Columns

સુપ્રિમ કોર્ટની કોલિજિયમ સિસ્ટમ વિશે ફેરવિચારણા કરવી જરૂરી છે?

ભારતની લોકશાહીના ત્રણ પાયાઓમાં સંસદ, કારોબારી અને ન્યાયતંત્રનો સમાવેશ થાય છે. કારોબારી અર્થાત્ પ્રધાનમંડળ વચ્ચે આવે છે, પણ તેનો પ્રભાવ બાકીના બે પર પડ્યા વિના રહેતો નથી. જે પક્ષની લોકસભામાં બહુમતી હોય છે તેનું જ પ્રધાનમંડળ બને છે, માટે પ્રધાનમંડળનું નિયંત્રણ લોકસભા પર હોય તે સહજ અને સ્વાભાવિક છે. રાજ્યસભામાં બહુમતી હાંસલ કરવી પણ સરકાર માટે સહેલી હોય છે, કારણ કે રાજ્યસભાના અમુક સભ્યો રાજ્યોની વિધાનસભાઓમાંથી ચૂંટાતા હોય છે, જેમાંની ઘણી વિધાનસભાઓમાં શાસક પક્ષની બહુમતી હોય છે. હવે ત્રણ પૈકી એક જ સંસ્થા સરકારના નિયંત્રણ બહાર રહી છે, જેને ન્યાયતંત્ર તરીકે ઓળખવામાં આવે છે.

ભારતના બંધારણના નિર્દેશ મુજબ હાઈ કોર્ટોમાં અને સુપ્રિમ કોર્ટોમાં નવા જજોની નિમણૂક કોલેજિયમ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે, જેમાં સુપ્રિમ કોર્ટના પાંચ વરિષ્ઠતમ જજોની બેન્ચ તમામ નિર્ણયો સરકારના કોઈ પણ જાતના હસ્તક્ષેપ વગર કરતી હોય છે. હવે આપણી સરકાર આ કોલેજિયમ સિસ્ટમને ખતમ કરીને જજોની નિમણૂક પણ પોતાના નિયંત્રણ હેઠળ આણવા માગે છે. હકીકતમાં ૨૦૧૫માં ભારતની સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરીને કોલેજિયમ સિસ્ટમને બદલે નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન એક્ટ લાવવામાં આવ્યો હતો, જેમાં સુપ્રિમ કોર્ટના અને હાઈ કોર્ટના જજોની પસંદગીમાં સરકારને પણ અમુક સત્તાઓ આપવામાં આવી હતી.

સુપ્રિમ કોર્ટના પાંચ જજોની બેન્ચ દ્વારા આ કાયદાને રદ કરવામાં આવતા સરકારના હાથ હેઠા પડ્યા હતા. આપણા દેશમાં સીબીઆઈ, ઇડી, આઈબી, ચૂંટણી પંચ, સીએજી વગેરે સંસ્થાઓ સ્વાયત્ત ગણવામાં આવે છે, પણ તેના વડાઓની પસંદગીનો અધિકાર સરકારના તેમ જ વિપક્ષના હાથમાં હોવાથી સરકારને વફાદાર રહે તેવા અધિકારીઓને જ તેમાં સ્થાન આપવામાં આવે છે. જો સુપ્રિમ કોર્ટના જજોની નિમણૂક પણ રાજકારણીઓ કરશે તો તેની સ્વાયત્તતા જ ખતમ થઈ જશે.

