દૂનિયામાં એવા અસંખ્ય લોકો અને કંપનીઓ છે જેમણે અવિસ્મરણીય સફળતાઓ હાંસલ કરી છે. પરંતુ સાચી મહાનતા ફક્ત મોટાં પદ, સંપત્તિ કે નામના મેળવવામાં નથી. ઘણીવાર નાનાં લાગતાં પ્રસંગો, સાદગીભર્યા નિર્ણયો અને માનવતાભર્યું વર્તન એ વ્યક્તિ કે સંસ્થા માટે સાચું પ્રતિષ્ઠા-ચિહ્ન બની જાય છે. આવા કિસ્સાઓ આપણને યાદ અપાવે છે કે જીવનમાં મોટું બનવું સરળ છે, પરંતુ “મહાન” બનવું એ માનવતાથી જ શક્ય છે.

ડૉ. વર્ગીસ કુરિયન
ડૉ. વર્ગીસ કુરિયન જેમના નામથી ભાગ્યે કોઈ ભારતીય અજાણ હશે. તેઓ ભારતમાં થયેલી શ્વેત ક્રાંતિના પ્રણેતા હતા. તેમના ઘણા કિસ્સાઓ જાણીતા છે પણ એક ખૂબ ઓછો જાણીતો કિસ્સો જોઈએ તો ખબર પડશે કે એક નાનું પગલું કેટલી ઊંડી છાપ છોડી શકે છે. ડૉ. કુરિયન ગમે ત્યારે ડેરીના વિભાગોમાં ચક્કર લગાવે અને બધું બરાબર છે કે નહીં તે તપાસે. એક વખત તેમણે ચક્કર લગાવતા હતા ત્યારે વર્ષોથી કામ કરતા એક કર્મચારીને દૂધનું કૅન ખોલી તેના પરથી મલાઈ ચાટતો જોયો. કર્મચારીએ પણ અચાનક આવેલા ડૉ. કુરિયનને જોયા. તેના મોં પર મલાઈ ચોંટેલી હતી. પોતે દૂધ પીતો ન હતો તેવો દેખાડો કરીને તેણે ખોટો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો. ડૉ. કુરિયન તેણે એક પણ શબ્દ કહ્યા વિના જતા રહ્યા. કર્મચારીને ખાતરી હતી કે હવે તો નોકરી જશે જ. ડૉ. કુરિયને બીજે દિવસે મેનેજરને બોલાવી સૂચના આપી કે દરેક કર્મચારીને રોજ અડધો લિટર દૂધ પીવા આપવું. આખો દિવસ આ લોકો દૂધના વિશાળ જથ્થા સાથે કામ કરતા હોય અને ભૂખ્યા પણ થતા હોય. એમને એ દૂધમાંથી ભાગ ન મળે તે ન્યાય નથી. પોતાના કર્મચારીની આટલી કાળજી રાખનાર ઉપરી અધિકારી હોય પછી દરેક વ્યક્તિ વિશ્વાસ અને ઇમાનદારીથી કામ કરવા પ્રેરાય જ ને !
રતન ટાટા
રતન ટાટાનું નામ ભારતમાં ઘણા સન્માન સાથે લેવામાં આવે છે. તેમણે ક્યારેય સત્તા કે સંપત્તિ વિષે અભિમાન ધરાવ્યું નથી. તેમના ઘણા પ્રસંગો જાણીતા છે પરંતુ આજે આપણે એમની ઓછી જાણીતી ઘટના વિષે જાણીએ. એક વાર તેમણે ટાટા એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસના નેતૃત્વ કાર્યક્રમમાં નવા જોડાનારાઓના ઇન્ડક્શનમાં મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરી હતી અને તે પછી નવા જોડાનારાઓ સાથેની વાતચીત પછી ગ્રુપ ફોટોગ્રાફ માટે વિનંતી કરવામાં આવી હતી. બીજી જ ક્ષણે, દરેકના સુખદ આશ્ચર્ય વચ્ચે, કંપનીના ચેરમેન શ્રી રતન ટાટા આગળની હરોળના લોકો સાથે જમીન પર ઘૂંટણિયે બેસી ગયા. જ્યારે લોકોને શું થયું તે સમજવામાં થોડી ક્ષણો લાગી અને વાતાવરણમાં મૌન છવાઈ ગયું. શ્રી રતન ટાટાના વિનોદી શબ્દોએ મૌન તોડ્યું જ્યારે તેમણે કહ્યું કે ‘કૃપા કરીને જલ્દી કરો. હું વધુ લાંબા સમય સુધી ઘૂંટણિયે બેસી શકીશ નહીં’. આ ટાટા જૂથના ચેરમેન રતન ટાટા જ હતા, જેમણે મોટી ઉંમરે ઘૂંટણિયે બેસી કર્મચારીઓ સાથે ફોટોગ્રાફ્સ લીધા હતા.
