ગુવાહાટી : બેટ્સમેનોના (Batsman) ખરાબ પ્રદર્શનને કારણે પ્રથમ બે મેચમાં પરાજય વેઠનાર દિલ્હી કેપિટલ્સ (DC) પર હવે હારની હેટ્રિકનો ખતરો તોળાયો છે અને જો તેમણે આઈપીએલની (IPL) વર્તમાન સિઝનમાં જીતનું ખાતું ખોલાવવું હોય તો રાજસ્થાન રોયલ્સ (RR) સામેની મેચમાં વધુ સારી બેટિંગ કરવી પડશે. પ્રથમ બે મેચમાં લખનઉના માર્ક વુડ અને ગુજરાતના અલઝારી જોસેફ જેવા બોલરોએ પૃથ્વી શો અને સરફરાઝ ખાન જેવા દિલ્હીના બેટ્સમેનોને આતંકિત કર્યા હતા. આ પ્રતિભાશાળી બેટ્સમેનોનો આત્મવિશ્વાસ હજુ પણ ડગમગી ગયો છે અને આવી સ્થિતિમાં ટ્રેન્ટ બોલ્ટ, કેએમ આસિફ અને જેસન હોલ્ડર જેવા બોલરોનો સામનો કરવો તેમના માટે આસાન નહીં હોય.
આ સિવાય રાજસ્થાન પાસે રવિચંદ્રન અશ્વિન અને યુઝવેન્દ્ર ચહલ જેવા સ્પિનરો છે જે બારસપારા સ્ટેડિયમની બેટીંગ-ફ્રેન્ડલી સ્થિતિમાં પણ વિરોધી ટીમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આક્રમક ઓપનર જોસ બટલરનું આ મેચમાં રમવું શંકાસ્પદ છે જે દિલ્હી માટે સારા સમાચાર હોઈ શકે છે. બટલરને છેલ્લી મેચમાં કેચ લેતી વખતે ઈજા થઈ હતી અને તેના ડાબા હાથની નાની આંગળીમાં ટાંકા આવ્યા છે. જો બટલર નહીં રમેતો તેના સ્થાને જો રૂટ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવે તેવી સંભાવના છે. ઋષભ પંતની ગેરહાજરી છતાં, દિલ્હી કેપિટલ્સની બેટીંગ કાગળ પર મજબૂત દેખાઈ રહી છે પરંતુ પૃથ્વી શો અને સરફરાઝ જેવા બેટ્સમેનોને આંતરરાષ્ટ્રીય કક્ષાના બોલરોનો સામનો કરવામાં મુશ્કેલી પડી રહી છે. ટીમનો સૌથી નબળો ભાગ અનુભવી ભારતીય બેટ્સમેનોનો અભાવ છે.