મોહાલી: આઇપીએલમાં (IPL) આજે બુધવારે અહીં રમાયેલી મેચમાં લિયામ લિવિંગસ્ટોનની 82 રનની નોટઆઉટ ઇનિંગ તેમજ 49 રનની નોટઆઉટ ઇનિંગ રમનાર જીતેશ શર્મા સાથેની તેની નોટઆઉટ શતકીય ભાગીદારીની મદદથી પંજાબ કિંગ્સે (PBKS) 3 વિકેટે 214 રનનો સ્કોર બનાવીને મૂકેલા 215 રનના લક્ષ્યાંકને ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવ વચ્ચેની શતકીય ભાગીદારીની મદદથી મુંબઇ ઇન્ડિયન્સે (MI) 18.5 ઓવરમાં જ 4 વિકેટના ભોગે કબજે કરીને મેચ 6 વિકેટે જીતી હતી.
લક્ષ્યાંક કબજે કરવા ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સની શરૂઆત ખરાબ રહ્યા પછી ઇશાન કિશન અને સૂર્ય કુમાર યાદવે જોરદાર ફટકાબાજી કરીને 116 રનની ભાગીદારી કરીને મુંબઇને જીતના માર્ગે મૂક્યું હતું. સૂર્યકુમાર 31 બોલમાં 66 અને ઇશાન 41 બોલમાં 75 રન કરીને આઉટ થયા હતા. તે પછી બાકીનું કામ તિલક વર્મા અને ટિમ ડેવિડે પુરૂ કર્યું હતું.
મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કર્યા પછી પ્રથમ દાવ લેવા ઉતરેલી પંજાબ કિંગ્સને શરૂઆતમાં જ ઝાટકો લાગ્યો હતો, જો કે તે પછી શિખર ધવન અને મેથ્યુ શોર્ટે 49 રનની ભાગીગારી કરી હતી. આ બંને આઉટ થયા ત્યારે પંજાબનો સ્કોર 3 વિકેટે 95 રન હતો. અહીંથી લિવિંગસ્ટોન અને જીતેશે બાજી સંભાળી લીધી હતી. લિવિંગસ્ટોને 42 બોલમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 82 જ્યારે જીતેશે 27 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 49 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. બંને વચ્ચે ચોથી વિકેટની 119 રનની નોટઆઉટ ભાગીદારીના પ્રતાપે પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 3 વિકેટે 214 રનનો સ્કોર બનાવ્યો હતો.