સુરત: IPL સટ્ટાબજારનો કાળો કારોબાર શહેરમાં બેફામ ફેલાઈ રહ્યો છે. સુરત પોલીસ દ્વારા ફાયટર ગ્રુપ અને ગાર્ડન ગ્રુપના મુખ્ય ખેલાડીઓ પર રેડ પાડવામાં આવી હોવાની વાત છે. પરંતુ મુખ્ય સુત્રધારો ‘ફરાર’ થઈ ગયા છે! આ કાર્યવાહી ખરેખર IPL સટ્ટાને નાબૂદ કરવા માટે છે કે માત્ર બે લોકો સામે ડરભીત રાજનીતિ ઉભી કરવાના હિસ્સા રૂપે તે શંકાસ્પદ છે.
સટ્ટાબાજો ખાદી અને ખાખીના ‘આશીર્વાદ’થી સુરતને IPL સટ્ટાનું હબ બનાવવા માંગે છે
‘ગુજરાતમિત્ર’ દ્વારા અડાજણના મોટા સટ્ટા ગ્રુપો માસ્ટર આઈડી ધારકોની યાદી બહાર પાડવામાં આવી હતી. અઘોરી ગ્રુપ, ફાઈટર ગ્રુપ, ગાર્ડન ગ્રુપ, પરશુરામ ગ્રુપ અને બંટી સિટી લાઈટ આ તમામ ગ્રુપ માસ્ટર આઈડી ધારકો અને ‘મોટા કસ્ટમર’, કેટલાંક રાજકીય માથાઓ અને પોલીસ ખાતા સાથે સંકળાયેલા કેટલાંક સાથે સીધો સંપર્ક ધરાવતાં હોવાનું કહેવાય છે.
જો સખત તપાસ થાય તો હજી મોટું કૌભાંડ બહાર આવી શકે! આ ગ્રુપ વિવિધ સામાજીક કાર્યોની આડમાં પડદા પાછળ ગેરકાયદે કારોબાર કરતા હોવાની આશંકા છે. તેમની સામેના ગુજરાતમિત્રના અહેવાલો પછી પોલીસે થોડા અંશે આળસ ખંખેરી હોય તેમ લાગે છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે પોલીસે ફાયટર ગ્રુપ અને ગાર્ડન ગ્રુપના મુખ્ય ખેલાડીઓ પર રેડ કરી છે. પરંતુ તે બંને ફરાર હોવાની વાત છે. હવે આ સટ્ટાકાંડના “ગજ્જુ” અને “મનોજ” જેવા બે મુખ્ય અને મોટા ખેલાડીઓ સામે શું કાર્યવાહી થાય છે તેના પરથી ખબર પડશે કે પોલીસ ખરેખર કાર્યવાહી કરી રહી છે કે પછી રાજકીય દબાણમાં કાર્યવાહીનું નાટક ચાલી રહ્યું છે.
ગૃહ મંત્રી હર્ષ સંઘવીના જ શહેરમાં IPL સટ્ટાખોરો સુરક્ષિત કેમ?
રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી જુગાર અને બુટલેગરો સામે લાલ આંખ કરી રહ્યા છે, ત્યારે તેમના જ શહેરમાં IPL સટ્ટા બજારનું મોટું કૌભાંડ કેમ? હર્ષ સંઘવી દ્વારા આ અંગે તપાસ કરાવવી જરૂરી બની છે. તેમના જ શહેરમાં સટ્ટાખોરીનુ હબ બનતુ હોય ત્યારે પોલીસ-સટ્ટાખોરોની ‘સાંઠગાંઠ’ ની તપાસ થવી જરૂરી છે. IPL સટ્ટાખોરોની મિલકત પર પણ બુટલેગરોની જેમ બુલડોઝર ફરવું જરૂરી છે. IPL સટ્ટાના નાણાં વડે રાજકીય માથાઓ અને પોલીસ અધિકારીઓની પણ કડક તપાસ થવી જોઈએ!
IPL સટ્ટાની ગેંગ સામે તાત્કાલિક પગલાં જરુરી!
- IPL સટ્ટાખોરો રાજકીય માથાઓના આશીર્વાદથી જાણે પોલીસને કેમ લલકારી રહ્યા છે?
- ગુજરાત સરકાર અને IPL સટ્ટાખોરો સામે કઈ ગાઈડલાઈન લાવશે?
- ED, CBI અને ઇન્કમટેક્ષ વિભાગને IPL સટ્ટાની નાણાંકીય હેરાફેરી તપાસવી પડશે!
- સુરત હવે IPL સટ્ટાનું ‘માફિયા હબ’ ન બને, તો તાત્કાલિક કાર્યવાહી થવી જરૂરી છે!
