ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વિસ્ફોટક સ્તરે પહોંચી ગયું છે. ઈરાને ઈઝરાયેલ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. મંગળવારે રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ ઈરાને ઈઝરાયેલ પર એક પછી એક લગભગ 200 મિસાઈલો છોડી હતી. આ હુમલાઓ લગભગ 30 મિનિટ સુધી ચાલુ રહ્યા હતા. ઈરાનની મિસાઈલો ઈઝરાયલના આકાશ પર વરસતી રહી. ઈઝરાયેલની આયર્ન ડોમ સિસ્ટમે આકાશમાં કેટલીક મિસાઈલોનો નાશ કર્યો હતો જ્યારે કેટલીક મિસાઈલોને ભૂમધ્ય સમુદ્રમાં તૈનાત અમેરિકન વિનાશક યુએસએસ કોલ અને યુએસએસ બલ્કલી દ્વારા નાશ કરવામાં આવી હતી. આ હોવા છતાં ઈરાને દાવો કર્યો હતો કે તેની મિસાઈલોએ ત્રણ ઈઝરાયેલ એરબેઝ અને મોસાદ હેડક્વાર્ટરને નિશાન બનાવ્યા હતા.
ઈરાનની એજન્સી આઈઆરજીસીએ દાવો કર્યો છે કે તેની 90 ટકા મિસાઈલો ઈઝરાયેલમાં તેમના સાચા લક્ષ્યો પર પડી છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનું અંતર લગભગ 2100 કિમી છે અને ઈરાનથી ઈઝરાયલ પહોંચવા માટે ઈરાક અને જોર્ડન એમ બે દેશ પાર કરવા પડે છે. આવી સ્થિતિમાં ઈરાનની મિસાઈલ ક્ષમતા કેટલી અદ્યતન અને આધુનિક છે તેની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. પોતાની મિસાઈલોની ક્ષમતાના જોરે ઈરાન ઈઝરાયલ સહિત પશ્ચિમી દેશોને આંખ દેખાડી રહ્યું છે. ઈરાને મંગળવારે રાત્રે ઈઝરાયેલ પર 200 બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ કહ્યું કે આ હુમલામાં મોસાદ હેડક્વાર્ટર, નેવાટિમ એર બેઝ અને ટેલ નોફ એર બેઝને નિશાન બનાવવામાં આવ્યું હતું.
હુમલા બાદ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝશકિયાને કહ્યું કે અમે ઈઝરાયેલની આક્રમકતાનો જવાબ આપ્યો છે. ઈરાનના હિતો અને નાગરિકોના રક્ષણ માટે આ જરૂરી હતું. અહીં ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું છે કે ઈરાનને આ હુમલાની ભારે કિંમત ચૂકવવી પડશે. અમેરિકન મીડિયા હાઉસ એક્સિઓસે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે ઈઝરાયેલ બદલો લેવા ઈરાનના તેલ ભંડાર પર હુમલો કરી શકે છે. એક્સિઓસે ઈઝરાયેલના અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી હતી. રિપોર્ટ અનુસાર ઈઝરાયેલ આગામી થોડા દિવસોમાં ઈરાન પર હુમલો કરી શકે છે.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. વિદેશ મંત્રાલયે તમામ ભારતીયોને બિનજરૂરી ઈરાન ન જવા જણાવ્યું છે. આ સિવાય ત્યાં રહેતા ભારતીયોને પણ એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે.
ભારતે શાંતિનો સંદેશો મોકલ્યો
પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ભારતીય વિદેશ મંત્રાલયે વાતચીત અને કૂટનીતિ દ્વારા મુદ્દાઓને ઉકેલવાની અપીલ કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે અમે પશ્ચિમ એશિયામાં બગડતી સુરક્ષા પરિસ્થિતિથી ખૂબ જ ચિંતિત છીએ અને તમામ સંબંધિતોને સંયમ રાખવા અને નાગરિકોની સુરક્ષા કરવા માટે અમારા આહ્વાનને પુનરાવર્તિત કરીએ છીએ.