World

સાઉદી અરેબિયાને ઈરાનની ચેતવણી કહ્યું- ધીરજનો બંધ તૂટે તો…

નવી દિલ્હી: ઈરાને (Iran) તેના પ્રાદેશિક હરીફ સાઉદી અરેબિયાને (Saudi Arabia) કડક સૂરમાં ચેતવણી આપી છે. ઈરાનના મંત્રી ઈસ્માઈલ ખાતિબે ચેતવણી આપી છે કે ઈરાન અત્યાર સુધી તાર્કિક અને વ્યૂહાત્મક કારણોસર ધીરજ ધરાવતું હતું, પરંતુ જો આ રીતે તણાવ ચાલુ રહેશે તો ઈરાન ધીરજ રાખશે તેની અમે ખાતરી આપી શકતા નથી. તેમજ ત્યાર પછી તેઓ દ્વારા પણ કંઈક કડક પગલાઓ લેવામાં આવશે.

ગુપ્તચર મંત્રીએ કહ્યું કે જો ઈરાન સાઉદી અરેબિયા સામે બદલો લેવાનું અને સજા કરવાનું નક્કી કરશે તો સાઉદી અરેબિયાના કાચના મહેલ તૂટી જશે અને આ દેશ ક્યારેય સ્થિરતાનો અનુભવ કરી શકશે નહીં. જણાવી દઈએ કે હિજાબ વિરોધી પ્રદર્શન દરમિયાન પોલીસ કસ્ટડીમાં કુર્દિશ મહિલા મહસા અમીનીના મૃત્યુ બાદથી ઈરાનમાં હિજાબ અંગેનો વિરોધ ઉગ્ર બન્યો છે. ઈરાનનો આરોપ છે કે સાઉદી અરેબિયા જેવી વિદેશી શક્તિઓ દેશના નાગરિકોને ભડકાવી રહી છે. મળતી માહિતી મુજબ આ વિરોધ જે લગભગ સમગ્ર ઈરાનમાં ચાલુ છે, તે 1979ની ઈસ્લામિક ક્રાંતિ પછીનો સૌથી મોટો વિરોધ છે.

જણાવી દઈએ કે આ ચેતવણી ગત મહિને પણ આપવામાં આવી હતી. ગત મહિને ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડના વડા હુસૈન સલામીએ સાઉદી અરેબિયાને ચેતવણી આપી હતી અને તેઓ તેઓની મીડિયા સંસ્થાઓને નિયંત્રિત કરે. હુસૈન સલામીએ સાઉદી શાસકને ચેતવણી આપી હતી કે તેઓ તેમની મીડિયા સંસ્થાને નિયંત્રિત કરે, નહીં તો તેની કિંમત ચૂકવવી પડશે. સલામીએ કહ્યું હતું કે સાઉદી અરેબિયા તેની મીડિયા સંસ્થા દ્વારા ઈરાનના આંતરિક મામલામાં દખલ કરી રહ્યું છે. બુધવારે જાણકારી મળી આવી હતી કે ઈરાક સરહદ નજીક પૂર્વી સીરિયામાં ઈરાન સમર્થિત દળો પર અજાણ્યા જૂથ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા છે. કાફલાની સાથે તેલની ટાંકી અને હથિયારોથી ભરેલી ટ્રક પણ હતી. ઈરાકી સરહદી અધિકારીઓના જણાવ્યા અનુસાર ઈરાની ટ્રક ઈરાક અને સીરિયા થઈને લેબેનોન જઈ રહી હતી. કાફલામાં રહેલી 22 ટ્રકમાંથી 4 ટ્રક ખરાબ રીતે બળીને રાખ થઈ ગઈ હતી.

શું છે સાઉદી અરેબિયા-ઈરાન વિવાદ
પ્રાદેશિક હરીફો તરીકે, સાઉદી અરેબિયા અને ઈરાન બંને શક્તિશાળી પડોશીઓ છે. મળતી માહિતી મુજબ બંને દેશો વચ્ચે દાયકાઓથી વિવાદ ચાલી રહ્યો છે. ધાર્મિક મતભેદોને કારણે આ વિવાદ વધુ ઘેરો બન્યો છે. ઈરાનમાં મોટાભાગના શિયા મુસ્લિમો રહે છે. તે જ સમયે, મોટાભાગના સુન્ની મુસ્લિમો સાઉદી અરેબિયામાં રહે છે. સુન્ની મુસ્લિમ બહુમતી હોવાથી સાઉદી અરેબિયા પોતાને એક શક્તિશાળી દેશ તરીકે જુએ છે.

Most Popular

To Top