Comments

લગ્નની વય વધારવી તે જ પૂરતું છે?

Khaps oppose raising marriage age for girls, to hold Panchayat soon -  Daijiworld.com

કેન્દ્રની કેબિનેટે ગઇ તા. પંદરમી ડિસેમ્બરે સ્ત્રીઓ માટેની લગ્નની ઉંમર 18 વર્ષથી વધારી 21 વર્ષની કરવાનો નિર્ણય કર્યો. પુરુષો માટે પણ લગ્નની કાયદેસરની ઉંમર 21 વર્ષની જ છે. કેન્દ્ર સરકાર આ નિર્ણયથી સ્ત્રીઓ અને પુરુષો બંનેની કાયદેસરની લગ્નની ઉંમર સરખી કરશે. આમ છતાં બાળકો અને સ્ત્રીઓના હક્કના કર્મશીલો તેમજ વસ્તી અને કુટુંબ નિયોજનના નિષ્ણાતો સ્ત્રીઓ માટે લગ્નની ઉંમર વધારવાની તરફેણ નથી કરતા. આવા કાયદાથી તો વસ્તીનો મોટો ભાગ ગેરકાયદે લગ્નોમાં ધકેલાઇ જશે એમ જણાવી તેમણે ઉમેર્યું છે કે સ્ત્રી લગ્નની કાયદેસરની ઉંમર 18 વર્ષની રાખવા છતાં ભારતમાં બાળલગ્નો ચાલુ રહ્યાં છે. નવા કાયદાથી તો ખાસ કરીને અનુસૂચિત જાતિ અને જનજાતિઓ જેવા સીમાંત સમાજ પર નકારાત્મક અસર પડશે અને તેમને કાયદાનો ભંગ કરનારા બનાવશે.

કેટલાંક લઘુમતી જૂથો તેનો વિરોધ કરી કહે છે કે આ કાયદાથી અમારા સમાજના કાયદામાં હસ્તક્ષેપ કરે છે. આવા કાયદાથી તો એક સમાન કાયદો પાછલા દરવાજેથી ઘૂસી રહ્યો છે. 18 વર્ષની ઉંમરે કોઇ પણ છોકરી સામાન્ય રીતે તેનાં બારમા ધોરણની પરીક્ષા પસાર કરે છે અને તેની અર્થપૂર્ણ રોજગારી કે આર્થિક સ્વતંત્રતા અપાવે તેવા કૌશલ્યથી ભાગ્યે જ સજ્જ હોય છે. તો વધુ ત્રણ વર્ષ મળે તો તે વધુ સારી શૈક્ષણિક કે વ્યવસાયી નિપુણતા મેળવી શકે અને જિંદગીની કઠોરતાને સમજી શકવા જેટલી પોતાની માનસિક ક્ષિતિજો વિસ્તારી શકે. પરિણામે મગજમાં કારકિર્દીનું ધ્યેય રાખનારી છોકરી તમામ મહત્ત્વની અને જીવન પરિવર્તન કરનારી લગ્નની બાબતમાં બહેતર માહિતગાર થઇને નિર્ણય લઇ શકશે. વ્યવસાયી કૌશલ્યના માળખા અને જ્ઞાનના સશકિતકરણ સાથે સાસરામાં પગ મૂકતી નવોઢા બાળઉછેર અને લાંબા સમયના પારિવારિક સ્વાસ્થ્ય અને અંતે સમાજ પર મોટી અસર પાડી શકશે.

લગ્નની લઘુતમ વયનો હેતુ મૂળભૂત રીતે તો બાળલગ્ન અને સગીરાનું શોષણ અટકાવવાનો છે. જૂદા જૂદા ધર્મના પોતાના કાયદા એટલે કે પર્સનલ લો માં લગ્નની જોગવાઇઓ તેમના પોતાના ધોરણ પ્રમાણે છે અને તેમાં ઘણી વાર રિવાજોનું પ્રતિબિંબ પડે છે. હિંદુઓ માટે હિંદુ મેરેજ એકટ, 1955 માં કન્યા માટેની લગ્નની લઘુતમ વય 18 વર્ષની અને યુવકો માટેની લઘુતમ વય 21 વર્ષની નક્કી કરવામાં આવી છે. ઇસ્લામમાં પ્રજનનક્ષમતા પ્રાપ્ત કરનાર સગીરા પણ લગ્ન માટે માન્ય ગણાય છે.

1954નો સ્પેશ્યલ મેરેજ એકટ અને 2006 નો પ્રોહિબિશન ઓફ ચાઇલ્ડ મેરેજ એકટ પણ સ્ત્રીઓ અને પુરુષો માટે લગ્નની સંમતિ વય અનુક્રમે 18 અને 21 વર્ષની નક્કી કરે છે. લગ્નની નવી ઉંમરનો અમલ કરવા માટે આ કાયદાઓમાં સુધારો કરવો પડશે. કેન્દ્ર સરકારે જાતીય તટસ્થતા સહિતના સંખ્યાબંધ કારણોસર સ્ત્રીઓ માટે લગ્નની લઘુતમ વય મર્યાદાની ફેર તપાસ કરવાનો નિર્ણય કર્યો. લગ્ન વહેલી ઉંમરે થાય અને તેને પરિણામે વહેલી ગર્ભાવસ્થા આવે તો તેની માતા અને બાળકોના પોષણ સ્તર પર તેમના સમગ્ર આરોગ્ય પર અને માનસિક ક્ષેમકુશળતા પર પણ અસર પડે.