બજાજ ઓટોમોબાઇલ
આપણે ઓટોમોબાઇલની વાત કરીએ ત્યારે અને એમાં પણ જો બાઈકની વાત હોય તો એવું માનીએ કે આમ સ્ત્રીઓને કંઈ ખાસ રસ અને સમજ ન હોય. તેમાં પણ જો એના ઉત્પાદનની વાત હોય તો એક કામદાર તરીકે આપણે મહિલાઓની કલ્પના પણ કરી શકતા નથી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે બજાજ ડૉમિનર બાઈક જે 100 ટકા પુરુષો માટે બનાવામાં આવે છે એના ઉત્પાદન એકમની એસેમ્બલી લાઈન 100 ટકા મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે. યામાહા પણ ‘પિન્ક એસેમ્બલી લાઈન’ પહેલ અંતર્ગત મહિલા કામદારોને સ્કૂટર ઉત્પાદનમાં લઇ ચૂક્યું છે. આ ઉપરાંત હીરો મોટોકોર્પ પણ આ કાર્ય ‘પ્રોજેક્ટ તેજસ્વીની’ હેઠળ આ કાર્ય કરી ચૂક્યું છે. આ રીતે સમાજના નબળા વર્ગની મહિલાઓને પગભર થવા અને તેમના કુટુંબને મદદરૂપ થવા ખૂબ જ અગત્યની પહેલ છે. સ્ત્રીસશક્તિકરણનું આ ખૂબ જ સુંદર ઉદાહરણ છે.
ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને ‘મિસાઈલ મેન’ ડૉ. કલામ તેમના સાદગીભર્યા જીવન માટે જાણીતા હતા. એમના તો ઘણા કિસ્સા અહીં સ્થાન પામે એવા છે. એકવાર તેઓ દિલ્હીના એરપોર્ટ પર સામાન્ય કતારમાં ઊભા હતા. ત્યારે સુરક્ષા અધિકારીઓએ તેમને વીઆઈપી ગેટ તરફ જવા વિનંતી કરી. પરંતુ કલામે જવાબ આપ્યો કે, ‘હું પણ અન્ય નાગરિકની જેમ કતારમાં ઊભો રહી શકું છું. મને ખાસ વ્યવહારની જરૂર નથી.’ આવા પ્રસંગોએ બતાવ્યું કે મોટા પદ પર હોવા છતાં તેઓ સામાન્ય ભારતીયની જેમ વર્તતા હતા. તેઓ હંમેશા આપણા સૌ માટે પ્રેરણાદાયી વ્યક્તિ રહ્યા છે.
વિવા એન્ડ દિવા
વૈશ્વિક સ્તરે, દર વર્ષે 1500 જેટલાં એસિડ એટેક નોંધાયા છે, જેમાં એકલા ભારતમાં 1000થી વધુ કેસ હોવાનો અંદાજ છે. જો કે, ઘણા હુમલાઓની જાણ કરવામાં આવતી નથી કારણ કે પીડિતો આગળ આવવા માટે ખૂબ ડરતા હોય છે. આવીજ એક છોકરી જેના પર હુમલો થયો હતો એ હતી લક્ષ્મી જેના પર ફિલ્મ પણ બની હતી. લક્ષ્મી, જે 15 વર્ષની હતી ત્યારે તેના પર 32 વર્ષીય વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, તેણે એસિડના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ માટે કોર્ટમાં અરજી કરી છે.
તેણીને યુએસ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા તરફથી ઇન્ટરનેશનલ વુમન ઓફ કરેજ એવોર્ડ મળ્યો હતો. અહીં સુરતની એક કંપની વિવા એન્ડ દિવાની વાત કરવી છે જેણે વસ્ત્રોની નવી શ્રેણી માટે જાહેરાત ઝુંબેશમાં લક્ષ્મીને મુખ્ય મોડેલ તરીકે લઈને સમાજને એક નવી રાહ ચીંધી છે. તેની પાછળનો મુખ્ય હેતુ એસિડ હુમલામાં તેમની શારીરિક સુંદરતા ગુમાવનારા લોકોમાં જાગૃતિ લાવવાનો છે.
