આપણે સૌ અવારનવાર લગ્નપ્રસંગમાં તો જતાં જ હોઈએ છીએ. ત્યાં તમે જોશો તો સ્વરુચિ ભોજન માટે અનેક કાઉન્ટર બનાવેલાં હોય છે. બે ત્રણ જાતનાં સુપ હોય, તમે તમારી ઇચ્છા પ્રમાણે સુપ લઈને પી શકો છો. ત્યાર પછી આવે સ્ટાર્ટર. પણ હવે તો સ્ટાર્ટર પણ મંડપમાં કેટરીંગવાળા છોકરાઓ લઈને ફર્યા કરતા હોય છે અને બધા તે લઈને આરોગતા હોય છે. વળી વેલકમ ડ્રીંક્સને કેમ ભૂલાય? એ તો ખરું જ. પછી બે ત્રણ જાતની ચાટનું કાઉન્ટર હોય, ઢોસાનું કાઉન્ટર હોય, પીઝાનું કાઉન્ટર હોય, લાઈવ ઢોકળાનું કાઉન્ટર હોય.
આ બધા પાસેથી પસાર થાય ત્યારે તેમને જેમાં રસ હોય એ વાનગી તમારે લેવાની ચાખવાની. ન ભાવે તો ડસ્ટબીનમાં નાંખી દેવાની. આવું કરતાં ઘણાંને મેં જોયા છે. ત્યાર બાદ મેઈન કોર્ષની શરૂઆત થાય. બે સ્વીટ, બે ફરસાણ, બે ત્રણ જાતનાં શાક હોય, પુલાવ-કઢી, ચપાટી, પુરી, રોટી, પાપડ- પાપડી, કચુંબર, અથાણાં તો ખરાં જ. પણ મને સવાલ એ થાય છે એક માણસ આટલું બધું કેવી રીતે ખાઈ શકે? અને અંતે થાય વાનગીનો બગાડ. એના કરતાં સાદું સીધું ભોજન ન રાખી શકાય? વળી અંતે આઈસ્ક્રીમ તો ખરું જ. તેમાં પણ બે ત્રણ ફ્લવેર હોય. છેલ્લે મુખવાસનું કાઉન્ટર. હું તો એવું માનું છું કે આ બધામાં બદલાવ ખૂબ જરૂરી છે.
અડાજણ – શીલા સુભાષ ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
માય નેમ ઇઝ ઇંગ્લિશ
કોમવાદ,જાતિવાદ પછી જો દેશને સૌથી વધુ બરબાદ કર્યા હોય તો એ છે “ભાષાવાદ”! દેશ-દુનિયાની કોઈ પણ ભાષા શીખવી એ ગુનો નથી પરંતુ એ ભાષાના પ્રભુત્વનું પોતાના દેશમાં જ્યાં જરૂર ન હોય ત્યાં તેનું પ્રદર્શન કરવું એક હલકટાઈથી વધુ કશું નથી. માન્યું કે આજે અંગ્રેજી ભાષાનું ચલણ વધ્યું છે નાનાં બાળકો ઇંગ્લિશ બોલે છે પણ તેને ગુજરાતીમાં પૂછો દહીં, મીણબત્તી, બારણું, ઝરણું બોલો મોઢું નાનું થઈ જશે! ગુજરાતમાં જન્મેલ બાળકને ગુજરાતી ન આવડે તો તે ગુજરાતમાં શું કરશે? તમે જે દેશમાં રહો છો તે દેશની માતૃભાષા અને રાષ્ટ્રીય ભાષા ન આવડતી હોય અને અન્ય દેશની દશ ભાષા પણ આવડતી હોય તો એ બધી ભાષા શીખવી એક મૂર્ખતાથી વધુ કાંઈ નથી. ભારતની ૭૦ થી ૮૦ ટકા પ્રજાને અંગ્રેજી તો છોડો વ્યવસ્થિત હિન્દી બોલતા કે સમજતા નથી. આવડતું તેમ છતાં લૉનના ફોર્મ,બેંકના ફોર્મ,મેડીક્લેમના ફોર્મ,શેર બજાર કે મ્યુચ્યુઅલ ફંડ,શાળાના ફોર્મ માતૃભાષામાં નહીં અંગ્રેજીમાં જ શા માટે છાપવામાં આવે છે? મુંબઇના કોઈ પણ સ્ટેશન પર તો ભિખારી પણ ભીખ ઇંગ્લિશમાં માગે…!ઇંગ્લિશ અને ઝીણા અક્ષરથી અભણ જ નહીં ભણેલા પણ છેતરાય છે.
સુરત – કિરણ સૂર્યાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.