ચીન અને ભારત વચ્ચે સરહદે તંગદીલી સર્જાયા પછી બીસીસીઆઇ દ્વારા સ્પોન્સશિપ ડીલ સસ્પેન્ડ કરી દેવાયાના એક વર્ષ પછી ચાઇનીઝ સ્માર્ટફોન કંપની વિવોની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ટૂર્નામેન્ટના ટાઇટલ સ્પોન્સર તરીકે વાપસી થઇ છે. ભારતીય બજારમાં શાઓમી અને સેમસંગ જેવી કંપનીઓ સાથે સ્પર્ધા કરી રહેલી વિવો કંપનીએ એવું કહ્યું હતું કે પોતાના પ્રિમીયમ ડિવાઇસનો પોર્ટફોલિયો વિસ્તારવાની સાથે 5જી જેવી નવી ટેક્નોલોજી પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
વીવો ઇન્ડિયાના બ્રાન્ડ સ્ટ્રેટજી ડિરેક્ટર નિપુણ મોર્યએ બુધવારે પીટીઆઇને કહ્યું હતું કે વિવો આઇપીએલ ટાઇટલ સ્પોન્સર તરીકે પાછુ ફર્યું છે અને એ અમારા માટે ઘણું ઉત્સાહજનક તેમજ રોમાંચક છે, કારણકે આઇપીએલ ભારતની સૌથી મોટી ટૂર્નામેન્ટ છે. તેમણે કહ્યું હતું કે આઇપીએલ રમત અને મનોરંજનનો એક આદર્શ સમાગમ છે, તેથી અમે 9મી એપ્રિલથી આઇપીએલ શરૂ થવાની રાહ જોઇ રહ્યા છીએ.
મોર્યએ વધુમાં કહ્યું હતું કે અમારો જૂનો કોન્ટ્રાક્ટ જેવો ને તેવો રહ્યો છે અને અમે કોન્ટ્રાક્ટ પર પહેલાથી લાગુ નિયમો અને શરતોને વળગી રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે સમગ્ર માહોલ ચોક્કસપણે હવે બદલાઇને બહેતર બન્યો છે અને બધુ મળીને જોઇએ તો વાતાવરણ વધુ સારૂ બન્યું છે. મને લાગે છે કે વિવો આઇપીએલ ટાઇટલ સ્પોન્સર તરીકે પાછું ફર્યું તે યોગ્ય જ થયું છે.
વિવોનો બીસીસીઆઇ સાથે દર વર્ષે 440 કરોડનો સ્પોન્સરશિપ કરાર છે. વિવોએ 2018થી 2022 સુધીનો ટાઇટલ સ્પોન્સરશિપ કરાર કુલ રૂ. 2190 કરોડમાં મેળવ્યો હતો અને એક વર્ષ તે સસ્પેન્ડ કરી દેવાયો હોવાથી હવે તે 2023 સુધી ટાઇટલ સ્પોન્સર તરીકે રહેશે.