ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે. ઈરાને બુધવારે હાઇપર સોનિક ફતાહ-૧ મિસાઇલોથી ઇઝરાયલ પર હુમલો કરવાનો દાવો કર્યો છે. ઈઝરાયેલ પાસે ઈરાનના ફતાહ-૧ મિસાઈલનો કોઈ જવાબ હોય તેવું લાગતું નથી. આ પહેલી વાર છે જ્યારે ઇઝરાયલ સાથેના યુદ્ધમાં ઇરાને પોતાની ઘાતક મિસાઇલ ફતાહ-૧નો ઉપયોગ કર્યો છે. આ સાથે ઈરાની દળોએ ઇઝરાયલમાં તેમના કબજા હેઠળના વિસ્તારોના આકાશ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું હોવાનો દાવો કર્યો છે. હાઇપર સોનિક મિસાઇલો અત્યાધુનિક શસ્ત્રો છે, જે પૃથ્વીના વાતાવરણમાં ખૂબ જ વધુ ઝડપે ઊડે છે અને હુમલો કરે છે. તેમની ગતિ અવાજની ગતિ કરતાં પાંચ ગણી એટલે કે ૬,૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હોઈ શકે છે. આ મિસાઇલો ઉડાન દરમિયાન તેમની દિશા પણ બદલી શકે છે, જેને કારણે તેમને ટ્રેક કરવી ખૂબ મુશ્કેલ છે.
ફતાહ-૧ મિસાઈલ ૧૨ મીટર લાંબી છે અને તે ૧,૪૦૦ કિલોમીટર સુધી પ્રહાર કરી શકે છે. તે મધ્યમ અંતરની મિસાઈલ છે. આ મિસાઈલ ઘન બળતણ પર ચાલે છે. એક વાર તેને ફાયર કરવામાં આવે પછી તે અચૂક તેના લક્ષ્યને હિટ કરે છે. તેમાં ૨૦૦ કિલોગ્રામ વિસ્ફોટકો લોડ કરી શકાય છે. ફતાહ-૧ મિસાઇલ હાઇપર સોનિક ગ્લાઇડ વ્હીકલ (HGV) વોરહેડનો ઉપયોગ કરે છે, જે દુશ્મનની સંરક્ષણ પ્રણાલીઓને ટાળવા માટે રચાયેલ છે. એવો દાવો કરવામાં આવે છે કે ફતાહ મિસાઇલ ઇઝરાયલની આયર્ન ડોમ અને એરો જેવી સુપર એડવાન્સ્ડ મિસાઇલ સંરક્ષણ પ્રણાલીઓને ભેદવામાં સક્ષમ છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ તેને ઇઝરાયલ સ્ટ્રાઇકર કહે છે.
ફતાહ-૧ એ ઈરાનની પહેલી હાઇપર સોનિક મિસાઈલ છે. તેનું સૌ પ્રથમ જાહેરમાં પ્રદર્શન વર્ષ ૨૦૨૩ માં કરવામાં આવ્યું હતું. તેનું નામ ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીએ રાખ્યું હતું. હાલમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ખામેનીએ જાહેર કર્યું છે કે ઇઝરાયલીઓ પ્રત્યે કોઈ દયા રાખવામાં આવશે નહીં. ફતાહ-૧ મિસાઈલનો ઉપયોગ ઓપરેશન ઓનેસ્ટ પ્રોમિસ-૩ ના અગિયારમા તબક્કામાં કરવામાં આવ્યો હતો. આ યુદ્ધમાં ફતાહ-૧ મિસાઈલનો ઉપયોગ દર્શાવે છે કે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ કેટલી હદ સુધી વધી ગયો છે.
વિશ્વ સમક્ષ ૨૦૨૩માં આ મિસાઇલ રજૂ કરતી વખતે તેહરાનમાં એક મોટું બેનર લગાવવામાં આવ્યું હતું, જેના પર હિબ્રુ ભાષામાં સંદેશ લખેલો હતો કે ‘‘તેલ અવીવથી ૪૦૦ સેકન્ડ.’’આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ફતાહ-૧ ઈરાનથી ઇઝરાયલનું અંતર ૭ મિનિટથી ઓછા સમયમાં કાપી શકે છે. ફતાહ-૧ એ ઈરાનની પહેલી હાઇપર સોનિક મિસાઇલ છે, જે તેની હાઇ સ્પીડ, ચોકસાઈ અને ઉડાન દરમિયાન તેનો માર્ગ બદલવાની ક્ષમતા માટે જાણીતી છે.
