Comments

શું ઉચ્ચ શિક્ષણમાં કોમન એડમિશન પોર્ટેલ કમાણીનો એક નવો સ્માર્ટ નુસખો છે?

નેતાઓ ધ્યાનમાં બેસે ત્યારે પ્રજાએ પોતાનું ધ્યાન જાતે જ રાખવું. નેતાઓનું ધ્યાન રાખવા અનેક સિક્યોરીટી હોય છે. પણ, પ્રજાનું ધ્યાન રાખવા કોઈ હોતું નથી. રાજકોટની ઘટનાએ આ સાબિત કર્યું છે. આપણે આ કોલમમાં વારંવાર લખ્યું છે કે મોરબી કાંડ, રાજકોટ દુર્ઘટના, આવી સામુહિક હત્યાકાંડ જેવી દુર્ઘટનાની આપણે થોડી પણ ચર્ચા કરીએ છીએ પણ શિક્ષણ, સમાજ, ન્યાય ,આરોગ્ય જેવાં સામુહિક સેવા ક્ષેત્રોમાં જે વ્યાપક અરાજકતા છે તેની ચિંતા કરતાં નથી. હકીકત તો એ છે કે આ સામુહિક હત્યાકાંડ જેવી દુર્ઘટનાઓએ વ્યાપક અરાજકતા અને બેજ્વાબદારીનું જ પરિણામ છે.

અત્યારે દેશમાં એક તરફ ચૂંટણીની ચર્ચા છે તો ગુજરાતમાં રાજકોટ કાંડની ચર્ચા છે. આ બધામાં કોલેજ કક્ષાએ પ્રવેશ મેળવવો હોય તો સેન્ટ્રલ એડમિશન પોર્તેલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને જ પ્રવેશ મેળવી શકાશે તેની તો કોઈ ચર્ચા કે ચિંતા જ કરતું નથી. વિપક્ષ માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને વિરોધ નોંધાવી સંતોષ માની રહ્યો છે અને હેરાન થઇ રહ્યાં છે ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવતાં વિદ્યાર્થીઓ અને તેમનાં મા બાપ.

આ વર્ષે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું છે કે ગુજરાતની કોઈ પણ ગ્રાન્ટેડ કોલેજમાં કોઈ પણ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવવા માંગતાં વિદ્યાર્થીએ સૌ પ્રથમ સરકાર દ્વારા નક્કી કરેલ કોમન રાજીસ્ટ્રેશન પોરટેલ પર નોંધણી કરાવવાની રહેશે. આહીજ તે યુનિવર્સિટી,કોલેજ અને કોર્સ પસંદ કરશે પછી જ તે જે તે કોલેજમાં એડમિશન મેળવશે. હા, આ નોંધણી પ્રક્રિયા માટે તેને રૂપિયા ત્રણસો ભરવાના થશે. કોલેજમાં ફી અંગે હજુ કાંઈ કહેવાયું નથી. આ જાહેરાતમાં ઘણા પ્રશ્નોના હજુ જવાબ મળ્યા નથી. જેમકે આ કોમન પોર્ટલમાં માત્ર ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોમાં પ્રવેશ મેળવનારાં વિદ્યાર્થીઓએ જ કેમ નોંધણી કરાવવાની? સેલ્ફ ફાઈનાન્સ યુનિવર્સિટીની કોલેજોમાં વિદ્યાર્થી સીધો જ પ્રવેશ મેળવે એવું કેમ? અહીં ત્રણસો રૂપિયા ભરવાના ,પછી કોલેજમાં પ્રવેશ ફોર્મના અને પ્રવેશ ફીના તો જુદા ભરવાના જ આવું કેમ?

શિક્ષણ વિભાગના આ ફરમાનના કારણે ગુજરાતનાં ગામડાંનાં વિદ્યાર્થીઓ આ કોમન પોર્ટેલ પર બધી વિગત અને ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે સાયબર કાફેમાં ત્રણસો રૂપિયા ફી ઉપરાંત બસોથી પાંચસો રૂપિયા ચાર્જ ચૂકવી રહ્યા છે.
ગત વર્ષથી દેશમાં જે નવી શિક્ષણ નીતિ લાગુ થઇ છે. તેમાં ABC એટલે કે એકેડેમિક બેંક ઓફ ક્રેડીટમાં નોંધણીનો નિયમ છે. પણ રાજ્યવાર કોમન પર્ટલમાં રજીસ્ટ્રેશનનો નિયમ નથી. આ ગુજરાતના અધિકારીઓને સૂઝેલો તુક્કો છે. વચ્ચે પણ શિક્ષણ વિભાગના એક અધિકારીએ આવો જ તુક્કો અમલમાં મૂકેલો.

