Comments

શું ‘આધ્યાત્મિક સાધુ’ થવા કરતાં ‘સંસારી સાધુ’ થવું અઘરું છે…?

પ્રાચીન ભવ્ય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો ધરાવતા આપણાં દેશમાં આધ્યાત્મિક સાધુ-સંતોની સંખ્યા સારા એવા પ્રમાણમાં છે. આધ્યાત્મિક સાધુ-સંતોની વ્યાખ્યામાં એવી વ્યક્તિ આવે છે, જે સંસાર કે પરિવારની તમામ જવાબદારીઓનો ત્યાગ કરી એકાંત જગ્યાએ તપ કે સાધના કરે છે અને ઈશ્વર પ્રાપ્તિ કે મોક્ષના માર્ગે બાકીનું આયખું પૂર્ણ કરી નિર્વાણ પામે છે. તેઓ ક્યારેક ઉપદેશ કે સત્સંગ દ્વારા માનવસમાજને અનિષ્ટોથી દૂર રહેવાના ઉપાયો સૂચવી, અધ્યાત્મ માર્ગે દોરી જવાના સરાહનીય-મૂલ્યવાન પ્રયત્નો પણ કરે છે.

સમાજમાં તેની બોલબાલા પણ વિશેષ છે. જો કે આચાર્ય રજનીશ આ પ્રકારના સાધુઓને ‘ભાગેડુ’ કહે છે. જે પરિવર્તીત સમાજના પડકારોનો સામનો કરવાને બદલે, પલાયનવૃત્તિથી સમાજને જ તિલાંજલી આપી ભાગી છૂટી છે! આપણે રજનીશની આ વાત સાથે સંપૂર્ણ સહમત ન થઈએ તો પણ એક તથ્ય તો સ્વીકારવું જ પડશે કે આધ્યાત્મિક સાધુ સમાજનો ત્યાગ કર્યા પછી પણ સમાજોદ્ધાર માટે સનાતન ધર્મના રક્ષણ માટે જાગૃત અને કાર્યરત રહે છે.

આધ્યાત્મિક સાધુઓની સમાંતર એક બીજા પ્રકારના સાધુઓ પણ આપણા સમાજમાં જીવે છે જેના પ્રત્યે આપણું ઝાઝું ધ્યાન ગયું નથી! જેને આપણે ‘સંસારી સાધુ’ કહેવાનુ વધુ પસંદ કરીશું. આ એવા પ્રકારના સાધુઓ છે, જે સમાજ, સંસાર અને પરિવારની તમામ જવાબદારીઓ નીભાવે છે અને પારિવારીક કર્તવ્યપાલનને ટોચની અગ્રીમતા આપી, પરિવાર કે સંસારનો ત્યાગ કર્યા વગર, પરિવારનું એક અવિભાજ્ય અંગ બની બાકીનું આયખું પૂર્ણ કરે છે.

આ બે પ્રકારના સાધુઓમાંથી કોનું વધુ મહત્વ છે અને સમાજને કોની વિશેષ જરૂર છે તે કહેવું મુશ્કેલ છે. આપણે એટલું જરૂર કહી શકીએ કે વર્તમાન સમયમાં આ બંને પ્રકારના સાધુઓની આવશ્યક્તા છે. બંને તેમના સ્થાને ઉપકારક અને યોગ્ય છે. હા, સંસારી સાધુની સમાજમાં જેટલી નોંધ લેવાવી જોઈએ તેટલી નથી લેવાતી એ સ્વીકારવું રહ્યું. બંને પ્રકારના સાધુઓ પોતાના સ્થાનેથી, પોતાની મહત્તા સ્થાપીત કરવાના પ્રયત્નો કરે છે એમાં કશું ખોટું પણ નથી. કેમ કે એ તેમનો સ્વધર્મ છે. આખરે બંનેના ઉદ્દેશો સમાજમાં સુખ-શાંતિ સ્થાપવાના હોય છે. આવી મહત્તા સ્થાપીત કરવાનું વલણ, સંસારી સાધુ કરતાં આધ્યાત્મિક સાધુ પક્ષે વધુ જોવા મળે છે.

આધ્યાત્મિક સાધુઓ કહે છે : ‘‘બ્રહ્મ સત્ય, જગત મિથ્યા.’’ માનવદેહનું અંતિમલક્ષ્ય મોક્ષ પ્રાપ્તિ છે તેથી સઘળું ત્યાગીને પરમાત્મા, બ્રહ્મની ઉપાસના કરો. સામે પક્ષે, સંસારી સાધુઓની દલીલ છે: ‘‘બ્રહ્મ મિથ્યા, જગત સત્ય.’’ માનવ-શરીરનું અંતિમલક્ષ્ય મોક્ષ નથી, પરંતુ પારિવારિક કર્તવ્ય ભાવનાની પરિપૂર્ણતા છે. તેથી સંસારનો ત્યાગ કરીને બ્રહ્મની ઉપાસના કરવાની કોઈ આવશ્યક્તા નથી. પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરીને પરિવાર માટે કર્તવ્યભાવના નિભાવતાં-નિભાવતાં આયખું પૂરું કરતો કોઈ સજ્જન સંસારી સાધુ છે, કેમ કે તેણે પલાયનવૃત્તિથી સંસારનો ત્યાગ કર્યો નથી.

