World

ઈરાને ઇઝરાયેલના મોસાદ ‘જાસૂસી હેડક્વાર્ટર’ને બેલેસ્ટિક મિસાઈલથી ઉડાવ્યું, 4નાં મોત

નવી દિલ્હી: ઈરાનના (Iran) રિવોલ્યુશનરી ગાર્ડે ઈરાકમાં ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદના ‘જાસૂસ હેડક્વાર્ટર’ (Spy Headquarters) પર હુમલો કર્યો છે. આ હુમલો ઇરાકના અર્ધ-સ્વાયત્ત કુર્દિશ પ્રદેશ એર્બિલમાં થયો હતો. બેલેસ્ટિક મિસાઈલ (Ballistic Missile) દ્વારા કરવામાં આવેલો આ હુમલો અમેરિકન કોન્સ્યુલેટથી થોડે દૂર એક VIP વિસ્તારમાં થયો હતો. કુર્દિશ પ્રાદેશિક સરકારની સુરક્ષા પરિષદે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે આ હુમલામાં 4 લોકોના મોત (Death) થયા છે. તેમજ 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સનું કહેવું છે કે તેમણે ઈરાક તેમજ સીરિયામાં ઈસ્લામિક સ્ટેટ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. તેમણે કહ્યું, “યહુદી શાસનના તાજેતરના અત્યાચારોના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. યહુદી શાસકોએ અમારા રક્ષકો પર હુમલો કર્યો અને અમારા કમાન્ડરોની હત્યા કરી હતી. જેની જવાબી કાર્યવાહીના સ્વરૂપમાં ઇરાકના કુર્દિશ ક્ષેત્રમાં મોસાદના મુખ્યાલયને બેલિસ્ટિક મિસાઇલથી ઉડાવી દેવામાં આવ્યું છે. ‘‘આ હુમલા એવા સમયે થયા છે જ્યારે ગાઝામાં ચાલી રહેલું યુદ્ધ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જવાનો ભય છે.’’

ઈરાન ભૂતકાળમાં પણ ઈરાકના ઉત્તરીય કુર્દિસ્તાન વિસ્તારમાં હુમલા કરતું રહ્યું છે. તેહરાન દાવો કરે છે કે કુર્દિસ્તાન ક્ષેત્રનો ઉપયોગ ઈરાની અલગતાવાદી જૂથો તેમજ તેના કટ્ટર દુશ્મન ઈઝરાયેલના ગુપ્તચર એજન્ટો દ્વારા કરવામાં આવે છે. તેમજ ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદને વિશ્વની સૌથી ખતરનાક અને શ્રેષ્ઠ ગુપ્તચર એજન્સી માનવામાં આવે છે. મોસાદ ભલે હમાસના હુમલાની આગાહી કરવામાં નિષ્ફળ રહ્યુ હોય, પરંતુ તેનું જાસૂસી નેટવર્ક માત્ર ઈઝરાયેલમાં જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં ફેલાયેલું છે.

ગાઝા પર કબ્જો કરવાના આરોપો પર ઈઝરાયેલનો જવાબ
ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટે ગાઝા ઉપર કબ્જો કરવાના આરોપોનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે ગાઝા પેલેસ્ટિનિયન લોકોનું છે અને યુદ્ધ સમાપ્ત થયા પછી તેઓ જ ત્યાં શાસન કરશે. સમગ્ર મામલે આરબ દેશોએ દાવો કર્યો હતો કે જેરુસલેમ અને પશ્ચિમ કાંઠાની જેમ ઈઝરાયેલ પણ ગાઝા પર કબ્જો કરશે. તેમજ પેલેસ્ટિનિયન સશસ્ત્ર સંગઠન હમાસ સાથે ચાલી રહેલી લડાઈ વચ્ચે ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટે ઉત્તરી ગાઝામાં જમીની સૈન્ય કાર્યવાહીને સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી.

Most Popular

To Top