Comments

ઈરાનનો સંઘર્ષ: અમેરિકા અને ઈઝરાયેલ માટે આ લડાઈ સરળ નથી

યુએસ અને ઈઝરાયેલી દળોએ ૨૮ ફેબ્રુઆરીની સવારે ઈરાની નેતૃત્વ અને સૈન્ય સ્થળોને નિશાન બનાવીને સંકલિત હુમલા શરૂ કર્યા હતા. જોકે, આયાતુલ્લાહ અલી ખામેનીના મૃત્યુ પછી પણ ઈરાને શરણાગતિના કોઈ સંકેત દર્શાવ્યા નથી. તે તેના વળતા હુમલાઓ કરવામાં અવિરત વ્યસ્ત છે, જેનાથી સમગ્ર મધ્ય પૂર્વમાં આગ ફેલાઈ છે. ઈરાન એવું છે જે પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યું છે, જેનો અર્થ છે કે, સંઘર્ષમાં તેની પાસે ઘણા મોટા દાવ છે અને પરિણામે જ્યાં સુધી યુએસ પીછેહઠ ન કરે ત્યાં સુધી હુમલા ચાલુ રાખવા માટે તેની પાસે વધુ તકો છે. ટ્રમ્પ અને ઈઝરાયેલ દ્વારા ઇચ્છિત સત્તાપલટો થયો નથી. એક વરિષ્ઠ મૌલવી આયાતુલ્લાહ આરાફીને વચગાળાના સુપ્રીમ લીડર તરીકે નામિત કરવામાં આવ્યા છે.

ઉદાહરણ તરીકે, જૂન ૨૦૨૫માં ૧૨-દિવસીય યુદ્ધ દરમિયાન, યુએસ અને ઈઝરાયેલી બોમ્બ ધડાકાઓમાં જનરલો અને વૈજ્ઞાનિકો માર્યા ગયા હતા, છતાં ઈરાને તેની ક્ષમતાઓ ફરીથી બનાવી અને પ્રોક્સી પ્રવૃત્તિઓ ચાલુ રાખી. ડિસેમ્બર ૨૦૨૫માં ઈરાનમાં આયાતુલ્લાહ શાસન વિરુદ્ધ જીવલેણ વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. ઈઝરાયેલનું માનવું હતું કે, શાસન અશાંતિ પર કડક કાર્યવાહી કરીને તેના નિયંત્રણને મજબૂત કરી રહ્યું છે. ટ્રમ્પનું માનવું હતું કે, વિરોધ પ્રદર્શનો વધીને સિસ્ટમને ઉથલાવી દેશે. અત્યારે પણ ખામેની ગયા પછી શાસનની બહાર કોઈ સ્પષ્ટ ઉત્તરાધિકારી નથી. મૌલવી શાસન સામે ઊંડો રોષ છે.

શું એવું છે કે ઈરાની લોકોએ જોયું છે કે, યુએસના હસ્તક્ષેપ પછી તેમના પડોશમાં શું થયું છે અને તેઓ સમજે છે કે સરકાર ન હોવા કરતાં સરમુખત્યારશાહી સરકાર વધુ સારી છે? અત્યાર સુધી યુએસ અને ઈઝરાયેલના સંયુક્ત હુમલાઓમાં શંકાસ્પદ પરમાણુ સ્થળોને નિશાન બનાવવા ઉપરાંત, ટોચના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) કમાન્ડરો, આર્મી ચીફ ઓફ સ્ટાફ, અબ્દુલ રહીમ મુસવી અને સંરક્ષણ પ્રધાન અઝીઝ નાસીરઝાદે માર્યા ગયા છે. ઈરાને ઈઝરાયેલી શહેરો અને ગલ્ફ ક્ષેત્રમાં ૧૪ યુએસ બેઝ પર મિસાઇલનો મારો ચલાવીને તીવ્ર વળતો જવાબ આપ્યો છે. હવે એવું લાગે છે કે આ યુદ્ધ મહિનાઓ, કદાચ વર્ષો સુધી ખેંચાશે.

ઘણા નિરીક્ષકોએ ઈરાની પરિસ્થિતિની તુલના ૨૦૦૦ના દાયકાની શરૂઆતના ઈરાક સંઘર્ષ સાથે કરી છે. સિવાય કે ઈરાનનું માળખું અને મજબૂતી તેને તે સમયના ઈરાકથી ખૂબ અલગ બનાવે છે. આપણે યાદ રાખવું જોઈએ કે, ઈરાન એક પ્રાચીન સંસ્કૃતિ છે. તેણે ભૂતકાળમાં ઘણા ઘેરાબંધી અને વિરોધ પ્રદર્શનો સહન કર્યા છે અને ઐતિહાસિક રીતે ઘૂંટણિયે પડવાનો ઇનકાર કર્યો છે. ભારતને શું ચિંતા છે? સંભવિત કટોકટીના કિસ્સામાં ભારત તેના તેલ ભંડારની ગણતરી કરી રહ્યું છે.

ઈરાનના સરકારી મીડિયાએ જણાવ્યું છે કે, તેણે હોર્મુઝની સામુદ્રધુની બંધ કરી દીધી છે, જે વૈશ્વિક તેલ અને ગેસ પુરવઠાના પાંચમા ભાગ માટેનું પરિવહન બિંદુ છે. મોટી વૈશ્વિક શિપિંગ લાઇનોએ જળમાર્ગ દ્વારા પરિવહન સ્થગિત કરી દીધું છે, અને રવિવારે ઓમાન નજીકથી પસાર થતા એક ઓઇલ ટેન્કર પર મિસાઇલ હુમલો થયો. ભારતની લગભગ ૫૦% ક્રૂડ આયાત – દરરોજ લગભગ ૨.૬ મિલિયન બેરલ – હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થાય છે.

કોઈપણ વિક્ષેપ આયાત બિલમાં વધારો કરી શકે છે, મોંઘવારીમાં વધારો કરી શકે છે, ચાલુ ખાતાની ખાધને વધારી શકે છે અને કેટલાક ક્ષેત્રોમાં માર્જિન પર દબાણ લાવી શકે છે. જોકે, અધિકારીઓનું કહેવું છે કે, ભારતને આ બંધ થવાથી તેલ પુરવઠામાં કોઈ નજીકના ગાળામાં વિક્ષેપ આવવાની શક્યતા નથી. ફેબ્રુઆરીની શરૂઆતમાં તેલ મંત્રી હરદીપ સિંહ પુરીએ રાજ્યસભાને જણાવ્યું હતું કે, ભારતનો વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર કોઈપણ વૈશ્વિક ઊથલપાથલથી ઉદ્ભવતી માંગને પહોંચી વળવા માટે ૭૪ દિવસ સુધી ટકી શકે છે.

જો યુએસ, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહે છે તો ‘ભારતે ક્રૂડ ઓઇલના વધતા ભાવના દબાણને ઘટાડવા માટે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત વધારવી જોઈએ.’ જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 1 યુએસ ડૉલર વધે છે તો ભારતનો તેલ આયાત ખર્ચ 1.4 અબજ યુએસ ડૉલર વધી શકે છે. ગેસના ભાવમાં પણ વધારો થશે. કારણ કે, ભારત તેની ગેસની જરૂરિયાતના આશરે ૫૦% આયાત કરે છે. ભારત યુએસને સમજાવવાનો પ્રયાસ કરી શકે છે કે, યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ભારત તેની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા રશિયા પાસેથી વધુ ક્રૂડ ઓઇલ આયાત કરવા માટે મજબૂર બન્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top