ઈઝરાયલે શનિવારે સવારે (ભારતીય સમય મુજબ) ઈરાનની રાજધાની તેહરાન સહિત અનેક શહેરો પર હુમલા કર્યા. જવાબમાં ઈરાને ઈઝરાયલ સામે બદલો લેવા માટે હુમલો કર્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાને આશરે 400 મિસાઈલ છોડ્યા. ઈઝરાયલ ઉપરાંત ઈરાને કતર, બહેરીન અને યુએઈમાં સ્થિત યુએસ ઠેકાણાઓ પર પણ હુમલો કર્યો. ઈઝરાયલે ઈરાનના ગુપ્તચર મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, સુપ્રીમ લીડર ખામેનીની ઓફિસ અને ઈરાનના પરમાણુ ઉર્જા સંગઠનને નિશાન બનાવ્યા. હુમલા બાદ ખામેનીને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા છે.
ઈઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઈરાન સામે મોટા પાયે હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં યુએસ એફ-22 રેપ્ટર ફાઈટર જેટ પણ સામેલ હતા. તેહરાનમાં 30 સ્થળોએ એક સાથે બેલિસ્ટિક મિસાઈલ છોડવામાં આવી હતી. આ પછી ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીને સુરક્ષિત આશ્રયસ્થાનમાં ખસેડવામાં આવ્યા છે. હુમલા બાદ ટ્રમ્પે ઈરાન પર હુમલાનું કારણ સમજાવ્યું. ઈરાને હવે વળતો હુમલો કર્યો છે. ઈરાને ઈઝરાયલ પર 30 થી વધુ બેલિસ્ટિક મિસાઈલો છોડી છે. યમન અને લેબનોનથી હિઝબુલ્લાહ પણ ઈરાન સાથે યુદ્ધમાં જોડાઈ છે.
અમેરિકા અને ઈઝરાયલી સંયુક્ત લશ્કરી કાર્યવાહી
ઈઝરાયલે ઈરાન સામેના તેના નવા અભિયાનને “લિયોનસ રોર” (સિંહની ગર્જના) નામ આપ્યું છે. અલ જઝીરાએ અમેરિકન અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે આ અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે સંયુક્ત લશ્કરી કાર્યવાહી છે.
આ હુમલો ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ શસ્ત્રો પર ચાલી રહેલી વાટાઘાટો વચ્ચે થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવાની ધમકી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ કાર્યવાહીનો હેતુ અમેરિકા અને તેના લોકોને જોખમથી બચાવવાનો છે. ટ્રમ્પના મતે અમેરિકન સૈન્ય ઈરાનની મિસાઈલોનો નાશ કરવાનો અને તેના મિસાઈલ કાર્યક્રમને તોડી પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.
યુએઈએ હવાઈ હુમલાનો જવાબ આપ્યો
યુએઈ સંરક્ષણ મંત્રાલયે જાહેરાત કરી હતી કે યુએઈ પર આજે ઈરાની બેલિસ્ટિક મિસાઈલો દ્વારા સ્પષ્ટ હુમલો કરવામાં આવ્યો હતો જેનો યુએઈની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ ઉચ્ચ કાર્યક્ષમતા સાથે જવાબ આપ્યો હતો. સફળતાપૂર્વક અનેક મિસાઈલોને અટકાવી હતી.