અલબત્ત, તાજેતરમાં થયેલી એક રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય મોજણીમાં જણાવાયું છે કે દેશમાં બાળલગ્નનું પ્રમાણ 2015-2016 માં 27 ટકા હતું તે 2019-20 માં ઘટીને 23 ટકા પર આવ્યું છે. પણ આવાં લગ્નો કાયદા મુજબની લગ્નની ઉંમરને કારણે નહીં, ઘણા વિસ્તારોમાં કન્યા કેળવણી વધતાં અને નોકરી રોજગારીની તક વધતા ઘટયા છે. 2020 ના જૂનમાં સ્ત્રીઓ અને બાળ વિકાસ મંત્રાલયે લગ્નની લઘુતમ ઉંમર અને સ્ત્રીઓના પોષણ સંબંધ, લોહીની ઊણપ અને અન્ય સામાજિક પરિમાણો વચ્ચેનો સંબંધ શોધવા માટે સમતા પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ જયા જેટલીના નેતૃત્વ હેઠળ એક સમિતિની રચના કરી, જેના સભ્યપદે નીતિ આરોગ્યના સ્વાસ્થ્ય વિભાગના સભ્ય ડો. વી.કે. પૌલ અને જુદા જુદા મંત્રાલયોના સચિવો પણ હતા. દેશભરની 16 યુનિવર્સિટીઓના યુવક-યુવતીઓના અભિપ્રાયને આધારે આ સમિતિએ છોકરીઓ માટેની લગ્નની લઘુતમ ઉંમર 18 વર્ષથી વધારી 21 વર્ષ કરવાની ભલામણ કરી.

સૌથી પહેલી વાત તો એ છે કે બાળ લગ્નો કેમ થાય છે? સ્ત્રીઓ અને છોકરીઓના દરજ્જા તેમજ પત્ની અને માતા તરીકેની તેમની ભૂમિકા વિશેની માન્યતાને ટેકો આપતા આર્થિક-સામાજિક સંદર્ભને કારણે આવું બને છે. સુરક્ષા માટે છોકરીઓએ વહેલું પરણી જવાની જરૂર છે એવી માન્યતા સહિતનાં અન્ય પરિબળો પણ કામ કરે છે. આર્થિક બોજ કે ખાનદાનની ઇજ્જત સહિતનાં જોખમોનો ડર પણ કામ કરે છે. બાળલગ્નોનું ઊંચું પ્રમાણ સમાજમાં સ્ત્રીઓ અને બાળકો માટે ભેદભાવ અને તકના અભાવનું પણ પ્રતિબિંબ પાડે છે.

બાળલગ્નો છોકરીઓના માનવાધિકારનો ભંગ કરે છે એમાં બે મત નથી. તેમના શિક્ષણ પર કાપ મૂકાય છે. તેમના આરોગ્યને નુકસાન થાય છે તેમ જ સમાજમાં ઉત્પાદક વ્યકિત તરીકે પોતાની જાતને પુરવાર કરવાની ક્ષમતા મર્યાદિત કરે છે. બાળ લગ્નને કારણે કિશોર વયમાં ગર્ભાવસ્થા આવે, વસ્તીવધારો, બાળકોમાં કેળવણી ક્ષેત્રે પછાતપણું અને શ્રમબળ તરીકેની સ્ત્રીઓની હિસ્સેદારીમાં કાપ વગેરે આવે છે. બાળલગ્નો રોકવા નીતિવિષયક દરમ્યાનગીરી થવી જોઇએ? કાયદો આ અભિગમનો એક ભાગ છે.

કર્ણાટકમાં બાળલગ્નને ફોજદારી ગુનો ગણી બાળલગ્ન માટે જવાબદાર તમામને સખત કેદની સજાની જોગવાઇ છે. પણ તેનાથી વધુ મહત્ત્વનું છે કે યુવતીઓને માધ્યમિક શિક્ષણ સુલભ અને સુરક્ષિત પરિવહન સેવા અને તેમના જ્ઞાનનો રોજીરોટી માટે ઉપયોગ કરવાને ટેકો વિસ્તારાય તે જરૂરી છે. લગ્ન માટે કાયદેસરની ઉંમર વધારવાનું એક આગેકદમ છે, પણ પૂરતું નથી. વાસ્તવિકતા સમજીને બહુપાંખિયો વ્યૂહ અપનાવવો જોઇએ. સંયુકત રાષ્ટ્રોનો એક હેવાલ કહે છે કે હાલના ધોરણે બધું ચાલતું રહેશે તો 2030 સુધીમાં બાળ વયે લગ્ન કરનાર છોકરીઓની સંખ્યા એક અબજ પર પહોંચશે અને દુનિયાભરમાં કમમાં કમ 117 દેશો આ થવા દેશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top