ઇઝરાયલી સંરક્ષણ દળ (IDF) એ મંગળવારે (17 માર્ચ, 2026) ઇરાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ અલી લારીજાની અને બાસીજ ફોર્સ કમાન્ડર ગુલામ રેઝા સુલેમાનીને નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો હતો. IDF એ સુલેમાનીના મૃત્યુની પુષ્ટિ કરી હતી પરંતુ હજુ સુધી સ્પષ્ટ નથી કે ઇરાનના સત્તાના ટોચના વ્યક્તિ લારીજાની હુમલામાં માર્યા ગયા છે કે ઘાયલ થયા છે.
લારીજાની આયાતુલ્લા અલી ખામેનીના નજીકના સહયોગી હતા
ઇઝરાયલી સંરક્ષણ પ્રધાન કાત્ઝે દાવો કર્યો હતો કે લારીજાની IDF હુમલામાં માર્યા ગયા છે. લારીજાનીના કાર્યાલયે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં પ્રેસને સંબોધિત કરશે. ઇઝરાયલી અને યુએસ હુમલામાં આયાતુલ્લા અલી ખામેનીના મૃત્યુ પછી અલી લારીજાની ઇરાનના સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાંના એક તરીકે જાણીતા હતા. લારીજાની આયાતુલ્લા અલી ખામેનીના નજીકના સહયોગી હતા.
મંગળવારે ઈરાનના રાજ્ય મીડિયાએ લારીજાનીને ટાંકીને એક નિવેદન બહાર પાડ્યું, જેમાં ઈરાની સુરક્ષા વડાએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ટીકા કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 47 વર્ષ પહેલાં ઈરાનની ઇસ્લામિક ક્રાંતિમાં લોકોના વિજયની પૂર્વસંધ્યાએ પહલવી શાસનના વડા પ્રધાને દાવો કર્યો હતો કે રસ્તાઓ પર ભીડના નારા વાસ્તવિક નહીં પરંતુ ટેપ રેકોર્ડિંગ હતા. હવે ટ્રમ્પ દાવો કરે છે કે ઈરાની શહેરોમાં લાખોની સંખ્યામાં એકઠા થઈ રહેલા અમેરિકા વિરોધી અને ઇઝરાયલ વિરોધી વિરોધ એઆઈ છબીઓ છે.
જ્યારે ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર હુમલો કરવાનું શરૂ કર્યું ત્યારે લારીજાનીએ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો તરફથી સમર્થન ન મળવા પર નિરાશા વ્યક્ત કરી. તેમણે સોમવારે (16 માર્ચ, 2026) કહ્યું, “અમેરિકા અને ઇઝરાયલે વાટાઘાટો દરમિયાન વિશ્વાસઘાતથી ઈરાન પર હુમલો કર્યો. તેમનો હેતુ ઈરાનનો નાશ કરવાનો હતો. આ હુમલામાં ઇસ્લામિક ક્રાંતિના મહાન નેતા અને ઘણા નાગરિક અને લશ્કરી કમાન્ડર શહીદ થયા.”