નવી દિલ્હી : ભારતીય ટીમના (Indian Team) માજી કેપ્ટન અને ગુજરાતમિત્રના કોલમિસ્ટ સુનિલ ગાવસ્કરે ચેન્નાઇ સુપર કિંગ્સના (CSK) કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ઇતિહાસનો સૌથી શ્રેષ્ઠ કેપ્ટન (Captain) ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આઇપીએલમાં (IPL) તેના જેવો કોઇ કેપ્ટન નથી અને ભવિષ્યમાં કોઇ આવશે પણ નહીં.
- ગુજરાતમિત્રના કોલમિસ્ટ અને માજી કેપ્ટન ગાવસ્કરના મતે ધોની આઇપીએલ ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન છે
- સીએસકે આકરી પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવાનું જાણે છે અને તે ધોનીના કારણે જ સંભવ બન્યું છે : ગાવસ્કર
ધોનીએ હાલમાં જ 12 એપ્રિલે ચેન્નાઇમાં રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં સીએસકેના કેપ્ટન તરીકે 200મી મેચ રમી હતી, જે સીએસકે ત્રણ રને હાર્યું હતું. 41 વર્ષિય ધોની આઇપીએલમાં કોઇ એક ટીમ માટે 200 મેચમાં કેપ્ટનશિપ કરનારો પહેલો ખેલાડી બન્યો હતો. ગાવસ્કરે કહ્યું હતું કે સીએસકે આકરી પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર આવવું તે જાણે છે અને તે ધોનીને કારણે જ સંભવ બન્યું છે. 200 મેચમાં કેપ્ટનશિપ કરવી ઘણું મુશ્કેલ છે. આટલી બધી મેચમાં કેપ્ટનશિપ કરવી એક ભારણ છે અને તેના કારણે તેના પ્રદર્શન પર પણ અસર પડી શકે છે પણ ધોની અલગ છે. તે અલગ કેપ્ટન છે.