Comments

ઈઝરાયેલ અમેરિકાના કાબૂ બહાર થતું જાય છે?

અમેરિકન પ્રમુખપદની રેસમાંથી બાઇડેન છેલ્લી ઘડીએ ખસી ગયા અને હવે ટ્રમ્પ સામે કમલા હેરિસ લડશે. અત્યારે તો કમલાજી જીતી જાય એવા અણસાર દેખાય છે. ટ્રમ્પ કાયમ ચર્ચામાં રહેતા હોય છે. તાજેતરમાં ટ્રમ્પે એટલાન્ટાની એક રેલીમાં રશિયાના પ્રમુખ પુતિનને શીતયુદ્ધ પછી યુએસ અને રશિયા વચ્ચેના સૌથી મોટા ‘કેદી વિનિમય’ બદલ અભિનંદન આપ્યા હતા. યુ.એસ., જર્મની, નોર્વે, સ્લોવેનિયા અને પોલેન્ડમાં રખાયેલા આઠ રશિયન કેદીઓના બદલામાં ૨૪ કેદીઓ, જેમાંના ૧૬ રશિયામાં પકડાયા હતા, તેમને સ્વદેશ લાવવામાં આવ્યા હતા.

હિલેરી ક્લિન્ટન, જે ૨૦૧૬માં પ્રમુખપદની ચૂંટણી માટે ડેમોક્રેટિક ઉમેદવાર હતા, તેમણે ટ્રમ્પ દ્વારા પુતિનની પ્રશંસા પર પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું: ‘અમેરિકનોને બંધક બનાવનાર ખૂની સરમુખત્યારનો પક્ષ લેવો એ દેશદ્રોહ છે.’પુતિન ૨૦૧૮માં જ્યારે રશિયાની પ્રમુખપદની ચૂંટણીમાં વિજયી થયા ત્યારે પણ ટ્રમ્પે તેમને સીધા અભિનંદન પાઠવ્યા હતા. એક અમેરિકન પ્રમુખ કપટ થકી ચૂંટણી જીતનાર સરમુખત્યારોને અભિનંદન આપીને મુક્ત વિશ્વનું નેતૃત્વ નથી કરી શકતા, એમ કહીને તે સમયે પણ ટ્રમ્પની ટીકા થઈ હતી.

રશિયાના યુક્રેન સાથેના યુદ્ધની જેમ જ ઈઝરાયેલ-હમાસનું યુદ્ધ પણ અટકવાનું નામ નથી લેતું. તાજેતરની ઘટનાઓ પર નજર નાખીએ તો એક વાત ઊડીને આંખે વળગે છે કે અમેરિકા અને ઇઝરાયેલ બે વચ્ચેના સંબંધોમાં અમેરિકા હવે સિનિયર પાર્ટનર નથી. ઇઝરાયલની સરકારે જ્યારે હમાસ મુદ્દે ચેલેન્જ ફેંકી ત્યારે અમેરિકાએ મૂક સંમતિનો માર્ગ અખત્યાર કર્યો હતો. ૨૦૨૩માં અમેરિકાના જાણીતા સ્કૉલર નોઆમ ચોમસ્કીને જ્યારે અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના સંબંધો બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, આ સંબંધોમાં બદલાવ આવી રહ્યો છે.

ઐતિહાસિક રીતે જોઈએ તો અમેરિકા ઇઝરાયલને કોઈ ચોક્કસ બાબત કરવાનું કહે તો ઇઝરાયલ એ કરતું આવ્યું છે. આ સંબંધોમાં બદલાવ એટલા માટે આવ્યો છે કે ઇઝરાયલના નેતાઓ હવે હિંમતપૂર્વક પોતાનો મત અમેરિકા સામે વ્યક્ત કરતા થયા છે. ઈઝરાયેલ સામે બાઇડેન એડમિનિસ્ટ્રેશન નબળું પડતું હોવાની વાત ઘણી વાર સામે આવી છે. એમાં કોઈ શંકા નથી કે ઇઝરાયલના મોટા ભાગના યુદ્ધ અંગેના આયોજન સાથે અમેરિકા જોડાયેલું છે. હમાસનો ખાતમો બોલાવવાનું લક્ષ્ય એમાંનો એક ભાગ છે.

ગાઝાપટ્ટીમાં ઇઝરાયલે જે હુમલો કર્યો તેમાં પણ અમેરિકા એક મૂક સાક્ષી બની રહ્યું છે. હવે એવા સ્પષ્ટ સંદેશા મળે છે કે ઇઝરાયલ અમેરિકન સરકાર દ્વારા યુદ્ધ સાથે જોડાયેલી બાબતે લેવામાં આવતા સ્ટેન્ડ કે અપાતી સલાહને ગાંઠતું નથી. રફાહ પર હુમલો ન કરવાની અમેરિકાની સલાહને પણ ઈઝરાયેલ ઘોળીને પી ગયું હતું. આ હુમલા અંગે અમેરિકન અધિકારીઓનો મત પણ હકારાત્મક નહોતો. આમ, છેલ્લા કેટલાક સમયની ઘટનાઓ જોઈએ તો ઇઝરાયલ અમેરિકાને ગાંઠતું નથી તે સ્પષ્ટ થતું જાય છે. આને કારણે અમેરિકન યુવાનોમાં પણ રોષની લાગણી પેદા થઈ છે અને જો આમ જ ચાલશે તો નવેમ્બરમાં વ્હાઇટ હાઉસ ઉપર ઇઝરાયલતરફી અથવા ઇઝરાયલ વિરુદ્ધ પ્રતિનિધિઓ કાબૂ જમાવશે.

એક બાજુ ટ્રમ્પ પુતીનની પ્રશંસા કરે છે, જ્યારે બીજી બાજુ ઇઝરાયલ દિવસે દિવસે પોતાને અમેરિકાની ચુંગાલમાંથી છોડાવી વધુ ને વધુ નિર્ણયો જાતે લેતું થયું છે અને પોતાની વાત અગાઉની જેમ આમન્યાનો જરાય અંતરપટ રાખ્યા વગર અમેરિકાને મોઢે પરખાવી દે, એ બધું જોતાં સમાપનમાં એવું કહી શકાય કે અમેરિકા નબળું પડી રહ્યું છે. ઇઝરાયલના સાર્વભૌમત્વ અને અમેરિકાના આત્મસન્માન માટે હવે આ બંને દેશો, ભલે બહાર ના દેખાય પણ અંદર અંદર તો પંજા લડાવતા થયા છે. ટ્રમ્પ ચૂંટાઈ આવે એવી શક્યતા તો નથી દેખાતી પણ એ જો ચૂંટાઈ આવશે તો રશિયા અમેરિકા સાથે નિકટતાના સંબંધો ધરાવતું થાય તો નવાઈ પામવા જેવું નહીં હોય.
ડૉ. જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top