સુપ્રિમ કોર્ટે જ્યારથી નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન એક્ટને રદ કર્યો ત્યારથી અત્યાર સુધી ભારતના અનેક રાજકારણીઓ દ્વારા તે બાબતમાં દબાતા સ્વરમાં સુપ્રિમ કોર્ટના કોલેજિયમની ટીકા થતી આવી છે, પણ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધાનકરે શુક્રવારે જાહેરમાં, ભારતના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની હાજરીમાં સુપ્રિમ કોર્ટના ચુકાદાની ટીકા કરી હતી. જો દેશના કોઈ સામાન્ય નાગરિક દ્વારા સુપ્રિમ કોર્ટના કોઈ ચુકાદાની જાહેરમાં ટીકા કરવામાં આવે તો તેના પર અદાલતના તિરસ્કારનો કેસ થઈ જાય; પણ આ ટીકા ભારતના ઉપરાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી હોવાને કારણે તેને ન્યાયતંત્ર અને કારોબારી વચ્ચેના વિગ્રહના રૂપમાં જોવામાં આવશે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધાનકર દિલ્હીમાં એલ. એમ. સિંઘવી મેમોરિયલ લેક્ચર આપી રહ્યા હતા, જેને સાંભળવા ભારતના ચીફ જસ્ટિસ, સુપ્રિમ કોર્ટના અને હાઇ કોર્ટના માનનીય જજ સાહેબો તેમ જ દેશના ટોચના કાયદાવિદો પણ આવ્યા હતા. જગદીપ ધાનકરે એ વાતનું આશ્ચર્ય પ્રગટ કર્યું હતું કે દેશની લોકસભામાં જે કાયદો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો, તેને સુપ્રિમ કોર્ટે રદ કરી નાખ્યો, તેની સામે કોઈએ હરફ પણ ઉચ્ચાર્યો નહોતો. જગદીપ ધાનકરના કહેવા મુજબ ‘‘ભારતનું બંધારણ ‘વી ધ પિપલ’શબ્દથી શરૂ થાય છે, માટે તેમાં લોકોની ઇચ્છા સર્વોપરી મનાવી જોઈએ. ભારતની લોકશાહીમાં લોકોની ઇચ્છાનું પ્રતિબિંબ સંસદમાં પડે છે, માટે સંસદ સર્વોપરી ગણાવી જોઈએ. ’’જો ઉપરાષ્ટ્રપતિની વાત માનીએ તો સુપ્રિમ કોર્ટ સંસદની હેઠળ આવી જાય. ભારતના બંધારણના ઘડવૈયાઓ દ્વારા બંધારણના મૂળભૂત ઢાંચાના રક્ષણની જવાબદારી સુપ્રિમ કોર્ટને સોંપવામાં આવી છે.

અર્થાત્ સંસદ બંધારણમાં સુધારાઓ જરૂર કરી શકે છે, નવા કાયદાઓ પણ ઘડી શકે છે; પણ તે સુધારાઓ એવા ન હોવા જોઈએ કે જેથી બંધારણનો મૂળભૂત ઢાંચો જ ખતમ થઈ જાય. સુપ્રિમ કોર્ટના જ ચુકાદા મુજબ ભારત દેશ લોકશાહી અને પ્રજાસત્તાક છે, તે બંધારણનો મૂળભૂત ઢાંચો છે. મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ લોકશાહીનો પ્રાણ છે. આવતી કાલે દેશની સંસદ એવો કાયદો કરે કે હવે પછી ચૂંટણીઓ યોજવામાં નહીં આવે પણ વર્તમાન સંસદસભ્યો દ્વારા જ નવા સંસદસભ્યોની નિમણૂક કરવામાં આવશે, તો સુપ્રિમ કોર્ટ તે કાયદો રદ કરશે. સુપ્રિમ કોર્ટની સ્વતંત્રતાના મૂળમાં કોલેજિયમ સિસ્ટમ છે. સુપ્રિમ કોર્ટના જજોની નિમણૂકમાં સરકારની ભૂમિકા મર્યાદિત હોવાથી જજ સાહેબો બંધારણની રક્ષા કરી શકે છે. જે દિવસે કોલેજિયમ સિસ્ટમ ખતમ થઈ ગઈ તે દિવસે સુપ્રિમ કોર્ટ પણ દેશના બંધારણની રક્ષા કરી શકશે નહીં.

