કેન્દ્ર સરકારે શનિવારે વરિષ્ઠ IPS અધિકારી પરાગ જૈનને ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) ના વડા તરીકે નિયુક્ત કર્યા. પંજાબ કેડરના 1989 બેચના IPS અધિકારી પરાગ જૈન 1 જુલાઈના રોજ બે વર્ષ માટે આ મહત્વપૂર્ણ કાર્યભાર સંભાળશે.
કેન્દ્રએ 1989 બેચના પંજાબ કેડરના IPS અધિકારી પરાગ જૈનને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (R-AW) ના નવા વડા તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ રવિ સિંહાનું સ્થાન લેશે. રવિ સિંહાનો વર્તમાન કાર્યકાળ 30 જૂને સમાપ્ત થાય છે. પરાગ જૈનનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. તેઓ 1 જુલાઈ 2025 સુધી નિશ્ચિત કાર્યકાળ માટે આ કાર્યભાર સંભાળશે. પરાગ જૈન હાલમાં એવિએશન રિસર્ચ સેન્ટરનું નેતૃત્વ કરી રહ્યા છે જેણે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાની સશસ્ત્ર દળોના ઠેકાણાઓ અને આતંકવાદી છાવણીઓ વિશે ગુપ્ત માહિતી એકત્રિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ગુપ્તચર વર્તુળોમાં ‘સુપર સ્પાય’ તરીકે જાણીતા પરાગ જૈન માનવ ગુપ્તચર (HUMINT) અને ટેકનિકલ ગુપ્તચર (TECHINT) ને અસરકારક રીતે જોડવા માટે જાણીતા છે. અધિકારીઓ કહે છે કે આ વિશેષતા ઘણા મહત્વપૂર્ણ ઓપરેશન્સમાં મહત્વપૂર્ણ રહી છે.
જ્યારે આતંકવાદીઓ પંજાબમાં આતંક મચાવી રહ્યા હતા ત્યારે પરાગ જૈને ભટિંડા, માનસા, હોશિયારપુરમાં ઓપરેશનલ ભૂમિકા ભજવી હતી. આ પહેલા તેઓ ચંદીગઢના SSP અને લુધિયાણાના DIG રહી ચૂક્યા છે. તેઓ RAW માં પાકિસ્તાન ડેસ્ક સંભાળી ચૂક્યા છે. તેમણે કલમ 370 હટાવવા અને ઓપરેશન બાલાકોટ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં પણ કામ કર્યું છે. પરાગ જૈન ખૂબ જ નમ્ર અધિકારી હોવાનું કહેવાય છે. તેમણે કેનેડા અને શ્રીલંકામાં ભારતીય પ્રતિનિધિ તરીકે કામ કર્યું છે. કેનેડામાં તેમની પોસ્ટિંગ દરમિયાન તેમણે કથિત રીતે ત્યાં ખાલિસ્તાન સમર્થકોને પડકાર ફેંક્યો હતો અને નવી દિલ્હીને વારંવાર ચેતવણી આપી હતી કે તે ખતરનાક બની રહ્યું છે.