World

ઈરાન યુદ્ધથી 9 એશિયન દેશોમાં તેલ સંકટ: થાઈલેન્ડમાં લિફ્ટના ઉપયોગ પર પ્રતિબંધ, ચીને ભર્યું આ પગલું

ઈરાન યુદ્ધની અસરો હવે ઘણા એશિયન દેશોમાં અનુભવાઈ રહી છે. તેલ અને ગેસ પુરવઠામાં વિક્ષેપને કારણે ઓછામાં ઓછા 9 એશિયન દેશોમાં ઉર્જા સંકટ વધુ ઘેરું બની રહ્યું છે. પરિસ્થિતિએ વિવિધ દેશોને બળતણ બચાવવા અને ઉર્જા સંકટને પહોંચી વળવા માટે કડક પગલાં લેવાની ફરજ પાડી છે.

બાંગ્લાદેશમાં વીજળી અને ઇંધણનો વપરાશ ઘટાડવા માટે બધી યુનિવર્સિટીઓ બંધ કરવામાં આવી છે. દરમિયાન થાઈલેન્ડમાં સરકારી કચેરીઓમાં લિફ્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કર્મચારીઓને સીડીનો ઉપયોગ કરવાની અને ઘરેથી કામ કરવાની સૂચના આપવામાં આવી છે. બીજી બાજુ પાકિસ્તાનમાં ખર્ચ ઘટાડવા માટે મંત્રીઓના પગાર અને વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સાથે સરકારી ખર્ચ અને ઇંધણનો વપરાશ ઘટાડવાના નિર્ણયો લેવામાં આવ્યા છે.

ઈરાન અને યુએસ-ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે, જેના કારણે તેલ પુરવઠો ખોરવાઈ રહ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વમાં એક મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. દર વર્ષે વિશ્વના તેલ પુરવઠાનો આશરે 20% આ માર્ગમાંથી પસાર થાય છે.

થાઇલેન્ડમાં એલિવેટરને બદલે સીડીનો ઉપયોગ કરવાનો આદેશ
ઊર્જા બચાવવા માટે થાઇ સરકારે સરકારી કર્મચારીઓને ઘરેથી કામ કરવા અને ઓફિસોમાં લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. સરકારી પ્રવક્તાના જણાવ્યા અનુસાર જનતાની સીધી સેવા કરતા અધિકારીઓને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે.

થાઇલેન્ડના વડા પ્રધાન અનુતિન ચાર્નવિરાકુલે સરકારી કર્મચારીઓને જરૂરી ઉર્જા બચત પગલાં અમલમાં મૂકવા સૂચના આપી છે. સરકારે વિદેશ પ્રવાસને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધો છે. ઉર્જા બચાવવા માટે એર કંડિશનરને 26 થી 27 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રાખવાની સૂચના આપવામાં આવી છે. સરકારે ચેતવણી આપી છે કે જો કટોકટી વધુ ઘેરી બને છે તો દુકાન અને વ્યાપારી બિલબોર્ડને ઝાંખા કરવા અને રાત્રે 10 વાગ્યા સુધીમાં પેટ્રોલ પંપ બંધ કરવા જેવા કડક પગલાં લેવામાં આવી શકે છે.

ચીનમાં ક્રૂડ ઓઇલની ખરીદીમાં વધારો, ઇંધણની નિકાસ અટકાવી
સંભવિત ઉર્જા સંકટની અપેક્ષાએ ચીને ક્રૂડ ઓઇલની ખરીદી વધારીને તેના વ્યૂહાત્મક ભંડારને મજબૂત બનાવવાનું શરૂ કર્યું છે. અહેવાલો દર્શાવે છે કે ચીને વર્ષના શરૂઆતના મહિનાઓમાં વધારાનું ક્રૂડ ઓઇલ ખરીદ્યું હતું અને તેને વ્યૂહાત્મક અને વાણિજ્યિક ભંડારમાં સંગ્રહિત કરી રહ્યું છે.

સરકારે રિફાઇનરીઓને નવા ઇંધણ નિકાસ કરારો પર હસ્તાક્ષર ન કરવા અને ચોક્કસ સુનિશ્ચિત શિપમેન્ટ બંધ કરવા સૂચના પણ આપી છે. સરકારનો ઉદ્દેશ સ્થાનિક બજારમાં પેટ્રોલ, ડીઝલ અને અન્ય ઇંધણની પર્યાપ્ત ઉપલબ્ધતા જાળવવાનો છે. નિષ્ણાતો કહે છે કે જો મધ્ય પૂર્વમાં સંઘર્ષ લાંબા સમય સુધી ચાલુ રહે અને વૈશ્વિક પુરવઠા પર વધુ અસર કરે તો ચીન તેના વ્યૂહાત્મક તેલ ભંડારનો ઉપયોગ કરી શકે છે.

Most Popular

To Top