કામરેજ : સુરત જિલ્લામાંથી પસાર થતી સૂર્યપુત્રી તાપી નદી પર નેશનલ હાઈવે નંબર 48 પર કામરેજ તાલુકા ખોલવડ-આંબોલી ગામ વચ્ચે તાપી નદીના પુલ પર બનાવવામાં આવેલો બ્રિજ વાહન ચાલકો માટે માથાનો દુખાવો તેમજ જોખમી સાબિત થઈ રહ્યો છે.
- ખોલવડ-આંબોલી ગામ વચ્ચેનો તાપી નદીનો પુલ વાહન ચાલકો માટે માથાનો દુખાવો તેમજ જોખમી
- બ્રિજની વચ્ચે બે સ્પાનની વચ્ચે મુકવામાં આવેલી લોખંડની વારંવાર ખસી જતી પ્લેટ
નદી પર બનાવવામાં આવેલા બ્રિજની વચ્ચે બે સ્પાનની વચ્ચે મુકવામાં આવેલી લોખંડની પ્લેટ વારંવાર ખસી જવાની તેમજ તુટી જવાની ઘટના બન્યા કરે છે. જેને લઈને હમણાં થોડા દિવસ અગાઉ જ કામરેજ ધારાસભ્ય એવા શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા સ્થળ મુલાકાત કરી નવી પ્લેટ મુકવામાં આવી હતી. પરંતુ બે સ્પાન વચ્ચેની જગ્યા વધુ હોવાથી પ્લેટ વારંવાર ખસી જવાથી વાહન ચાલકોના માથે ભય તોળાઈ રહ્યો છે. આ તાપી નદીના બ્રિજ પર 24 કલાકમાં નાના મોટા 50000 થી વધુ વાહનોની અવર જવર રહે છે.
આ બાબતે કામરેજ તાલુકાના કોગ્રેંસ પ્રમુખ ભગવાન ભોકળવા (ભરવાડ)એ જણાવ્યું હતુ કે છેલ્લા બે થી ત્રણ વર્ષથી તાપી નદીના પુલ બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. રજૂઆત કરે ત્યારે લોખંડની પ્લેટને વેલ્ડિંગ મારી ડામર પાથરી દેવામાં આવે છે. થોડા દિવસ અગાઉ કામરેજના ધારાસભ્યએ સ્થળ મુલાકાત લીધી હતી અને રૂપિયા 25 લાખની પ્લેટ મારી દેવામાં આવી છે. પણ પરિસ્થિતિ હજી પણ સારી નથી. તેમણે જણાવ્યું હતુ કે ખાલી સ્થળ મુલાકાત લેવાથી કઈ જ થવાનું નથી. કોઈ જાનહાનિ થાય કે મોતનું તાંડવ થાય એની રાહ જોઈ રહ્યા છે. કાયમી નિકાલ કરવો જોઈએ.