ગયા વર્ષે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી અલવિદા કહેનાર ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર ઇરફાન પઠાણ કોચિંગની દુનિયામાં પગ મૂકવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે તાજેતરમાં જ નેશનલ ક્રિકેટ એકેડમી અને બીસીસીઆઇ દ્વારા આયોજિત 8 દિવસનો લેવલ 2 હાઇબ્રિડ કૉચ કૉર્સ પૂર્ણ કર્યો છે.
જમ્મુ-કાશ્મીરના મેંટર રહી ચૂકેલા પઠાણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી અને આ માટે એનસીબી પ્રમુખ રાહુલ દ્રવિડનો આભાર પણ માન્યો હતો. પઠાણે એક ફોટો પણ શેર કર્યો હતો.ફોટામાં તેમના સિવાય યુસુફ પઠાણ, નમન ઓઝા, અભિષેક નય્યર, અશોક ડિંડા, વીઆરવી સિંહ અને પરવેઝ રસૂલ સહિત ઘણા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો જોવા મળે છે.
એનસીએના પ્રમુખ રાહુલ દ્રવિડ સહિતના બાકીના સભ્યોને તાલીમ દરમિયાન માર્ગદર્શન આપવા બદલ તેમનો આભાર વ્યક્ત કરતાં પઠાણે કહ્યું કે, મારા ચાહકો સાથે શેર કરવા માટે ઉત્સાહિત છું કે મેં એનસીએ બીસીસીઆઈનો લેવલ 2 હાઇબ્રિડ કૉર્સ પૂર્ણ કર્યો છે. મને અને તમામ ખેલાડીઓને 8 દિવસની ઉત્તમ તાલીમ આપવા બદલ હું રાહુલ ભાઈ અને અન્ય સભ્યોનો આભાર માનું છું.