અબુધાબી: યુએઇ (UAE)માં રમાઇ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના બીજા તબક્કામાં મંગળવારે ક્રિકેટ ચાહકોને ડબલ હેડર (double header)નો ડોઝ મળશે. જેમાં બપોરે 3.30 વાગ્યાથી શારજાહમાં શરૂ થનારી પહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ (delhi capitals) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે મુકાબલો જામશે, જ્યારે સાંજે 7.30 વાગ્યાથી અબુધાબીમાં શરૂ થનારી બીજી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ (Mumbai Indians) અને પંજાબ કિંગ્સ (Punjab kings) વચ્ચે જંગ જામશે.
દિલ્હી કેપિટલ્સની ટીમ કેકેઆર સામેની મેચ જીતીને પ્લેઓફમાં પ્રવેશનારી પહેલી ટીમ બનવાનો ઇરાદો ધરાવતી હશે, સામે પક્ષે કેકેઆર પણ ચેન્નાઇ સુપર કિંગ્સ સામે છેલ્લા બોલે મળેલી હારને ભુલાવીને દિલ્હીને પછાડવાના ઇરાદે મેદાને ઉતરશે. બીજી મેચમાં ડિફેન્ડીંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ માટે અભી નહીં તો કભી નહીં જેવી સ્થિતિ છે, જો કે સામે પક્ષે પંજાબ કિંગ્સની ટીમ પણ પોતાની સુધરેલી બાજી બગડવા તો નહીં જ દે, તેથી આ મેચ રોમાંચક બની રહેવાની સંભાવના છે.
અબુધાબીમાં રમાનારી ડબલ હેડરની મેચમાં મેદાને પડનારી રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઇ ઇન્ડિયન્સ અને કેએલ રાહુલની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સ બંને ટીમ માટે આ મેચ કરો યા મરો સમાન બની રહેશે. પંજાબ કિંગ્સની ટીમ આવતીકાલની મેચમાં અંતિમ ઓવરોમાં મેચ ગુમાવી દેવાની પોતાની ટેવ ત્યાગીને જીતના માર્ગે આગળ વધવા માગશે. તો મુંબઇની ટીમ યુએઇમાં શરૂ થયેલા બીજા તબક્કામાં પોતાની પહેલી મેચ જીતવા માગશે. પંજાબ કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ બંને ટીમ પોઇન્ટ ટેબલમાં ચાર જીત સાથે એકસરખા 8 પોઇન્ટ ધરાવે છે પણ પંજાબની ટીમ બહેતર રનરેટના કારણે પાંચમા જ્યારે મુંબઇ સાતમા સ્થાને છે. બંને ટીમમાંથી જે હારશે તેના માટે પ્લેઓફનો માર્ગ અત્યંત મુશ્કેલ બની જવાનો છે. કદાચ તો પ્લેઓફ પ્રવેશનું તેમનું સ્વપ્ન ચકનાચુર થઇ શકે છે. બંને ટીમ એકબીજા સામે 27 વાર રમી છે જેમાંથી મુંબઇની ટીમ 14 જ્યારે પંજાબ કિંગ્સ 13 મેચ જીતી છે. બંનેમાંથી એક પણ ટીમ આવતીકાલની મેચમાં હારવા નહીં માગતી હોવાથી મેચ રસપ્રદ બની રહેવાની સંભાવના છે.
શારજાહના નાના મેદાનમાં રમાનારી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) વચ્ચે મુકાબલો જામશે દિલ્હી કેપિટલ્સની ટીમ કેકેઆર સામેની મેચ જીતીને પ્લેઓફમાં પ્રવેશનારી પહેલી ટીમ બનવાનો ઇરાદો ધરાવતી હશે, સામે પક્ષે કેકેઆર પણ ચેન્નાઇ સુપર કિંગ્સ સામે છેલ્લા બોલે મળેલી હારને ભુલાવીને દિલ્હીને પછાડવાના ઇરાદે મેદાને ઉતરશે. ઋષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સ યુએઇમાં ચાલતા બીજા તબક્કામાં સતત ત્રણ મેચ જીતી ચુકી છે અને હાલ 16 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. સામે પક્ષે ઇયોન મોર્ગનની આગેવાની હેઠળની કેકેઆરે બીજા તબક્કામાં પ્રદર્શન સુધારીને છેલ્લી ત્રણ મેચમાંથી બે મેચ જીતી છે. સીએસકે સામે છેલ્લા બોલે મળેલા પરાજયને ભુલાવીને તે મેચ જીતીને પોતાનું ચોથુ સ્થાન જાળવી રાખવા માગશે.
સીએસકે સામેની મેચમાં ઘવાયેલા રસેલ વગર કેકેઆર મેદાને પડશે
દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ પોતાના ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ વગર મેદાને ઉતરવું પડી શકે છે. રસેલને સીએસકે સામેની મેચમાં ફિલ્ડીંગ દરમિયાન ઇજા થઇ હતી. રસેલ બહાર રહેશે તો તેના કારણે કેકેઆરને મોટો ફટકો પડશે, કારણે તે બેટિંગમાં ટૂંકી પણ તોફાની ઇનિંગ રમી શકે છે અને પોતાના ક્વોટાની ચાર ઓવર કરકસરયુક્ત બોલિંગ કરી શકે છે.