વર્ષ ૨૦૨૦ની શરૂઆતમાં કોવિડ-૧૯નો વૈશ્વિક રોગચાળો શરૂ થયો ત્યારથી વિશ્વની આર્થિક, લશ્કરી મહાસત્તા ગણાતા અમેરિકાના અર્થતંત્રની માઠી દશા બેઠી છે જેનો હજી પુરો અંત આવતો નથી. કોવિડનો રોગચાળો સૌથી વધુ અસર અમેરિકાને જ કરી ગયો. સૌથી વધુ કેસો અને સૌથી વધુ મૃત્યુઓ અમેરિકામાં થયા. તે સમયે અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પના શાસન હેઠળ હતું અને અમેરિકાએ કડક લૉકડાઉન અમલમાં મૂક્યો ન હતો, આને કારણે તેની આર્થિક પ્રવૃતિઓ બહુ મોટા પાયે તો ખોરવાઇ નહીં, પરંતુ રોગચાળામાં ઉછાળો આવવા પછી જે ઢગલેબંધ રોગના કેસો થયા અને મોટા પાયે મૃત્યુઓ થવા માંડ્યા અને જે હાહાકાર મચ્યો તેના કારણે તેના અર્થતંત્રને મોટા આંચકાઓ લાગ્યા.
અમેરિકામાં રોગચાળાને કારણે સપ્લાય ચેઇન વ્યાપકપણે ખોરવાઇ અને તેની ઘણી માઠી અસર અર્થતંત્ર પર થઇ. ચીજવસ્તુઓની તંગીને કારણે ફુગાવો વધવા માંડ્યો. અને હજી તો રોગચાળો પુરો શમ્યો ન હતો કે ૨૦૨૨ના ફેબ્રુઆરીમાં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થઇ ગયું. આ યુદ્ધને કારણે અનેક ચીજવસ્તુઓના પુરવઠા પર ભારે અસર થઇ અને પશ્ચિમી દેશોમાં મોંઘવારી ખૂબ વધી. અમેરિકામાં પણ ફરી એકવાર ફુગાવો ફુંફાડા મારવા માંડ્યો. આ ફુગાવાને નાથવા માટે અમેરિકાની મધ્યસ્થ બેંક ગણાતા ફેડરલ રિઝર્વે ઉપરા છાપરી તેના વ્યાજદરમાં વધારા કર્યે રાખ્યા. અમેરિકામાં સ્થિતિ કેટલી હદે બગડી છે તેનો સંકેત આપતો એક અહેવાલ હાલમાં બહાર આવ્યો છે જે મુજબ આ વર્ષે અત્યાર સુધીમાં ૪૫૯ અમેરિકન કંપનીઓએ નાદારી માટેની અરજી નોંધાવી છે અને તે ૨૦૨૦ પછીનો સૌથી મોટો આંકડો છે અને આમાંથી ૧૬ કંપનીઓની મિલકતો તો ૧ અબજ ડોલર કરતા વધારે છે. આવી મોટા પાયાની નાદારીઓની વિનાશક અસરની ચેતવણી અર્થશાસ્ત્રીઓએ આપી છે.
આ વર્ષે જે અમેરિકન કંપનીઓએ નાદારી માટે ચેપ્ટર-૧૧ નાદારી માટે અરજી કરી છે તેમાં બેડ બાથ એન્ડ બિયોન્ડ, વિશાળ ટ્રકિંગ કંપની યલો અને વેડિંગ રિટેઇલર ડેવિડ્સ બ્રાઇડલ જેવી મહાકાય કંપનીઓનો પણ સમાવેશ થાય છે. વ્યાપક ફુગાવો, ઉંચા દરો અને સપ્લાય ચેઇન ખોરવાવાને કારણે આ કંપનીઓના ધંધા પર અસર થઇ હોવાનું માનવામાં આવે છે. આ વર્ષે અત્યાર સુધીમાં જ ૪૫૯ કંપનીઓને નાદારી માટે અરજી નોંધાવી દીધી છે જે આંક ૨૦૨૨ના અને ૨૦૨૧ના આખા વર્ષના કુલ આંકડાઓને વટાવી ગયો છે.
