે‘MPL’ના વેબસાઇટ પર જઈએ તો ત્યાં નવા બિલની જોગવાઈ લાગુ થઈ છે – તેની અસર દેખાવા માંડી છે. હવે તેમણે સૂચના મૂકી દીધી છે કે આ પ્લેટફોર્મ તમને કોઈ કેશ ગેમ્સ રમવા મળશે નહીં. આવી ત્રીજી કંપનીનું નામ છે ‘ઝુપી’. આ કંપની અંતર્ગત દેશભરના લોકો લુડો નામની ગેમ રમે છે. આ કંપનીની રેવન્યૂનો આંકડો પણ 1200 કરોડની નજીક છે અને તેનું તમામ કામકાજ ગુડગાંવથી થાય છે. આ પ્લેટફોર્મના પણ યુઝર્સની સંખ્યા પંદર કરોડની આસપાસ છે. જોકે આ કંપનીમાં કામ કરનારાની સંખ્યા પાંચસોથી પણ ઓછી છે. આ તમામ કંપનીઓ ખૂબ ઓછા માણસો અને મૂડીથી આટલું નેટવર્ક મેળવી શકે છે. આ સિવાય પણ ‘ગેમ્સક્રાફ્ટ’, ‘પ્રોબો’ અને અન્ય પ્લેટફોર્મ છે – જ્યાં અત્યાર સુધી બિન્દાસ રૂપિયા આધારીત ગેમ્સ રમાતી હતી. આપણા દેશમાં કાયદાથી ઘણું બધું પ્રતિબંધિત છે અથવા તો તેના નિયમો બન્યા છે. પરંતુ અગત્યનો પ્રશ્ન છે તેનો અમલ કેવી રીતે થાય છે. અગાઉ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મિનિસ્ટ્રીઝ દ્વારા ઇ-ઇન્ડસ્ટ્રીઝના કેટલાંક નિયમો ઘડ્યા હતાં. પોતાની રીતે જ આ બધા પ્લેટફોર્મ સ્વનિયમન કરી શકે તેવી તેમાં જોગવાઈ હતી. પરંતુ તેમાં કોઈ અમલ ન થયો. હવે આ બિલમાં એક જોગવાઈ નાણાં આધારીત ગેમ્સ પર પ્રતિબંધની છે તો બીજી તરફ ઇ-સ્પોર્ટસના ગેમ્સને કાયદાની રીતે સ્પર્ધાત્મક સ્પોર્ટ્સ તરીકે સ્વીકારવાની પણ છે.તેમાં કંપનીઓનો આવકનો સ્રોત સબસ્ક્રિપ્શન અથવા તો પ્રવેશ ફી તરીકે લઈ શકશે. મતલબ કે સરકાર આવી ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝ સંપૂર્ણપણે બંધ થઈ જાય તેવું પણ ઇચ્છતી નથી. કાયદામાં એટલી છૂટછાટ છે કે તે ચાલુ રહી શકે, પરંતુ અત્યાર સુધી વિનામૂલ્યે આ પ્લેટફોર્મના મોડલ નિર્માણ થયા છે તેથી તેના અસ્તિત્વના પ્રશ્નો તો આવવાના.
આ કાયદાના અમલમાં બીજા પણ પ્રશ્નો છે. જેમ કે, પ્રતિબંધને લાગુ કરવા માટે ટેક્નોલોજીની રીતે સરકાર પાસે સજ્જ વિભાગ જોઈશે. કારણ કે અનેક એવી વેબસાઇટ્સ અને એપ્સ છે – જે ગેરકાયદેસર જુગાર રમાડે છે. તેઓ સતત ડોમેઇન બદલતા રહે છે, મિરર વેબસાઇટ બનાવે છે, ક્રિપ્ટોકરન્સી અને વિવિધ બેન્ક ખાતાની મદદ લઈને પણ તેઓ પોતાના આવા પ્લેટફોર્મ ચાલુ રાખી શકે છે. સ્વાભાવિક છે કે સરકારને પણ ખ્યાલ હોય કે માત્ર કાયદો બનાવવાથી ઓનલાઇન ગેમિંગ પર નિયમન આવી જવાનું નથી, તેથી સરકારે કાયદા અંતર્ગત સજાની પણ જોગવાઈ કરી છે. નવા કાયદા મુજબ જો કોઈ ઓનલાઈન મની ગેમ્સ માટે પ્રોત્સાહન આપશે અથવા મદદ કરશે તો તે વ્યક્તિને ત્રણ વર્ષની કેદ અને એક કરોડ સુધીનો દંડ થઈ શકે છે. એટલું જ નહીં તેમાં એકાઉન્ટ બંધ પણ સરકાર કરી શકશે. બીજું કે આવા પ્લેટફોર્મ કે એપ્સનો પ્રચાર કોઈ સેલિબ્રિટીઝ કરશે તો તેના પર પણ દંડાત્મક કાર્યવાહી થશે. આ કંપનીની એડ કરનારા પ્લેટફોર્મ જેમ કે, યૂટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ અને એક્સ પર પણ કાર્યવાહી થઈ શકે છે. જોકે સરકાર માટે આ પ્રતિબંધ લાદવો પણ સરળ નથી. જે કંપનીઓ કાયદેસર રીતે આ બિઝનેસમાં છે – તે સરકારના કાયદા પાળવા માટે બંધાયેલી છે, પરંતુ ‘થિંક ચેન્જ ફોરમ’ નામની એક સંસ્થાએ જાહેર કરેલા અહેવાલ મુજબ દેશમાં ગેરકાયદેસર રીતે ઇન્ટરનેટ પર રમાતા સટ્ટાની રકમનો આંકડો સાડા આઠ લાખ કરોડનો છે. તેને અટકાવવા માટે સરકાર પાસે હજુ કોઈ ઠોસ આયોજન નથી. જોકે સરકારે જે બિલ લાવી છે તે આવકારદાયક છે હવે તેનો અમલ કેવી રીતે થાય છે અને કેટલો થાય છે તે જોવું રહ્યું.

Most Popular

To Top