સેન્ટ્રલ મેરીટ મુજબ એડમિશન આપવાનો એટલે કે મેડીકલ અને એન્જિનિયરીંગની જેમ આર્ટસ કોમર્સ કોલેજોમાં પણ રાજ્ય સ્તરે મેરીટ બનાવી એડમિશન આપવાનું દક્ષિણ ગુજરાતનો વિદ્યાર્થી પાટણ યુનિવર્સિટીમાં ભણવા જાય ધાંગધ્રાનો સુરતમાં એડમિશન મેળવે ત્યારે પણ સૌ ચૂપ રહ્યા હતા અને ત્યારે પણ સમય જતાં આ અદ્ભૂત યોજના પડતી મુકાઈ હતી. હેરાન માત્ર એ વાલી અને વિદ્યાર્થીઓ થયાં, જેઓ પ્રથમ તબક્કામાં સરકારના નિયમને અનુસર્યા ! એટલે જાણકારો તો આજે પણ એમ જ કહે છે કે આ શરૂઆતના દિવસોમાં બધું ચાલશે, પછી જુલાઈ આવતાં આવતાં તો સરકાર કોલેજો ને જ સોંપી દેશે કે જાતે જ એડમિશન આપી દો. કોલેજ લેવલે જ કોમન પોર્ટલમાં રજીસ્ટ્રેશન પણ થઇ જશે.

સરકારનો ઈરાદો માત્ર વિદ્યાર્થીઓની માહિતી એકત્ર કરવાનો જ હોય તો તો સરકારે કોલેજોને જ સૂચના આપી હોત કે તમારી કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીની માહિતી રોજે રોજ સરકારને મોકલી આપો. આવા અલગ પર્ટેલમાં નોંધણી કરીને પાછી કોલેજમાં જવાની વહીવટી લાંબી ગૂંચ ઊભી ના કરી હોત. લાગે છે ગુજરાતમાં હવે સોફ્ટવેરનો વહીવટી લેવલે ધંધો શરૂ થયો છે. સરકારમાં બેઠેલા જવાબદાર નેતાઓએ હવે જાગવું પડશે. સોફ્ટવેર વેચતી અને ચલાવતી કંપનીના માલિકો અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને સરકારી તંત્રમાં ઓનલાઈન નોંધણી, પીન નંબર , મોબાઈલ એપ દ્વારા કામગીરી જેવી યોજનાઓ મંજૂર કરાવવા લાગ્યા છે.

પ્રથમ નજરે આ આધુનિકીકરણ લાગે, મોર્ડન વહીવટ લાગે, પણ પાછલા બારણે આ વહીવટનું ખાનગીકરણ, વ્યક્તિગત ડેટાનો વેપાર અને સોફ્ટવેરનો ધંધો છે. સ્માર્ટ મીટર હોય, ફાસ્ટ ટેગ હોય કે ઓનલાઈન પોર્ટેલમાં નોંધણી હોય, બધામાં મૂળ તો કોઈ કંપનીને સીધો નાણાંલાભ હોય છે. શું આ નવા જમાનાના ભ્રષ્ટાચારનું સ્માર્ત સ્વરૂપ છે. લાગે છે નેતાઓ અધિકારીઓના ભ્રષ્ટાચારને ઓળખી શકે એટલા તો શિક્ષિત હોવા જ જોઈશે. નહીં તો દરેક વિકાસના મોડલમાં ક્યાંક ને ક્યાંક કંપનીઓને ફાયદો જ હશે. રાજકોટ કાંડમાં ચમકેલી સરકાર વહેલી તકે શિક્ષણની નિસ્બત ધરાવતાં લોકો સાથે બેસી શિક્ષણના ધંધામાં રોકડી કરવા નીકળેલા લોકોને અટકાવે તે જરૂરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top