કેનેડામાં G-7 સમિટ છોડીને વોશિંગ્ટન આવેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવવાની ખૂબ નજીક છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ ઇઝરાયલ-ઈરાન વિવાદનો વાસ્તવિક અંત ઇચ્છે છે. તેમણે કહ્યું કે તેહરાન છોડવું ઈરાનીઓ માટે વધુ સારું રહેશે. સાથે તેમણે એમ પણ કહ્યું કે ઇરાને પોતાનો પરમાણુ કાર્યક્રમ છોડવો પડશે, સરેન્ડરથી ઓછું કાંઈ મંજૂર નથી.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે (17 જૂન 2025) કહ્યું કે તેઓ વધતા ઈરાન-ઈઝરાયલ સંઘર્ષમાં યુદ્ધવિરામ કરતાં વધુ સારું કંઈક ઇચ્છે છે. તેમણે એવા અહેવાલોને નકારી કાઢ્યા કે તેઓ યુદ્ધવિરામ પર કામ કરવા માટે G7 સમિટથી વહેલા વોશિંગ્ટન પાછા ફર્યા હતા.
ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવી શકતું નથી – ટ્રમ્પ
ટ્રમ્પે કહ્યું, “એ સ્પષ્ટ છે કે ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવી શકતું નથી. તેણે આ બાબતે શરણાગતિ સ્વીકારવી પડશે, તેનાથી ઓછું કંઈ કરી શકાતું નથી.” ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ઈરાન મધ્ય પૂર્વમાં અમેરિકન સૈનિકો પર હુમલો કરે છે તો અમેરિકા તૈયાર છે. ઇઝરાયલે પાંચ દિવસથી મિસાઇલ હુમલા દ્વારા ઈરાનને ઘણું નુકસાન પહોંચાડ્યું છે અને માને છે કે તે હવે તેહરાનના પરમાણુ કાર્યક્રમને કાયમી ધોરણે નષ્ટ કરી શકે છે.
ઈરાને મોસાદના મુખ્યાલય પર હુમલો કર્યો
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 5 દિવસથી સંઘર્ષ ચાલી રહ્યો છે. ઈરાને મંગળવારે તેલ અવીવમાં ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદના મુખ્યાલય પર હવાઈ હુમલો કર્યો. લશ્કરી ગુપ્તચર સંબંધિત ગુપ્તચર એજન્સી AMAN ની ઇમારતને પણ નિશાન બનાવવામાં આવી હતી.
જવાબમાં ઈઝરાયલે હવે પશ્ચિમી તેહરાન પર હુમલા શરૂ કર્યા છે. ઈઝરાયલી હવાઈ હુમલામાં ઈરાનના ટોચના લશ્કરી અધિકારી મેજર જનરલ અલી શાદમાનીનું મોત થયું છે. શાદમાન ઈરાનના ખાતમ-અલ-અંબિયા મુખ્યાલય એટલે કે લશ્કરી કટોકટી કમાન્ડના વડા હતા. તેમણે માત્ર 4 દિવસ પહેલા જ આ પદ સંભાળ્યું હતું અને તેઓ અલી ખામેનીની ખૂબ નજીક હતા.