Comments

શું અધિકારીઓના સોફ્ટવેરના ધંધાને કારણે પ્રજા ધન્ધે લાગી ગઈ છે?

વસ્તુ કે વ્યવસ્થામાં શોધ ગમે તેટલી સરસ હોય પણ તેના લાભ અને ગેરલાભ તો તેના ઉપયોગ આધીન જ હોય છે. આનું એક ઉદાહરણ હતું સોનોગ્રાફી મશીન. આ મશીન શોધાયું હતું માનવશરીરની અંદર કોઈ રોગ હોય, અકુદરતી હોય તેની જાણકારી મેળવવા. પણ ભારતમાં તેનો ઉપયોગ ગર્ભમાં રહેલા બાળકની જાતિ જાણવા થયો એટલું જ નહિ ગર્ભપાતની ટેકનોલોજી પણ સ્ત્રી ગર્ભનો નાશ કરવા માટે ઉપયોગમાં લેવાઈ. હવે આ જ વાત સાયન્સ અને ટેક્નોલોજીની બાબતમાં પણ સાબિત થાય છે. આધુનિક ટેકનોલોજી આશીર્વાદ સમાન બનવાને બદલે પ્રજા માટે ત્રાસરૂપ થતી જાય છે.

ગુજરાતમાં અત્યારે સરકારી અધિકારીઓને આધુનિકતાના નામે સોફ્ટવેરના ઉપયોગનું ઘેલું લાગ્યું છે. હવે પહેલાં જેવા નેતાઓ રહ્યા નથી જે અધિકારીઓના પ્લાનમાં સામાન્ય માણસને પડનારી તકલીફો સમજે અને અધિકારીઓના પ્લાનમાં પૂરક પ્રશ્નો કરે. એટલે શાસનમાં તો અધિકારીઓનો જ સિક્કો ચાલે છે એમાંય ખાનગીકરણ અને ઉદારીકરણ પછી સૌને આધુનિક બનવાનું ઘેલું લાગ્યું છે અને આધુનિકીકરણનો આખો ભાર આવ્યો છે મોબાઈલ એપ પર. કોઈ પણ વાત હોય મોબાઈલ એપ ડાઉનલોડ કરો.

વળી સરકારના જુદાં જુદાં ખાતાં પણ પોતાની એપ બનાવે છે જે કર્મચારીઓ અને નાગરિકોએ ડાઉનલોડ કરવાની હોય છે. વાહનવ્યવહાર કચેરીની એપ, મ્યુનિસિપાલિટીની એપ, યુનિવર્સિટીની એપ, સ્કૂલની એપ, આવું જ હવે સરકારી યોજનાઓમાં કાર્ડનું થયું છે. આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, એ પહેલાં મા કાર્ડ, હવે આ બધામાં પાછું કે.વાય.સી. અને પછી પ્રજા લાગે ધંધે. જે તે સમયે આધાર કાર્ડ, પાન કાર્ડ બનાવવાના ઉત્સાહમાં સૌના કાર્ડ ફટાફટ બનાવાયા અને જુદી જુદી એજન્સી દ્વારા બનાવાયા. હવે એક સ્પેલિંગ ભૂલ અને ક્યાંક ભારતીય સમાજવ્યવસ્થાને કારણે સર્જાયા ગોટાળા. જેમકે બાપનું નામ રમણભાઈ હોય અને દીકરાનું નામ લખાયું તેમાં રમણકુમાર. હવે બાપ દીકરાના આધાર મેચ નથી થતા તો સુધરાવો.

છેલ્લા સમયથી ગુજરાતમાં સામાન્ય પ્રજા આ કે.વાય.સી. માટે જ રઝળપાટ કરી રહી છે. ના આપની ચેનલો, ના આપના પ્રજાના પ્રતિનિધિઓ. કોઈ આ વાતે સરકાર કે સત્તાવાળાનું ધ્યાન દોરતા નથી. હવે ધ્યાનથી જુવો તો સમગ્ર આધુનિક ટેકનોલોજી અને નેટ આધારિત કાર્યક્રમ માટે સરકારે સોફ્ટવેર કંપનીઓ ભાડે જ લેવી પડે એટલે કોઈ પણ સોફ્ટવેર વાપરો તેનો ખર્ચ એ ખાનગી સોફ્ટવેર કંપનીના ધંધાની આવક છે. હવે લાગે છે કેટલાક અધિકારીઓ પોતના ઓળખીતા પારખીતાની સોફ્ટવેર વેચાય એ માટે સરકારના વિવિધ પ્રોગ્રામોમાં જરૂર હોય કે ના હોય તેનો ફરજીયાત ઉપયોગ કરવાના નિયમો બનાવે છે અને પોતાનો ધંધો ચાલે તે માટે પ્રજાને ધંધે લગાડે છે. એપ્લીકેશન જેટલી ડાઉનલોડ થાય અને જેટલી વપરાય તેટલો કંપનીને ફાયદો જ થાય અને સાથે સાથે નાગરિકોના ડેટા ભેગા થાય તેનો પાછો અલગ વેપાર થાય.

આ સરકાર આવી ત્યારે સુશાસન અને ભ્રષ્ટાચાર નાબૂદીની વાત કરતી હતી. હવે સુશાસન તો દૂર રહ્યું, ક્યાંય શાસન જેવું જ વર્તાતું નથી. સ્માર્ટ મોબાઈલના જમાનામાં ભ્રષ્ટાચાર પણ સ્માર્ટ થયો છે અને નેતાઓને આમાં ખબર પડે તેવી શક્યતા નહીંવત્ છે એટલે મોબાઈલ ખરીદતા જાવ, જુદી જુદી એપ ડાઉનલોડ કરતા જાવ અને દર વર્ષે કે.વાય.સી. કરાવતા જાવ. પછી સમય મળે તો તમારી રોજી રોટી વિષે વિચારો અને જીવનના બે છેડા ભેગા કરવામાંથી પરવારો તો દેશનું વિચારજો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top