World

ઈરાનનું મોટું એલાન: ગૂગલ-એપલ સહિત 18 અમેરિકન કંપનીઓ હિટ લિસ્ટમાં

ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સે (IRGC) 18 અમેરિકન કંપનીઓની હિટ લિસ્ટ જાહેર કરી છે, જેમાં ગૂગલ, એપલ, માઈક્રોસોફ્ટ, ઓપનએઆઈ, ઇન્ટેલ અને ટેસ્લા જેવી ટેક્નોલોજી દિગ્ગજોનો સમાવેશ થાય છે. ઈરાને ચેતવણી આપી છે કે 1 એપ્રિલથી આ કંપનીઓના પ્રાદેશિક એકમો પર હુમલા શરૂ થઈ શકે છે. IRGCનું કહેવું છે કે આ કંપનીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેક્નોલોજી દ્વારા અમેરિકા ને સૈન્ય કામગીરીમાં સહાય કરી રહી છે. તેથી હવે યુદ્ધ માત્ર લશ્કરી ઠેકાણાઓ સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ ટેક્નોલોજી અને ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નિશાના પર રહેશે. ઈરાને સ્પષ્ટ કહ્યું છે કે આ પગલું તેના પર થયેલા હુમલાનો જવાબ છે. આ દરમિયાન અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર મોટો હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઇસ્ફાહાન શહેર, જ્યાં ઈરાનનો મહત્વપૂર્ણ ન્યુક્લિયર પ્લાન્ટ આવેલો છે, તેને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ હુમલામાં બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો દાવો છે. અહેવાલો મુજબ અહીં સંભવિત રીતે 540 કિલોગ્રામ યુરેનિયમ સંગ્રહિત હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે હુમલાને વધુ ગંભીર બનાવે છે.

બીજી તરફ, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે સીધી અથડામણ પણ વધી રહી છે. જેરૂસલેમમાં અનેક સ્થળોએ હુમલાના અવાજો સંભળાયા હતા, જ્યારે ઇઝરાયેલના એર ડિફેન્સ સિસ્ટમ્સ દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તહેરાનમાં ઇઝરાયેલના હુમલાના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. દક્ષિણ લેબનોનમાં હીઝબુલ્લાહ સામે ઇઝરાયેલે પોતાની સૈન્ય કાર્યવાહી વધુ તેજ કરી છે અને હવે બૈરુત સુધી હુમલાઓ વધાર્યા છે. ઈરાને ખાડી દેશોમાં અમેરિકાના લશ્કરી ઠેકાણાઓને પણ નિશાન બનાવ્યા છે. સાઉદી અરેબિયાના અલ-ખારજ વિસ્તારમાં થયેલા ડ્રોન હુમલાને એર ડિફેન્સ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો, જ્યારે દુબઈમાં એક ઓઇલ ટેન્કર પર હુમલાથી આગ લાગી હતી.

જો અમેરિકા ઈરાન પર જમીન આક્રમણ કરે છે, તો રશિયાના ચેચેન લડાકુઓ ઈરાનના સમર્થનમાં યુદ્ધમાં ઉતરી શકે છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ માટે સંકેત આપ્યો હોવાનું માનવામાં આવે છે. આ સમગ્ર પરિસ્થિતિ દર્શાવે છે કે આધુનિક યુદ્ધ હવે પરંપરાગત સરહદોને પાર કરી રહ્યું છે, જ્યાં ટેક્નોલોજી કંપનીઓ પણ સીધી રીતે સંઘર્ષનો ભાગ બની રહી છે. આવનારા દિવસોમાં આ સંકટ વધુ વિકરાળ રૂપ લઈ શકે છે.

Most Popular

To Top