હાઇપર સોનિક શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે એવાં શસ્ત્રો માટે થાય છે, જે પૃથ્વીના વાતાવરણમાં ખૂબ જ ઊંચી ઝડપે મુસાફરી કરે છે. તેમની તીવ્ર ગતિને કારણે તેમને રોકવા મુશ્કેલ છે અને તેઓ ઝડપથી દિશા બદલી શકે છે. હાઇપર સોનિક મિસાઇલો ધ્વનિની ગતિ કરતાં પાંચ ગણી ઝડપે અથવા ૬,૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી શકે છે. ઈરાનનો દાવો છે કે ફતાહ-૧ મિસાઇલ ૧૮,૦૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લક્ષ્ય તરફ આગળ વધી શકે છે.
આ દરમિયાન સોશ્યલ મિડિયા પર ઘણા વિડિયો અને ફોટા વધુ ને વધુ વાયરલ થઈ રહ્યા છે, જેમાં માછલીના આકારની મિસાઈલો ઇઝરાયલી આકાશ ઉપર ઊડતી જોવા મળે છે. આ વાત લોકોમાં જિજ્ઞાસાનો વિષય બની ગઈ છે અને તેમના હોઠ પર એક જ પ્રશ્ન છે કે ઇઝરાયલના આકાશમાં આવ્યા પછી ઈરાનની મિસાઇલો માછલી કેમ બની ગઈ છે? આ જાણવા માટે તમારે રોકેટ લોન્ચિંગ પાછળનું વિજ્ઞાન સમજવું પડશે. આકાશમાં લોકો જે માછલી જેવો આકાર જુએ છે તેને જેલીફિશ ઇફેક્ટ કહેવામાં આવે છે.
જેલીફિશ ઇફેક્ટની ઘટના ત્યારે થાય છે જ્યારે મિસાઈલના પાછળના ભાગ (એક્ઝોસ્ટ) માંથી નીકળતો ગેસ વિસ્તરે છે અને એવી રીતે ચમકે છે કે તે આકાશમાં તરતી ચમકતી જેલીફિશ (એક પ્રકારની માછલી) જેવો દેખાય છે. આ દૃશ્ય દરેક રોકેટ લોન્ચિંગ દરમિયાન જોવા મળતું નથી. જ્યારે મિસાઈલને સવારના સમયે લોન્ચ કરવામાં આવે છે ત્યારે તે ઉપરના વાતાવરણમાં એક્ઝોસ્ટના વાયુને પ્રકાશિત કરે તેવું અંધકાર અને સૂર્યપ્રકાશનું સંપૂર્ણ મિશ્રણ બનાવે છે. જેમ જેમ આ વાયુનાં વાદળ ઉપર ચઢે છે, તેમ તેમ તેમાં રહેલી પાણીની વરાળ બરફના સ્ફટિકોમાં થીજી જાય છે, જે નાના પ્રિઝમની જેમ કાર્ય કરે છે. જ્યારે તેઓ સૂર્યપ્રકાશ ફેલાવે છે ત્યારે તેઓ જેલીફિશ જેવો તેજસ્વી અને ચમકતો દેખાવ બનાવે છે.
ફતાહ-૧ અદ્યતન નેવિગેશન સિસ્ટમ અને ચોક્કસ દિશા માર્ગદર્શન ટેકનોલોજીથી સજ્જ છે. તે ફક્ત ૧૦ મીટરની ત્રિજ્યામાં તેના લક્ષ્યને હિટ કરી શકે છે, જે તેને ખૂબ જ સચોટ શસ્ત્ર બનાવે છે. આ મિસાઇલની રેન્જ ૧,૪૦૦ કિલોમીટર સુધીની છે. એટલે કે તે ઈરાનથી ઇઝરાયલ, સાઉદી અરેબિયા અને મધ્ય પૂર્વના ઘણા દેશો સુધી સરળતાથી પહોંચી શકે છે અને હુમલો કરી શકે છે. તેનો અનિયમિત માર્ગ દુશ્મનના રડાર અને સંરક્ષણ પ્રણાલીને છેતરવામાં મદદ કરે છે. ઈરાનનો દાવો છે કે ફતાહ-૧ સંપૂર્ણપણે સ્વદેશી બનાવટની મિસાઈલ છે.
