Sports

પાટીદાર અને બોલરોના પાવરથી લખનઉને આરસીબીએ 14 રને હરાવ્યું

કોલકાતા : આઇપીએલની આજે અહીં રમાયેલી એલિમિનેટરમાં રજત પાટીદારની આક્રમક સદી તેમજ વિરાટ કોહલી અને દિનેશ કાર્તિક સાથેની અર્ધશતકીય ભાગીદારીઓના પ્રતાપે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 207 રન કરીને મૂકેલા 208 રનના લક્ષ્યાંક સામે લખનઉ સુપર જાયન્ટ્સ કેએલ રાહુલની પ્રયાસ છતાં 20 ઓવરમાં 6 વિકેટે 193 રન સુધી જ પહોંચતા આરસીબીની 14 રને જીત થઇ હતી.

લક્ષ્યાંક આંબવા મેદાને પડેલી લખનઉને શરૂઆતમા પાવરપ્લેમાં જ બે વિકેટ પડતા ઝાટકો લાગ્યો હતો. લોકેશ રાહુલ અને દીપક હુડા તે પછી સ્કોરને 137 રન સુધી લઇ ગયા ત્યારે હુડા 45 રન કરીને આઉટ થયો હતો. સ્ટોઇનિસ સાથે રાહુલે 36 રનની ભાગીદારી કરી હતી, સ્ટોઇનિસ 9 રન કરીને આઉટ થયો હતો. હેઝલવુડે 19મી ઓવરમાં કેએલ રાહુલ અને કૃણાલ પંડ્યાને આઉટ કરતા મેચમાં પલટો આવ્યો હતો અને અંતિમ ઓવરમાં લખનઉએ 24 રન કરવાના આવ્યા હતા, જેની સામે હર્ષલ પટેલે માત્ર 9 રન આપતા આરસીબીનો 14 રને વિજય થયો હતો.

ટોસ હારીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે શરૂઆત સારી રહી નહોતી, ફાફ ડુ પ્લેસિસ શૂન્ય રને આઉટ થયો હતો. જો કે તે પછી વિરાટ કોહલી અને રજત પાટીદારે 66 રનની ભાગીદારી કરીને સ્થિતિ થોડી સુધારી હતી. વિરાટ કોહલી અંગત 25 રન કરીને આઉટ થયો હતો અને તે પછી ગ્લેન મેક્સવેલ પણ માત્ર 9 રન કરીને આઉટ થયો હતો. મહિપાલ લોમરોર પણ માત્ર 14 રન કરીને આઉટ થયો હતો. રજત પાટીદારે તે પછી દિનેશ કાર્તિક સાથે મળીને 41 બોલમાં 92 રનની ભાગીદારી કરીને આરસીબીને 4 વિકેટે 207 રનના મજબૂત સ્કોર સુધી લઇ ગયો હતો. આ દરમિયાન પાટીદારે રવિ બિશ્નોઇની એક ઓવરમાં ત્રણ છગ્ગા અને બે ચોગ્ગાની સાથે 27 રન રન લીધા હતા અને તે પછી કાર્તિકે અવેશ ખાનની ઓવરમાં 15 રન લીધા હતા. મોહસીન ખાનની ઓવરમાં છગ્ગો મારીને પાટીદારે સદી પુરી કરી હતી. પાટીદાર 54 બોલમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 112 અને કાર્તિક 37 રને નોટઆઉટ રહ્યો હતો.

Most Popular

To Top