ફિલોસોફિકલ પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઈએ તો ‘આધ્યાત્મિક સાધુ’, ‘આદર્શવાદી’ વિચારધારાવાળો છે જ્યારે ‘સાંસારિક સાધુ’, ‘વ્યવહારવાદી’ વિચારધારાવાળો છે. અહીં બંને પ્રકારના સાધુઓની વિચારધારા પરસ્પર વિરોધી લાગે એમ બને પરંતુ બંનેની વિચારધારા સમાંતર રીતે ચાલે છે અને બંને મૂલ્યવાન છે. આ વિચારધારાનો કોઈ અંત નથી. જ્યાં સુધી માનવનું અસ્તિત્વ છે ત્યાં સુધી તે ચાલુ રહેવાની છે.

આધ્યાત્મિક સાધુઓ કહે છે: ‘‘શરીર નાશવંત છે, તેમાં રહેલો આત્મા અવિનાશી, નિરાકાર, અનંત છે!’’ બીજી તરફ સંસારી સાધુઓની દલીલ છે કે સૃષ્ટીમાં સૌથી અદભૂત યંત્ર, ‘માનવશરીર’ છે. આ શરીર અનેક દેહધાર્મિક ક્રિયાઓ કરી શકે છે, વૃદ્ધિ-વિકાસ પામી શકે છે. પ્રજનન ક્રિયા દ્વારા અન્ય શરીર નીપજાવી શકે છે. જે આટલું બધું દૃશ્ય, વાસ્તવિક અને અનુભૂતિજન્ય છે તેનું મહત્ત્વ ઓછું આંકવું એ ક્યાંનો ન્યાય છે?

અહીં પ્રશ્ન એ ઉદભવે કે જો કહેવાતા આત્માનું નિવાસ સ્થાન  સ્વયં શરીર હોય તો શરીરને સમજ્યા વિના આત્માને સમજવાનો બૌદ્ધિક વ્યાયામ કરવો જોઈએ ખરો? આત્માના ઉદ્ધાર કે કલ્યાણ માટે શરીરને કષ્ટ આપવું જરૂરી ખરું ? અને શરીરે કષ્ટ ભોગવવું પડે તેમાં શરીરનો કોઈ દોષ ખરો?

કેવી વિચિત્રતા છે કે જે શરીર આત્માને રહેવા માટે, કોઈપણ પ્રકારના ભાડા કરાર વગર જગ્યા આપે છે એ શરીર પર આત્માના કલ્યાણ માટે જુલ્મ ગુજારવામાં આવે છે! શરીરનો કોઈ વાંક નથી તો પણ એને ભૂખ્યું રાખવું, તેના પર આત્મ સંયમ રૂપી ત્રાસ ગુજારવો, તેને ઉઘાડા પગે દોડાવવું કે ચલાવવું! શું આવું કરીએ તો જ આપણે મહાત્મા કહેવાયે એ?! આધ્યાત્મિક કહેવાયે એ?!

એક સત્સંગમાં ‘વિજ્ઞાન અને ધર્મ’ વિષય પરની ચર્ચામાં પૂ.સ્વામીજી કહેતા હતા : !!તમે માત્ર બે જ દિવસ માટે આધ્યાત્મિક સાધુ બની, આધ્યાત્મિક જીવન જીવી બતાવો તો તમને ખબર પડશે કે એમાં કેટ કેટલું કષ્ટ છે? અને એ જીવન કેટલું અઘરું છે? અહીં પ્રશ્ન એ છે કે કોઈ કામ અઘરું અને કષ્ટદાયક હોય એટલા જ કારણે એને પવિત્ર કે મહાન કેમ માની શકાય? પર્વતની ટોચ પર જઈને ખીણમાં કૂદકો મારવો અઘરું છે એટલે એને આપણે પવિત્ર કહીશું? એમ તો તમે સાપની જેમ એક દિવસ માટે પણ શરીરને ઘસડી-ઢસડીને ચાલી બતાવો જોઈએ? અને તમે બે દિવસ આધ્યાત્મિક સાધુ જીવન જીવવાની ચેલેન્જ આપો છો?