૨૦૨૨ના વર્ષમાં નાદારી માટેની અરજીઓનો આંકડો ૩૭૩ અને ૨૦૨૧માં ૪૦૮ હતો એ મુજબ સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ ગ્લોબલ ફીગર્સ દ્વાર અંદરની હકીકતોથી વાકેફ એક સૂત્રને ટાંકીને જણાવવામાં આવ્યું હતું. અને આમાં વધુ ચિંતાજનક બાબત તો એ છે કે જે કંપનીઓને નાદારી માટે અરજી કરી છે તેમાંથી ૧૬ કંપનીઓ તો એવી છે કે જેમની મિલકતો એક અબજ ડોલર કરતા વધારે છે, એટલે કે તેઓ મોટી કંપનીઓ છે અને આવી મોટી કંપનીઓનો આટલો આંક તો વર્ષના પ્રથમ અર્ધ ભાગમાં જ થઇ ગયો હતો. અમેરિકામાં આ વર્ષની સૌથી મોટી નાદારી કદાચ એસવીબી ફાયનાન્શ્યલ ગ્રુપની હતી જે સિલિકોન વેલી બેન્કની પેરન્ટ કંપની છે જેની પાસે નાદારીની અરજી વખતે ૧૭પ.૪ અબજ ડોલરની ગ્રાહક થાપણો હતી.
અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે કંપનીઓ આ રીતે મોટા પાયે પડી ભાંગવાની વિનાશક અસરો અર્થતંત્ર પર થશે. ઉદાહરણ તરીકે, વિશાળ ટ્રકિંગ કંપની યલો પડી ભાંગવાની અસર ડોમેસ્ટિક શીપિંગથી માંડીને રિઅલ એસ્ટેટ માર્કેટ અને વૉલ સ્ટ્રીટ સુધી થઇ છે. અને આવી નાદારીઓ સાથે શેર બજારમાં નબળાઇ અને ક્રેડિટ કાર્ડના દેવાઓ ચુકવવામાં નિષ્ફળતાઓએ એવો ભય ઉભો કર્યો છે કે અમેરિકા મંદી તરફ ધસી રહ્યું છે.
અમેરિકામાં ફેડરલ રિઝર્વે જે સતત દર વધારાઓ કર્યે રાખ્યા છે તેના કારણે ધિરાણ ઘણુ મોંઘુ થયું છે. બજારમાં તરલતા ઘટાડવા દર વધારાઓ કરવામાં આવ્યા છે પરંતુ ધિરાણ મોંઘુ થતા ધંધાઓ પર અસર થઇ છે અને તેથી હવે સસ્તા ધિરાણ માટેની માગણીઓ શરૂ થઇ ગઇ છે. જાણકારોના મત પ્રમાણે જ્યારે આવી સસ્તા ધિરાણો માટેની હાકલો શરૂ થાય તે પણ મંદી આવી રહી હોવાનો એક સંકેત છે. જો કે નોકરીઓની બાબતમાં અમેરિકામાં સ્થિતિ સુધરી હોવાનું કહેવાય છે પરંતુ જે રીતે કંપનીઓ કે ધંધાઓ બંધ થઇ રહ્યા છે તે જોતા આ બાબતમાં પણ ફરીથી સ્થિતિ બગડી શકે છે. તેમાં વળી, મધ્ય પૂર્વનો તનાવ સ્થિતિને વધુ બગાડી શકે છે. અમેરિકા મંદી તરફ આગળ વધી રહ્યું જ છે એમ ચોક્કસ કહી શકાય નથી તો તે મંદી તરફ આગળ વધતું હોવાની શક્યતા હાલ નકારી પણ શકાય તેમ નથી એવી સ્થિતિ હાલ પ્રવર્તી રહી છે.