Sports

અંતિમ બોલ સુધી ચાલેલી રોમાંચક મેચમાં કોલકાતાએ પંજાબ કિંગ્સને હરાવ્યું

કોલકાતા: કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે સોમવારે આઈપીએલ-2023ની (IPL 2023) 53મી મેચ ઈડન ગાર્ડન પર રમાઈ હતી જેમાં યજમાન ટીમ કેકેઆર 5 વિકેટથી વિજયી થઈ હતી. આ વિજયની સાથે જ કોલકાતા પ્લેઓફની રેસમાં યથાવત છે જ્યારે શિખર ધવનની કેપ્ટનશીપવાળી પંજાબ કિંગ્સ માટે ટોચના 4માં જગ્યા બનાવવું મુશ્કેલ બનયું છે.

કેપ્ટન નીતીશ રાણાએ (38 બોલમાં 51 રન) અડધી સદી ફટકારી હતી જ્યારે વેસ્ટ ઈંડીઝના બેટ્સમેન આંદ્રે રસેલ (23 બોલમાં 42 રન) અને રિંકુ સિંહની (10 બોલમાં 21 રન) અંતિમ ઓવરોમાં વિસ્ફોટક બેટિંગની મદદથી કેકેઆરે અંતિમ બોલ સુધી ચાલેલી રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને હરાવ્યું હતું. 180 રનના લક્ષ્યાંકનો પીછો કરતા કેકેઆરે 5 વિકેટ ગુમાવી 182 રન કર્યા હતા, રસેલે સેમ કરનની 19મી ઓવરમાં 3 છગ્ગા ફટકારી ટીમની જીત સુનિશ્ચિત કરી હતી. ત્યારબાદ રિન્કુએ છેલ્લી બોલ પર ચોગ્ગો મારી કેકેઆરને વિજય અપાવ્યો હતો આ સાથે જ રિન્કુએ ફિનીશર તરીકે નામના મેળવી છે.

આ પહેલાં કોલકાતાના વરૂણ ચક્રવર્તીએ પોતાનું સારું પ્રદર્શન ચાલુ રાખતા 3 મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી, કેકેઆરના બોલર્સે શિસ્તબદ્ધ બોલિંગ કરી પંજાબ કિંગ્સને મોટો સ્કોર કરતા અટકાવ્યું હતું અને 7 વિકેટ પર 179 રન બનાવવા દીધા હતા. પંજાબે ટોસ જીતી પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબનો સ્કોર હજુ ઓછો બનતે પણ શાહરૂખ ખાન (9 બોલમાં 21 રન અણનમ) અને હરપ્રીત બ્રારે (9 બોલમાં 17 રન અણનમ) અંતિમ ઓવરોમાં વિસ્ફોટક બેટિંગ કરી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.

પંજાબ તરફથી કેપ્ટન શિખર ધવને 47 બોલમાં 57 રન બનાવી ટીમનો સ્કોર આગળ વધાર્યો હતો પણ તે પોતાની ઈનિંગને લાંબી ખેંચી શક્યો ન હતો અને કેકેઆરના કેપ્ટન નીતીશ રાણા દ્વારા આઉટ થયો હતો. ઈડન ગાર્ડનની સૂકી પિચ પર રાણાએ બે ઓવરમાં બે વિકેટ લઈ કેકેઆરને સારી શરૂઆત આપી હતી.

Most Popular

To Top