ઈરાન પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હોવા છતાં ઈરાને તેની મિસાઈલ ટેકનોલોજીને સતત મજબૂત બનાવી છે. ફતાહ-૧ મિસાઈલની બનાવટમાં રશિયા, ચીન અને ઉત્તર કોરિયાની ટેકનોલોજીનો પણ પ્રભાવ હોવાનું માનવામાં આવે છે. આ મિસાઈલ હવે ઈઝરાયલની પ્રખ્યાત સંરક્ષણ પ્રણાલીઓ આયર્ન ડોમ અને એરો-૩ માટે એક મોટો પડકાર બની રહી છે. તાજેતરના યુદ્ધમાં ફતાહ-૧ મિસાઈલે ઈઝરાયેલની સંરક્ષણ પ્રણાલીના ભુક્કા બોલાવી દીધા હતા.
આયર્ન ડોમ ટૂંકા અને મધ્યમ અંતરની મિસાઇલોને અટકાવવા માટે રચાયેલ છે, પરંતુ હાઇપર સોનિક મિસાઇલોની ઝડપી ગતિ અને બદલાતી ઉડ્ડયન દિશા તેને બિનઅસરકારક બનાવે છે. ઈરાને પહેલી વાર ૨૦૨૪ માં ૭ ફતાહ-૧ મિસાઈલ છોડી હતી, જેમાંથી કેટલીકે ઇઝરાયલના નેવાટીમ એરબેઝને નિશાન બનાવ્યું હતું. ઇઝરાયલે કેટલીક મિસાઈલોને અટકાવી હોવા છતાં ઘણી મિસાઈલો સંરક્ષણ પ્રણાલીને હાથતાળી આપીને લક્ષ્યને હિટ કરવામાં સફળ રહી હતી.
એક ખાસ વ્યૂહરચના હેઠળ ઈરાન પહેલાં આયર્ન ડોમ પર ડ્રોન અને સામાન્ય મિસાઈલોથી હુમલો કરે છે અને પછી પાછળથી ફતાહ-૧ જેવી ઘાતક મિસાઈલોથી હુમલો કરે છે. આ વ્યૂહરચના ઇઝરાયલની સુરક્ષા વ્યવસ્થાની મર્યાદાઓને છતી કરે છે. ઈરાન લાંબા સમયથી પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે, તેમ છતાં તેણે મિસાઈલ અને ડ્રોન ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી છે. ઈરાનના સંરક્ષણ પ્રધાન જનરલ અઝીઝ નાસિર ઝાદેહનો દાવો છે કે ફતાહ-૧ GPS વિના પણ લક્ષ્યો પર સચોટ રીતે ત્રાટકી શકે છે અને એક સાથે અનેક લક્ષ્યોમાંથી એક પર પસંદગીપૂર્વક હુમલો કરી શકે છે. નિષ્ણાતો માને છે કે રશિયા, ચીન અને ઉત્તર કોરિયાએ આ ટેકનોલોજીમાં મદદ કરી હશે, પરંતુ હવે ફતાહ-૧ ઈરાનની લશ્કરી શક્તિનું પ્રતીક બની ગયું છે.
ઈરાન પાસે ફતાહ ઉપરાંત ઇમાદ અને ગદર નામની મિસાઈલ સિસ્ટમ પણ છે. ઇમાદ એક મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઇલ છે. તે ૧,૭૦૦ કિ.મી.ના અંતર સુધી ૭૫૦ કિલોગ્રામ વજનનું વિસ્ફોટક વહન કરી શકે છે અને ૧૦ મીટરની ચોકસાઈથી તેના દુશ્મનને નિશાન બનાવી શકે છે. ગદર-૧૧૦ ની રેન્જ ૨,૦૦૦ કિલોમીટર સુધીની છે. તે ૧,૦૦૦ કિલોગ્રામ વજનનું વોરહેડ લઈ જઈ શકે છે. ઈરાનની આ મિસાઈલો ઈઝરાયેલનું સુરક્ષાચક્ર તોડી ચૂકી છે.
ઈરાનની જેમ પાકિસ્તાન પાસે પણ ફતાહ નામની મિસાઈલ સિસ્ટમ છે, પણ તેમાં અને ઈરાનની મિસાઈલ સિસ્ટમમાં આસમાન-જમીન જેટલો તફાવત છે. પાકિસ્તાનનું ફતાહ-૧ એક ગાઇડેડ મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમ છે, જે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે. આ મિસાઇલની રેન્જ લગભગ ૧૪૦ કિલોમીટર છે. આ મિસાઇલને ટ્રક-આધારિત લોન્ચરથી ફાયર કરી શકાય છે. તાજેતરના યુદ્ધમાં પાકિસ્તાને તેના ફતાહ-૧ મિસાઈલથી ભારત પર હુમલો કર્યો હતો. ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ પાકિસ્તાની ફતાહ-૧ મિસાઈલને હવામાં જ તોડી પાડી હતી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.