ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) માટે મેગા ઓક્શનની તૈયારી કરી લેવાઈ છે. 12 અને 13 ફેબ્રુઆરીએ મેગા ઓક્શન (Mega Auction) યોજાવાની છે. આ વર્ષે બે નવી ટીમો અમદાવાદ અને લખનઉ મેદાનમાં રમતી જોવા મળશે. IPL 2022ના મેગા ઓક્શનમાં 1,214 ખેલાડીની બોલી લગાવવામાં આવશે. આ ખેલાડીઓમાં (Players) 896 ભારતીય અને 318 વિદેશી ખેલાડી હશે. આ બે દિવસીય મેગા ઓક્શનમાં 10 ટીમ ભાગ લેશે, જેમાં 270 કેપ્ડ પ્લેયર્સ, 903 અનકેપ્ડ પ્લેયર્સ અને 41 સહયોગી દેશોના ખેલાડીઓ પણ હરાજીમાં ભાગ લેશે.
જો બધું બરાબર રહ્યું તો આ વખતે આઈપીએલ ભારતમાં યોજાશે. એટલું જ નહીં આ વખતે 8 ની જગ્યાએ 10 ટીમો જોડાશે તેથી આ સત્ર ખૂબ જ રોમાંચક રહેશે. આ ટીમોએ હરાજી પહેલા જ પોતાની સાથે 33 ખેલાડીઓને જોડી દીધા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણા મોટા નામોએ આ વર્ષે વિશ્વની સૌથી લોકપ્રિય ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં નહીં રમવાનો નિર્ણય લીધો છે. જેમાં બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, જો રૂટ અને મિશેલ સ્ટાર્ક જેવા નામ સામેલ છે. તેમણે મેગા ઓક્શનમાં પોતાનું નામ સુદ્ધા આપ્યું નથી.
આ યાદીમાં ભારતીય ક્રિકેટના કેટલાક મોટા નામ સામેલ છે. જેમાં રવિચંદ્રન અશ્વિન, શ્રેયસ ઐયર, શિખર ધવન, ઈશાન કિશન, સુરેશ રૈના, દેવદત્ત પડિકલ અને હર્ષલ પટેલનો સમાવેશ થાય છે. આ સિવાય દિનેશ કાર્તિક, ભુનેશ્વર કુમાર, અંબાતી રાયડુ, કૃણાલ પંડ્યા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, રોબિન ઉથપ્પા અને શાર્દુલ ઠાકુર પણ છે. આ તમામની બેસ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે.
ટી20 વર્લ્ડકપ 2021માં પ્લેયર ઓફ ધ સીરિઝ રહેલા ઓસ્ટ્રેલિયન ટીમના સલામી બેટ્સમેન ડેવિડ વોર્નર અને તેમની ટીમના સાથી તથા ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ રહેલા મિચેલ માર્શ સહિત 49 ખેલાડીઓમાં સામેલ છે, જેમાં આઈપીએલ 2022 મેગા ઓક્શનમાં પોતાની બેસ પ્રાઈસ 2 કરોડ રૂપિયા રાખી છે. IPL 2022 મેગા ઓક્શન માટે BCCI મોટી તૈયારી કરી રહ્યું છે અને ખેલાડીઓની બિડ આવતા મહિને બેંગલુરુમાં 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાવાની છે.
જો આંકડાઓ પર નજર કરીએ તો એક એવો ખેલાડી છે જેણે આ વર્ષે વેચાણના મામલામાં વિરાટ કોહલી અને રોહિત શર્માને પણ પાછળ છોડી દીધો છે. IPLની હરાજી પહેલા લખનઉની ટીમે KL રાહુલને ખરીદવા માટે 17 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આટલી મોટી રકમ કોઈને મળી નથી. બીજા નંબર પર સંયુક્ત રીતે 3 ખેલાડીઓ રવિન્દ્ર જાડેજા, રોહિત શર્મા અને રિષભ પંત છે જેમને 16-16 કરોડ રૂપિયા મળ્યા છે.