નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના નવા ચેરમેન અરૂણ ધૂમલનું માનવું છે કે આ ટી-20 લીગ ટૂર્નામેન્ટ આગામી પાંચ વર્ષમાં દુનિયાની સૌથી મોટી લીગ બની જશે અને સાથે કહ્યું હતું કે મહિલા આઇપીએલ (Womens IPL) બાબતે પણ બોર્ડનો મત સ્પષ્ટ છે. ધૂમલે પીટીઆઇ સાથેની વાતચીતમાં આઇપીએલ બાબતે લાંબા ગાળાની યોજના બાબતે વાત કરી હતી.
આઇપીએલ 2023-2027ની સાયકલ માટે રૂ. 48,390 કરોડમાં મીડિયા રાઇટ્સ વેચ્યા હતા, જેનાથી પ્રતિ મેચના મૂલ્ય મામલે આઇપીએલ વિશ્વની બીજી સૌથી મોટી મૂલ્યવાન રમત લીગ બની હતી. આઇપીએલમાં અઢી મહિનામાં 10 ટીમ વચ્ચે 94 મેચોનું આયોજન કરવાની યોજના છે. ધૂમલે કહ્યું હતું કે નવી યોજનાઓ સાથે આગળ વધવું એ સમયની માગ છે, અને એવું કોઇ કારણ નથી દેખાતું કે જેનાથી આઇપીએલ વિશ્વની સૌથી મોટી લીગ ન બની શકે. આઇપીએલ ચેરમેન અરૂણ ધૂમલે કહ્યું હતું કે અમે અમારી તુલના ફૂટબોલ કે વિશ્વની અન્ય રમત લીગ સાથે નથી કરી શકતાં, કારણકે ક્રિકેટની જરૂરિયાતો અલગ હોય છે. તમે એક જ પ્રકારની પીચ પર છ મહિના સુધી રમી નથી શકતાં.
આઇપીએલમાં ટીમોની સંખ્યા 10 જ રહેશે તેને વધારવાથી આયોજન મૂશ્કેલ બનશે : ધૂમલ
બીસીસીઆઇએ આઇપીએલમાં બે નવી ટીમો જોડીને 12000 કરોડ રૂપિયાની વધારાની કમાણી કરી છે, છતાં ધૂમલનું કહેવું છે કે તેમાં હાલ તો વધારાની નવી ટીમો જોડવાની સંભાવના નથી. તેમણે કહ્યું હતું કે ટીમની સંખ્યા તો 10 જ રહેશે. જો તેમાં વધારો કરવામાં આવશે તો તેના કારણે એક સાથે ટૂર્નામેન્ટનું આયોજન મૂશ્કેલ બની જશે. અમે પહેલી બે એડિશનમાં 74 મેચ અને તે પછી 84 મેચના આયોજન પર વિચારી રહ્યા છીએ, જો બધી બાબતો અનુકુળ રહેશે તો પાંચમા વર્ષે અમે 94 મેચ આયોજિત કરી શકીએ તેમ છીએ.
બીસીસીઆઇનો પોતાના ખેલાડીઓને વિદેશી લીગમાં રમવાની મંજૂરી આપવાનો કોઇ ઇરાદો નથી
વિશ્વભરમાં જે રીતે ટી-20 લીગ શરૂ થઇ રહી છે તે સ્થિતમાં બીસીસીઆઇ પર પોતાના ખેલાડીઓને વિદેશી લીગમાં રમવાની મંજૂરી આપવાનું પ્રેશર વધી રહ્યું છે. આઇપીએલ ફ્રેન્ચાઇઝી માલિકોએ દક્ષિણ આફ્રિકાની નવી લીગમાં છ ટીમો ખરીદી છે અને એ સ્થિતિમાં સ્વાભાવિક છે કે તેઓ આઇપીએલમાં રમતા પોતાના ખેલાડીઓની તેમાં હાજરી ઇચ્છશે. જો કે ધૂમલે એવું સ્પષ્ટ કરી દીધું હતું કે બીસીસીઆઇની પોતાના ખેલાડીઓને વિદેશી લીગમાં રમવાની મંજૂરી આપવાનો કોઇ ઇરાદો નથી. ખેલાડીઓની ભલાઇ માટે આ નિર્ણય કરાયો છે.