ભારત સરકારના કાયદા પ્રધાન કિરણ રિજજુ પણ જ્યારે તક મળે ત્યારે કોલેજિયમ સિસ્ટમની ટીકા કર્યા વગર રહેતા નથી. તાજેતરમાં એક જાહેર સમારંભમાં બોલતાં તેમણે વિધાન કર્યું હતું કે ‘‘સુપ્રિમ કોર્ટની કોલેજિયમ સિસ્ટમ અપારદર્શક છે અને બંધારણની ભાવનાથી વિરોધી છે. દુનિયામાં આ એક જ સિસ્ટમ છે, જેમાં જજો પોતાની જાણીતી વ્યક્તિને જજ બનાવે છે.’’ભારતના કાયદા પ્રધાનનાં આ વિધાન બાબતમાં ટિપ્પણ કરતાં બંધારણ દિન સમારંભમાં બોલતા ભારતના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે કહ્યું હતું કે ‘‘આ બાબતમાં સરકારે અને ન્યાયતંત્રે પણ મુત્સદ્દીગીરીથી કામ લેવાની જરૂર છે. ચીફ જસ્ટિસનું આ વિધાન પણ બહુ સૂચક છે.

હમણાં સુપ્રિમ કોર્ટમાં પણ કોલેજિયમ સિસ્ટમની પારદર્શકતા બાબતમાં કેસ ચાલી રહ્યો છે, જેમાં પણ કોલેજિયમ સિસ્ટમ પર પ્રહારો થઈ રહ્યા છે. બન્યું એવું કે કોલેજિયમની તા. ૧૨ ડિસેમ્બર, ૨૦૧૮ની મીટિંગમાં હાઇ કોર્ટના બે ચીફ જસ્ટિસોનાં નામો સુપ્રિમ કોર્ટમાં પ્રમોશન માટે નક્કી કરવામાં આવ્યાં હતાં. આ નામો લિક થઈ જતાં તેનો વિવાદ થયો હતો, જેને કારણે તે નામો મંજૂર થઈ શક્યાં નહોતાં. કોલેજિયમના એક સભ્ય જસ્ટિસ મદન બી. લોકુર રિટાયર થયા તે પછી ૨૦૧૯ના જાન્યુઆરીમાં નવા કોલેજિયમની બેઠક મળી હતી, પણ અગાઉનાં નામો ફાઇનલ થઈ શક્યાં નહોતાં. જસ્ટિસ લોકુરે રિટાયર થયા પછી તેમના કોલેજિયમ દ્વારા મંજૂર કરવામાં આવેલાં બે નામો રદ થઈ ગયાં તે બાબતમાં જાહેરમાં સખત નારાજગી પણ વ્યક્ત કરી હતી.

દેશનાં કેટલાક નાગરિકોને લાગ્યું હતું કે કોલેજિયમ દ્વારા બે જજોનાં નામો કેન્સલ કરવામાં આવ્યાં તેની પાછળ કોઈ રમત રમાઈ ગઈ છે. તેની સામે અંજલિ ભારદ્વાજ નામના નાગરિક દ્વારા માહિતી મેળવવાના અધિકાર હેઠળ અરજી કરવામાં આવી હતી કે ૧૨ ડિસેમ્બર, ૨૦૧૮ની કોલેજિયમ બેઠકમાં શું થયું હતું? તેની માહિતી આપો. ચીફ ઇન્ફોર્મેશન કમિશનર દ્વારા આ માહિતી ન આપવામાં આવતાં અંજલિ ભારદ્વાજે વકીલ પ્રશાંતભૂષણ દ્વારા દિલ્હી હાઈ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. હાઈ કોર્ટે તેમની અરજી ફગાવી દેતાં તેમણે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી. આ કેસમાં પ્રશાંતભૂષણે આક્ષેપ કર્યો હતો કે ભારતની કોલેજિયમ સિસ્ટમ પારદર્શક નથી. તેનો જવાબ આપતાં સુપ્રિમ કોર્ટના માનનીય જજ સાહેબોએ કહ્યું હતું કે ‘‘કોલેજિયમમાં બધી વાતો લખાણમાં નથી હોતી. કેટલીક ચર્ચાઓ મૌખિક રૂપે પણ કરવામાં આવે છે. કોલેજિયમ કોઈની મરજી મુજબ કામ કરતું નથી. સુપ્રિમ કોર્ટની કોલેજિયમ સિસ્ટમ સૌથી પારદર્શક સિસ્ટમ છે. ’’
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top