અહીં આધ્યાત્મિક સાધુની ટીકા અને સાંસારિક સાધુની સરાહના કરવાનો ઇરાદો નથી. બંને પ્રકારની સાધુતા સમાજ માટે ઉપકારક છે અને તેના સ્થાને યોગ્ય પણ છે. ખરી વાત તો એ છે કે આધ્યાત્મિક સાધુ જીવનમાં કશુંય અઘરું હોતું નથી. ભારત જેવાં આધ્યાત્મિક દેશમાં કદાચ હજ્જારો લોકો એવું જીવન જીવે છે. ખરેખર અઘરું કામ તો નિષ્ઠા અને પ્રમાણિક પણે, જીવનના સંઘર્ષો અને પડકારો સામે ઝઝૂમી, પારિવારીક જવાબદારીઓને નીભાવવાનું છે! વંઠેલ પતિનો ત્રાસ વેઠીને ય પારિવારીક જવાબદારીઓ નિભાવતી ભારતીય નારીની પવિત્રતા વિશે આપણે શું કહીશું?

વહેમીલી અને ડંખેલી પત્નીની પજવણી મૂંગા મોંએ વેઠી લઈને ફક્ત સંતાનોના હિત માટે રાત-દિવસ ઓવર ટાઈમ કરતાં પતિને કષ્ટ અને બલિદાન વિશે આપણે મૌન કેમ છીએ?! હવે જો આ બંને પ્રકારના પતિ-પત્ની, પલાયનવૃત્તિથી સંસારનો ત્યાગ કરી, સાધુ બની જાય તો શું એને આપણે આધ્યાત્મિક સાધુતા કહીશું? અડધી રાત્રે પાડોશમાં કોઈ અચાનક બિમાર પડે તો ઉજાગરો વેઠીને તેની સાથે રહેનાર સ્વજનની સંવેદનાના સાક્ષી બહું ઓછાં બને છે! કોરોના મહામારીમાં દર્દીની સેવા કરતાં અને પછી કોરોનાનો ભોગ બની મૃત્યુને ભેટતાં ડોક્ટર, નર્સને આપણે આધ્યાત્મિક સાધુઓ કહીશું કે સંસારી સાધુ કહીશું?

ઘણાં લોકોને પશુ-પંખીઓ અને જીવજંતુઓ માટેની જીવ-દયામાં જ ધર્મ દેખાય છે! એવી જીવદયાનો વિરોધ ન હોઈ શકે પરંતુ બીજા માનવીની લાચારી પ્રત્યે હમદર્દી ન જાગે તો પેલી જીવદયા શોભતી નથી! આપણાં સમાજમાં ઘણાં લોકો ઉપવાસ કરે છે. એમાં કોઈ તપ કે સાધના નથી! આરોગ્ય માટે એ લાભપ્રદ છે. સાચું તપ કે સાધના તો બીજાનું પેટ ભરવામાં છે! કોરોના મહામારીમાં ઘણી સંસ્થાઓએ લાખો લોકોનાં આ રીતે પેટ ભર્યા છે! આવી સંસ્થાઓને આધ્યાત્મિક આશ્રમો કહીશું? અને પેટ ભરનારા સમાજના શ્રેષ્ઠીઓને આધ્યાત્મિક સાધુઓ કહીશું?

યાદ રહે, પોતાના જીવનમાં, સામે ચાલીને કષ્ટો વેઠવાં એ ત્યાગ તપ કે સાધના નથી. પરંતુ બીજાંઓના કષ્ટો દૂર કરવા સતત પ્રયત્નો કરવા એ તપ છે. સાધના છે. પૈસાને અડવાથી પાપ લાગે આ માન્યતા કેટલે અંશે યોગ્ય છે? પ્રમાણિક પુરુષાર્થ કરીને, વધુને વધુ પૈસા નીતિથી કમાઈને એ દ્વારા બીજાઓનાં જીવનની યાતનાઓ ટાળવી એ શું સાચો ધર્મ નથી? જો કે આ બાબતે બંને પ્રકારના સાધુઓ સમાનપણે પોતાના પ્રયત્નો કરે છે એ આવકાર્ય છે. એક સંસારમાં રહીને, બીજો સંસાર ત્યાગીને!

આવી પડેલાં કષ્ટોને ખુમારી પૂર્વક અને પૂૂરી ખાનદાનીથી વેઠવાં એ જ સાચો જીવનધર્મ છે. આધ્યાત્મિકતા છે. આમ જોવા જઇએ તો સંસારમાં રહીને અસંખ્ય લોકો અનેક ધર્મો નિભાવે છે. જેમ કે પતિધર્મ પત્ની ધર્મ, પુત્ર ધર્મ, પિતાધર્મ, માતૃ ધર્મ, શિક્ષક ધર્મ, વેપારી ધર્મ, વડીલ ધર્મ, પડોશી ધર્મ, તબિબિ ધર્મ, વગેરે… અને આજ સાચા ધર્મો છે! સંસારના તમામ સુખોને ભોગવતાં ભોગવતાં મોક્ષનું માધુર્ય માણી શકાય છે. જેને એવું માધુર્ય માણતાં આવડતું હોય તેણે કાલ્પનિક મોક્ષના સુખ માટે ફાંફાં મારવા પડતા નથી! સમાજને ક્યા સાધુની વધુ જરૂર છે એ નક્કી કરવાનું કામ સુજ્ઞ વાચકો પર છોડું છું.
વિનોદ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top