Charchapatra

શું ખાદ્ય પદાર્થોના પેકેજ ઉપર પણ ચેતવણી જરૂરી છે?

જે રીતે સિગારેટના પેકેજ ઉપર ચેતવણી હોય છે કે ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ‘, તે મુજબ કુકીઝ, કેચપ, પીણાં , સીરીયલ ,ચિપ્સ , નાસ્તાના તૈયાર પેકેટ, જંક ફૂડ , પ્રોસેસ્ડ ફુડ જેવી ખાદ્ય સામગ્રી જેમાં જરૂરી માત્રા કરતાં ખૂબ જ પ્રમાણમાં મીઠું, ખાંડ, કેલરી , સંતૃપ્ત ચરબી તથા સોડિયમનું પ્રમાણ હોય છે જે અંગે ચેતવણી દર્શાવતાં લેબલ શું જરૂરી છે? આ બધાં જ ઘટકો બાળકો માટે તથા બધા જ માટે સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ હાનિકારક છે.

જેનાથી સ્થૂળતા, મેદસ્વિતા , ડાયાબિટીસ , હૃદયની બીમારી જેવી ઘણી બીમારીઓના આપણે  લાંબે ગાળે શિકાર બનીએ છીએ. આ નિયમ કદાચ આપણે કોરોનાની રસીની આડઅસરથી પણ બચાવી શકે છે. હાલના તબક્કે દરેક પેકેજ ઉપર અંદર રહેલા ખાદ્ય પદાર્થનાં તમામ ઘટકોનું પ્રમાણ લખેલું હોય જ છે પરંતુ તે નાના અક્ષરમાં હોય છે ,જેના ઉપર કોઈનું ધ્યાન જતું નથી. ફુડ એન્ડ ડ્રગ એડમિનીસ્ટ્રેશને અમેરિકામાં લોકોને ખાવાની ટેવ બદલવા નવો કાયદો લાવવાનું વિચારે છે.

દરેક પેકેટ ઉપર લાલ ,પીળો અને લીલા રંગના લેબલ ( જો જરૂર કરતાં વધારે હોય , નુકસાનકર્તા ઘટકો પ્રમાણે ) દર્શાવવા ફરજિયાત બનાવવાનું વિચારે છે. જેમાં જેટલા પ્રમાણમાં સોડિયમ, મીઠું , કેલરી કે સંતૃપ્ત ચરબીનું પ્રમાણ નુકસાનકર્તા હોય તે પ્રમાણે તે કલરનું લેબલ બતાવવું જરૂરી છે. ચીલી અને મેક્સિકો તથા અન્ય દેશોમાં ‘ થોભો ‘ની નિશાનીઓવાળા અષ્ટકોણ આકારના લેબલ પેકેટની સામેની બાજુ જ દર્શાવવાં જરૂરી છે. જેમાં જે ઘટક જરૂર કરતાં વધારે પ્રમાણમાં હોય, નુકસાનકર્તા હોય તે લખવું ફરજિયાત છે.

આ પ્રકારના લેબલથી લોકો સહેલાઈથી જાણી શકશે કે આ પેકેજમાં વધારે પડતાં નુકસાનકારક ઘટકોનું પ્રમાણ છે. અમેરિકામાં વર્ષ ૨૦૨૨ માં ફુડ એન્ડ ડ્રગ એડમિનીસ્ટ્રેશને એક સર્વે કર્યો હતો જેમાં સુપ , નાસ્તાના પેકેજ વગેરે ઉપર  સામેની બાજુ ઉપર ,મુખ્ય બાજુ ઉપર જ નુકસાનકર્તા ઘટક દર્શાવતાં લેબલ લગાડવામાં આવેલ હતાં કે જેથી લોકોનું ધ્યાન તે લેબલ પર કેન્દ્રિત થાય. અંતે સર્વેમાં એવું તારણ નીકળ્યું કે આ લેબલ નજરની સામે જ દેખાય તેવાં હતાં તેથી લોકોએ આ પ્રકારના પેકેટ લેવાનું ટાળ્યું હતું અને તંદુરસ્ત વસ્તુ ખાવાની પ્રણાલી શરૂ થઈ હતી.

ફ્રાન્સ, યુકે તથા ઓસ્ટ્રેલિયામાં  પણ આ પ્રકારના પ્રયોગ શરૂ કરવામાં આવ્યા છે. સામેની બાજુ ઉપર જ આ પ્રકારના અષ્ટકોણ લેબલ લગાડવાથી લોકોને એ ખાદ્ય પદાર્થ સ્વાસ્થ્યની દૃષ્ટિએ કેટલો નુકસાનકારક છે તે તરત જ ખબર પડે છે. એને લોકો માનસિક રીતે જ તેને ખરીદવાનું ઓછું કરી દે છે. મેક્સિકોમાં એક પ્રકારના બિસ્કિટ ઉપર ચાર નુકસાનકર્તા ઘટકો માટે ચાર અષ્ટકોણ આકારનાં લેબલ હતાં, જે એમ દર્શાવતાં હતાં કે આમાં સોડિયમ,  ખાંડ , કેલરી તથા સંતૃપ્ત ચરબીનું પ્રમાણ ખૂબ જ વધારે છે. આ અષ્ટકોણના લેબલના કાયદાને અમેરિકાએ પણ એનો ટેકો જાહેર કરેલ છે. આ પ્રકારના ચેતવણી દર્શાવતા લેબલને કારણે લોકોએ આ પ્રકારના તમામ ખાદ્ય પદાર્થો લેવાનું ઓછું કરી દીધું છે. આ પ્રકારના ચેતવણી દર્શાવતા લેબલને કારણે મેક્સિકોમાં ઘણી કંપનીઓએ તેના ખાદ્યપદાર્થોમાં આ ઘટકો જેવાં કે સોડિયમ, મીઠું,  ખાંડ , કેલેરીનું પ્રમાણ ઓછું કરવાનું શરૂ કરી દીધું છે . જે આખરે સમાજને માટે ફાયદાકારક જ છે. ભારતમાં પણ આ પ્રકારનો કાયદો લાવવો જરૂરી છે કે દરેક ખાદ્ય પદાર્થ કે પીણા તેના પેકેટની ઉપર તેની સામેની બાજુએ જ જેટલા ઘટકનું પ્રમાણ વધારે હોય,  નુકસાનકર્તા હોય એટલા અષ્ટકોણના આકારના લેબલમાં જે તે ઘટક વધારે પ્રમાણમાં છે તે દર્શાવવું જરૂરી કરવું જોઈએ. લોકોમાં તથા બાળકોમાં આ પ્રકારનાં લેબલ ધ્યાન કેન્દ્રિત કરશે, સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવશે તો તો એ પ્રકારના પેકેટ ખરીદવાનું ઓછું કરશે જે કારણે વેચાણ ઘટશે અને કંપનીઓ પણ પોતાના ખાદ્ય પદાર્થોને સ્વાસ્થ્યપ્રદ બનાવવાની ફરજ પડશે અને આ પ્રકારનાં ઘટકો વાપરવાનું ઓછું કરશે, જે સરવાળે આપણે સૌને માટે લાભકારક ,સ્વાસ્થ્યપ્રદ રહેશે અને લોકો સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની શરૂઆત કરશે. હાલમાં ચાલી રહેલા કોરોનાની રસીની આડઅસરને ડામવા અંગે જો ભારત સરકાર આ પગલાં લેશે કદાચ ઘણા ફાયદાકારક સાબિત થઈ શકશે.
અમેરિકા – ડૉ ચંદ્રેશ જરદોશ

Most Popular

To Top