બીસીસીઆઈએ ટીમોને આઈપીએલ 2025 ફરી શરૂ કરવા માટે તૈયારી કરવા જણાવ્યું છે. તેમને મંગળવાર સુધીમાં તેમના ખેલાડીઓને નિયુક્ત સ્થળોએ બોલાવવા કહ્યું છે. બોર્ડ ઝડપથી આઈપીએલ ફરી શરૂ કરવા માંગે છે કારણ કે તેનું લક્ષ્ય 30 મેના રોજ આઈપીએલ ફાઇનલ રમાડવાનું છે.
ધર્મશાલામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની આઈપીએલ મેચ ટેકનિકલ ખામીને કારણે રદ થયા પછી, બીસીસીઆઈએ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને ટુર્નામેન્ટને એક અઠવાડિયા માટે સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. શનિવારે સાંજે બંને દેશોએ યુદ્ધવિરામની જાહેરાત બાદ હવે બોર્ડ સરકાર સાથે સલાહ લેશે અને સુધારેલા સમયપત્રકની જાહેરાત કરતા પહેલા તમામ હિસ્સેદારો સાથે ચર્ચા કરશે.
બીસીસીઆઈની જાહેરાત બાદ ખેલાડીઓ સ્વદેશ પાછા ફરવાનું શરૂ કરી દીધું હતું પરંતુ હવે મંગળવાર સુધીમાં પાછા બોલાવવા પડશે. પંજાબ કિંગ્સ તેમની બાકીની આઈપીએલ મેચ તટસ્થ સ્થળે રમશે.
તમામ ફ્રેન્ચાઇઝીઓને મંગળવાર સુધીમાં તેમની ટીમને તેમના સંબંધિત સ્થળ પર રિપોર્ટ કરવા માટે જણાવવાનું કહેવામાં આવ્યું છે. પંજાબ પાસે એક તટસ્થ સ્થળ હશે, તેથી તેમનું સ્થળ હજુ સુધી પુષ્ટિ થયેલ નથી. બોર્ડ વધુ ડબલ હેડર રાખવાની યોજના બનાવી રહ્યું છે જેથી તેઓ તેમના નિર્ધારિત દિવસ મુજબ IPL પૂર્ણ કરી શકે. જોકે ફાઇનલ મૂળ સમયપત્રક મુજબ 25 મેના બદલે 30 મેના રોજ રમાઈ શકે છે.
IPL એક અઠવાડિયા માટે સ્થગિત હોવાથી IPL ફાઇનલ હવે 25 મેના બદલે 30 મેના રોજ મર્યાદિત સ્થળોએ રમાય તેવી શક્યતા છે. શેડ્યૂલ આજે રાત સુધીમાં તમામ IPL ટીમોને મોકલવામાં આવશે એવું સૂત્રોએ જણાવ્યું છે.
વિવિધ અહેવાલો અનુસાર BCCI IPL 2025 મે સુધીમાં જ પૂર્ણ કરવાનો ઇરાદો ધરાવે છે. તેને આગળ લંબાવવાથી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સહિત વિદેશી ખેલાડીઓની ગેરહાજરી થઈ શકે છે કારણ કે ટીમો 11 જૂનથી ઇંગ્લેન્ડમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટકરાશે. BCCI એ બાકીની સિઝનનું આયોજન કરવા માટે ચેન્નાઈ, બેંગલુરુ અને હૈદરાબાદ સહિત ત્રણ સ્થળોને શોર્ટલિસ્ટ કર્યા છે.
IPL ચેરમેન અરુણ ધુમલના જણાવ્યા અનુસાર અમે સ્થળની તારીખો અને બધું નક્કી કરીશું. અમે હવે ટીમ માલિકો, બ્રોડકાસ્ટર્સ અને સંકળાયેલા દરેક વ્યક્તિ સહિત તમામ હિસ્સેદારો સાથે વાત કરીશું અને આગળ કેવી રીતે વધવું તે અંગેનો માર્ગ શોધીશું. સૌથી અગત્યનું અમારે સરકાર સાથે સલાહ લેવી પડશે.
કઈ ટીમોની મેચ બાકી છે?
મુંબઈ, કોલકાતા, રાજસ્થાન અને ચેન્નાઈમાં બે-બે લીગ મેચ બાકી છે. બાકીની ટીમોએ હજુ ત્રણ-ત્રણ લીગ મેચ રમવાની બાકી છે.
કેટલી મેચ બાકી છે, મેચ ક્યારે થઈ શકે છે?
IPL 2025 હેઠળ 74 મેચ રમવાની હતી. 8 મે સુધીમાં 58 મેચ રમાઈ ચૂકી હતી. એટલે કે હવે 16 મેચ બાકી છે. આમાંથી 12 મેચ લીગ સ્ટેજની છે અને 4 મેચ પ્લે-ઓફ સ્ટેજની છે. બીસીસીઆઈ મે મહિનામાં જ લીગ પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અગાઉના કાર્યક્રમ મુજબ ફાઇનલ 25 મેના રોજ યોજાવાની હતી. ડબલ હેડર મેચ 11 અને 18 મેના રોજ યોજાવાની હતી. એટલે કે એક દિવસમાં બે મેચ. હવે મે મહિનામાં લીગ પૂર્ણ કરવા માટે બોર્ડને ડબલ હેડરની સંખ્યા વધારવી પડી શકે છે.