ઈરાનના પ્રખ્યાત સરકાર વિરોધી ગાયક મેહદી યારાહીને હિજાબ વિરોધી ગીત ગાવા બદલ 74 કોરડા મારવાની સજા ફટકારવામાં આવી છે. યારાહીએ મહિલાઓ માટે દેશના કડક ડ્રેસ કોડ સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમના ગીતો દ્વારા મહિલાઓનો અવાજ ઉઠાવવા બદલ તેમની સામે ફોજદારી કેસ ચાલી રહ્યો હતો. મામલો સમાપ્ત કરવા માટેના કરારના ભાગ રૂપે તેને કોરડા મારવામાં આવ્યા હતા.
યારાહીએ સપ્ટેમ્બર 2023 માં યોર હેડસ્કાર્ફ (રૂ સરિટો) નામનું હિજાબ વિરોધી ગીત રજૂ કર્યું. આ ગીત ઈરાનના હિજાબ વિરોધી ચળવળ સ્ત્રીઓ, જીવન, સ્વતંત્રતા ની પ્રથમ વર્ષગાંઠ પર આવ્યું હતું. આ ગીતથી ગુસ્સે થઈને ઈરાની શાસને જાન્યુઆરી 2024 માં તેમના પર બળવાખોર ગીતો રજૂ કરીને ગેરકાયદેસર રીતે કાર્ય કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે હિજાબ ચળવળ દરમિયાન ગીતો પણ લખ્યા હતા જે ખૂબ જ લોકપ્રિય થયા હતા. યારાહીના ઇન્સ્ટાગ્રામ પર 10 લાખથી વધુ ફોલોઅર્સ છે.
દોષિત ઠર્યા બાદ યારાહીને એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી પરંતુ બાદમાં તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો અને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો. તે ડિસેમ્બરથી મુક્ત છે. યારાહીની જામીન રકમ 15 અબજ તોમાન (ઈરાની ચલણ) હતી જે ત્રીજા પક્ષ દ્વારા ચૂકવવામાં આવી હતી. આ રકમ પરત કરવાના બદલામાં કોર્ટે ઈરાની ગાયકને 74 કોરડા મારવાની સજા ફટકારી.
કોરડા મારવાની સજા અંગે યારાહીએ સોશિયલ મીડિયા સાઇટ X પર લખ્યું હતું કે, હું 74 કોરડા મારવાની સજા ભોગવવા તૈયાર છું. જોકે હું આ અમાનવીય ત્રાસની નિંદા કરું છું પણ હું આ સજા રદ કરવાની વિનંતી નહીં કરું.
ઈરાની ગાયકના વકીલે શું કહ્યું?
બુધવારે ગાયકના વકીલ ઝહરા મિનોઈએ ગાયકને કોરડા મારવામાં આવ્યાના સમાચાર શેર કર્યા હતા. મિનોઈએ X પર લખ્યું કે તેહરાન ક્રાંતિકારી અદાલતે તેની અંતિમ સજા સંભળાવી છે. સજા સંભળાવ્યા પછી યારાહીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું: તમારા પ્રિયજનો, તમારા સતત સમર્થન બદલ અને મારા આદરણીય વકીલો મુસ્તફા નિલી અને ઝહરા મિનોઈનો આભાર. જે વ્યક્તિ સ્વતંત્રતાની કિંમત ચૂકવવા તૈયાર નથી તે સ્વતંત્રતાનો હકદાર નથી. તમારી સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ.
ઈરાનના માનવાધિકાર કાર્યકરો ગુસ્સે ભરાયા
ઈરાની સરકાર હજુ પણ તેના વિરોધીઓને દબાવવા માટે મધ્યયુગીન શૈલીના કોરડા મારવાની સજાનો ઉપયોગ કરી રહી છે, જેના કારણે ઈરાની સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ ફેલાયો છે. યારાહીની સજા અંગે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગીસ મોહમ્મદીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, મેહદી યારાહીને કોરડા મારવાની સજા એ ઈરાનની મહિલાઓને ટેકો આપવા બદલ બદલો છે. મેહદીના શરીરને કોરડા મારવા એ ઈરાનની વિરોધ કરતી મહિલાઓ અને ‘સ્ત્રી, જીવન, સ્વતંત્રતા’ ચળવળના સમૃદ્ધ અને શક્તિશાળી આત્માને કોરડા મારવા જેવું છે.
અમેરિકા સ્થિત જાણીતા માનવાધિકાર કાર્યકર્તા મસીહ અલીનેજાદે જણાવ્યું કે તેમના મારવામાં આવતા દરેક કોરડા વધુ મહિલાઓને હિજાબ ઉતારવા અને પોતાનો અવાજ ઉઠાવવા માટે પ્રેરણા આપશે અને આ ક્રાંતિને કંઈ રોકી શકતું નથી. હું પશ્ચિમી દેશોને કહું છું કે બર્બર લોકો સાથે માનવ અધિકારોની વાટાઘાટો કરીને કંઈ પ્રાપ્ત થશે નહીં. આ શાસન (ઈરાની શાસન) એક વાયરસ છે, જો તમે તેને રોકશો નહીં, તો તે ફેલાશે. ઈરાની NGO હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ્સ ન્યૂઝ એજન્સી અનુસાર, 2024 માં, ઈરાની ન્યાયતંત્રે ઓછામાં ઓછા 131 લોકોને કુલ 9,957 કોરડા મારવાની સજા ફટકારી હતી.
