ઈરાનમાં હજુ પણ હિજાબ વિરુદ્ધ હિંસક પ્રદર્શનો ચાલી રહ્યા છે. સરકાર વિરોધીઓના અવાજને દબાવવા માટે બળપ્રયોગ પણ કરી ચુકી છે. અહેવાલો અનુસાર ઈરાનની પોલીસે મોટી સંખ્યામાં દેખાવકારોની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધા છે. જો કે તે પછી પણ લોકોનો રોષ ઓછો થઈ રહ્યો નથી. આખરે સરકાર પ્રદર્શનકારીઓ સામે ઝૂકી રહી હોય તેવું લાગી રહ્યું છે.લગભગ બે મહિનાથી ચાલી રહેલા હિંસક પ્રદર્શનો વચ્ચે ઈરાનની સરકારે હિજાબને ફરજિયાત બનાવતા જૂના કાયદાની સમીક્ષા કરવાનો સંકેત આપ્યો હતો. આ કાયદા હેઠળ ઈરાનમાં મહિલાઓએ માથું ઢાંકવાનું હોય છે. આ કાયદા હેઠળ 22 વર્ષીય મહસા અમીનીની ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, પોલીસ કસ્ટડીમાં તેને ખૂબ જ ત્રાસ આપવામાં આવ્યો હતો તેના લીધે તેમનું મૃત્યુ થયું હતુ.
ઈરાનના એટર્ની જનરલ મોહમ્મદ ઝફર મોંતાજેરીએ જણાવ્યું હતું કે ઈરાનની સરકારે હવે ફરજિયાત હિજાબ સંબંધિત જૂના કાયદામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો લેવો પડશે. તેમણે કહ્યું કે, સંસદ અને ન્યાયતંત્ર બંને આ મુદ્દે કામ કરી રહ્યા છે. બંને જોશે કે કાયદામાં કોઈ ફેરફારની જરૂર લાગે છે કે નહિ. એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતુ કે, તેઓએ સ્પષ્ટ કર્યું નથી કે સંસદ અને ન્યાયતંત્ર દ્વારા આ કાયદામાં શું સુધારા કરવામાં આવશે.
ઈરાનના એટર્ની જનરલે કહ્યું કે એક-બે અઠવાડિયામાં પરિણામ જોવા મળશે. તેમણે કહ્યું કે 30 નવેમ્બર સમીક્ષા ટીમ સંસદના સાંસ્કૃતિક આયોગને મળી છે. બીજી તરફ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીએ પણ કાયદામાં સુધારો કરવાનો સંકેત આપ્યો છે. રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ કહ્યું કે ઈરાનના પ્રજાસત્તાક અને ઈસ્લામિક પાયા બંધારણીય રીતે મજબૂત છે, પરંતુ બંધારણને સારી રીતે લાગુ કરવાની પદ્ધતિઓ લચીલી છે જેના દ્વારા કાયદામાં ફેરફાર કરવામાં આવી શકે છે.
એક સમય હતો કે જ્યારે ઈરાનમાં મહિલાઓ પશ્ચિમી દેશોની જેમ નિખાલસતાના વાતાવરણમાં રહેતી હતી, પરંતુ 1979માં ઈસ્લામિક ક્રાંતિ પછી બધું બદલાઈ ગયું. ઇસ્લામિક ક્રાંતિએ યુએસ સમર્થિત રાજાશાહીને ઉથલાવી દીધી અને આયાતુલ્લા ખોમેનીએ ગાદી સંભાળી. આયાતુલ્લાએ સૌપ્રથમ શરિયા કાયદો લાગુ કર્યો. એપ્રિલ 1983માં ઈરાનમાં તમામ મહિલાઓ માટે હિજાબ ફરજિયાત બની ગયું હતું.
હવે દેશમાં 9 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલા માટે હિજાબ પહેરવું ફરજિયાત છે. પ્રવાસીઓએ પણ આ નિયમનું પાલન કરવું પડશે. મહસા અમીનીની મૃત્યુ પછી હિંસક પ્રદર્શન બન્યું હતુ જેના લીધે આ આંદોલનમાં 300થી વધારે લોકોના મૃત્યુ થયા છે. ઉપરાંત UNના એક અહેવાલમાં એવું જાણવા મળી રહ્યું છે કે, બાળકો અને મહિલાઓ મળી ને કુલ 14000 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હવે જ્યારે ઇરાન જેવા ઇસ્લામિક રાષ્ટ્રમાં મહિલાઓ પ્રત્યેના વલણમાં ફેરફાર આવી રહ્યાં છે ત્યારે ભારત જેવા બિનસંપ્રદાય દેશમાં હજી પણ કેટલાક ધર્મગુરુ મહિલાઓની સ્વતંત્રતાનો વિરોધ કરી રહ્યાં છે એનું કારણ આજે અમદાવાદના શાહી ઇમામનું એક નિવેદન છે.
અમદાવાદની જામા મસ્જિદના શાહી ઈમામ શબ્બીર અહેમદ સિદ્દીકીએ રવિવારે ચૂંટણીમાં મુસ્લિમ મહિલાઓને ટિકિટ આપનાર રાજકીય પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. મહત્વપૂર્ણ છે કે આ પહેલા શાહી ઈમામે શનિવારે ગુજરાત ચૂંટણીને લઈને એક સંદેશ શેર કર્યો હતો. જેમાં તેમણે મુસ્લિમોને એક થઈને મતદાન કરવા અપીલ કરી હતી. અમદાવાદની જામા મસ્જિદના શાહી ઈમામ શબ્બીર અહેમદ સિદ્દીકીએ રવિવારે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે જે લોકો ઈસ્લામને નબળો પાડવા માગે છે તેઓ મુસ્લિમ મહિલાઓને ચૂંટણી ટિકિટ આપે છે. આવા લોકો ઇસ્લામ વિરુદ્ધ છે. તેમણે વધુમાં કહ્યું કે શું એવો કોઈ માણસ બચ્યો નથી કે જેને ચૂંટણીમાં ટિકિટ આપી શકાય.
શાહી ઈમામ શબ્બીર અહેમદ સિદ્દીકીએ કહ્યું કે જો તમે ઈસ્લામનો મામલો ઉઠાવ્યો હોય તો હું તમને કહેવા માંગુ છું કે તમે નમાજ દરમિયાન એક પણ મહિલા નહીં જોવા મળે. ઈસ્લામમાં સૌથી મહત્વની વસ્તુ નમાઝ છે. જો મહિલાઓનું આ રીતે લોકોની સામે આવવું વ્યાજબી હોત તો તેમને મસ્જિદમાં જતા રોકવામાં ન આવી હોત. મસ્જિદ પર પ્રતિબંધ છે કારણ કે ઇસ્લામમાં મહિલાઓ માટે એક સ્થાન છે. તેમના આ નિવેદનના કારણે ચૂંટણી લડીને પુરુષો સામે ખભાથી ખભા મળીને આગળ વધવાના પ્રયત્નો કરી રહી છે ત્યારે તેમના આ નિવેદનના કારણે વિવાદ વધે તેવી શક્યતા છે ખાસ કરીને મહિલાઓના એમપાવર માટે કામ કરતી એનજીઓ અને મહિલા સંગઠનો તેમનો વિરોધ કરે તેવી સ્થિતિ સર્જાઇ છે.