સચિન તેંડુલકર
હવે વાત કરીએ સચિન તેંડુલકરની. દુનિયાનો ક્રિકેટિંગ હીરો અને ભારતમાં જેના કરોડો ચાહકો છે એની પણ ઘણી અનજાની વાતો છે. એનો એક વીડિયો ખૂબ વાઇરલ થયો હતો જેમાં મુંબઈમાં મધ્યરાત્રિએ બાંદ્રામાં છોકરાઓના એક ટોળા સાથે ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર પોતાની કારમાંથી નીચે ઉતરીને તેમની સાથે ગલી ક્રિકેટનો રાઉન્ડ રમે છે. એક વાર એક પ્રખ્યાત સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ વેમ્પારલા વેંકટા સુબ્રહ્મણિયમે 1990માં સચિનનો ઈન્ટરવ્યુ લીધો હતો. તે ઈંગ્લેન્ડથી પાછો ફર્યો હતો જ્યાં તેણે તેની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. તેના થોડા દિવસો પછી, સચિન હૈદરાબાદમાં સ્થાનિક ટૂર્નામેન્ટ રમી રહ્યો હતો. પત્રકારે તેનો સંપર્ક કર્યો હતો એક ઇન્ટરવ્યુ માટે અને તેનો પ્રતિભાવ હતો, ‘મારે મારા કેપ્ટનની પરવાનગીની જરૂર છે.’ તે એવા વ્યક્તિ તરફથી અદ્ભુત હતું જેણે હમણાં જ વિશ્વવ્યાપી હેડલાઇન્સ મેળવી હતી અને તે તેની સ્થાનિક ટીમના કેપ્ટનની વાત કરી રહ્યો હતો.
ધીરુભાઈ અંબાણી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઈ અંબાણી તેમની દીર્ઘ દ્રષ્ટિ માટે જાણીતા હતા. પરંતુ તેમના જીવનનો એક ખાસ પ્રસંગ એવો છે કે, જ્યારે કંપનીના એક નાના કામદારના ઘરમાં આગ લાગી હતી. કામદાર ગરીબ હોવાથી ખૂબ જ તણાવમાં આવી ગયો હતો. આવી ઘટના વખતે ધીરુભાઈ પોતે ત્યાં ખાસ ગયા હતા અને તેમણે કર્મચારીને કહ્યું કે ‘તમે બિલકુલ ચિંતા નહીં કરતા, કંપની તમને નવું ઘર બનાવી આપશે’.
મહેન્દ્ર સિંહ ધોની
ભારતના સૌથી સફળ ક્રિકેટ કપ્તાન એમ.એસ. ધોનીનો એક અજાણ્યો પ્રસંગ છે. 2007 T-20 વર્લ્ડ કપ જીત્યા પછી ભારતભરમાં ઉજવણી ચાલી રહી હતી. પરંતુ એ જ સમયે ધોનીએ પોતાના સૈનિક મિત્રોના પરિવાર સાથે સમય વિતાવવાનો પસંદ કર્યો. ધોની ઘણીવાર સૈનિકો સાથે સામાન્ય રીતે મેદાનમાં બેસીને ભોજન કરતા હોય છે. આ તેમની નમ્રતા અને દેશપ્રેમનો જીવંત દાખલો છે.
સુન્દર પિચાઇ
ગુગલના સીઈઓ સુન્દર પિચાઇ આજે વિશ્વપ્રસિદ્ધ છે, પરંતુ તેમની સાદગી ક્યારેય ઓછી નથી થઈ. એકવાર ભારતના પ્રવાસ દરમિયાન તેઓ મેટ્રોમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા. લોકો આશ્ચર્યમાં પડી ગયા કે વિશ્વની સૌથી મોટી ટેક કંપનીનો CEO કોઈ બોડીગાર્ડ કે ખાસ વાહન વગર સામાન્ય લોકોની વચ્ચે ઊભો હતો. આવા કિસ્સાઓ આપણને સ્પષ્ટ સંદેશ આપે છે – મહાનતા કોઈ ગાદી કે ખિતાબથી મળતી નથી. તે તો નમ્રતા, કાળજી, સાદગી અને સમાજપ્રત્યેની જવાબદારીમાંથી જન્મે છે. નાનાં દેખાતા આ પ્રસંગો જ દર્શાવે છે કે સાચા અર્થમાં પ્રભાવશાળી બનવું એટલે બીજા માટે પ્રેરણા બનવું. અંતે, ઈતિહાસમાં મહાનતા યાદ રહે છે એ માટે નહીં કે કોઈએ કેટલું કમાયું, પરંતુ એ માટે કે તેણે કેટલાં હૃદયોને સ્પર્શ્યા.
ડૉ. રિધ્ધીશ જોશી